પતિ દારૂ પીને બેજવાબદાર થઈ ગયા છે, સાસુ-સસરા તેમને કંઈ કહેતાં નથી

Published: 27th December, 2011 07:20 IST

મારાં લગ્નને નવ વરસ થયાં છે. લવમૅરેજ કરેલાં ત્યારે હસબન્ડનો સ્વભાવ ઘણો જ સારો હતો, પણ લગ્ન પછી તેમનું મગજ બગડતું ગયું છે. ઘરમાં બહુ ઓછો સમય આપે છે.(સવાલ સેજલને-સેજલ પટેલ)

સવાલ : મારાં લગ્નને નવ વરસ થયાં છે. લવમૅરેજ કરેલાં ત્યારે હસબન્ડનો સ્વભાવ ઘણો જ સારો હતો, પણ લગ્ન પછી તેમનું મગજ બગડતું ગયું છે. ઘરમાં બહુ ઓછો સમય આપે છે. દીકરો સાત વરસનો છે, પણ કદી તેની સાથે રમ્યા નથી કે નથી અમને ક્યાંય બહાર ફરવા લઈ ગયા. છેલ્લાં બે-ત્રણ વરસથી તો દારૂ પીવાની ખરાબ લત પડી ગઈ છે. તેમણે ક્યારે દારૂ પીને અમારી પર હાથ નથી ઉપાડ્યો. રાતભર ક્યાંક પબમાં પડ્યા રહે ને વહેલી સવારે ઘરે આવે ત્યારે લાલઘૂમ આંખો હોય. પહેલાં તો હું કંઈક કહેતી તો ચૂપચાપ સાંભળી લેતા, પણ હવે સાંભળતા નથી. હું મારાં સાસુ-સસરાને કહું છું કે દીકરાને કંઈક શીખ આપે, પણ તેઓ તો જાણે હાથ ખંખેરી દીધા હોય એમ કહે છે કે તારો વર છે તું જાણે. પૈસેટકે તકલીફ નથી, પણ આમ જ દારૂમાં પૈસા વેડફશે તો ભવિષ્યનું શું? છોકરાને ભણાવવાનો છે, પરણાવવાનો છે એ બધાનું અત્યારથી કંઈક તો આયોજન હોવું જોઈએને? મેં ઘણી તપાસ કરી કે શું તેને બીજી કોઈ છોકરી સાથે લફરું છે? પણ હજી સુધી કંઈ ખબર નથી પડી. લગ્ન પહેલાં તો તેઓ ખૂબ રોમૅન્ટિક હતા, પણ હવે તેમને મારી સામે જોવાની ફુરસદ પણ નથી. હુંય ઘરમાં બેઠી-બેઠી જાડી ગુજરાતી બૈરાં જેવી થઈ ગઈ છું. ખરું કહું કંઈ મજા જ નથી આવતી. તેને મારી તરફ જોવાની પડી નથી ત્યારે કોના માટે સજવા-ધજવાનું? રાત્રે પણ ક્યારેક અચાનક મન થઈ જાય તો પ્રેમ વરસાવી દે, સવારે ઊઠીને ફરીથી  જાણે હું કોણ ને તું કોણ? લિટરલી હું ખૂબ જ કંટાળી ગઈ છું. ઘરના વડીલો કંઈ કહેતા નથી, તેમને ફરિયાદ કરું છું તો કહે છે કે મારા દીકરાને વગોવે છે. હું તો ભવિષ્યની ચિંતાને કારણે આમ કરું છું એટલું પણ તેમને કેવી રીતે સમજાવવું?
- શિવાજી પાર્ક

જવાબ : તમારાં પ્રેમલગ્ન છે એટલે કે તમે બન્નેએ રાજીખુશીથી એકબીજા સાથે જિંદગી વિતાવવાનું નક્કી કર્યું હતું બરાબર? આજે તમારા બન્ને વચ્ચે આટલો તણાવ પેદા થઈ ગયો છે એની તમે ચિંતા કરો છો એ વાજબી જ છે, પણ એ તણાવનું મૂળ કારણ શું છે એ સમજવું જરૂરી છે. લગ્નને નવ વરસ થયાં છે ને તમારા કહેવા મુજબ છેલ્લાં બે વરસથી તેમનું વર્તન બદલાયું છે. આ પરિવર્તન અચાનક તો નહીં જ આવ્યું હોય. નાનામોટા મતભેદો, તકલીફોની શરૂઆત કઈ રીતે થઈ હતી એ જરા ફ્લૅશબૅકમાં જઈને સમજવાની કોશિશ કરો. દારૂ પીવાની આદત કઈ રીતે પડી? શા માટે એવી જરૂરિયાત થઈ? કેમ તમારી વચ્ચેના પ્રેમની લાગણી ઓસરવા લાગી?
તમારા હસબન્ડ નશામાં ક્યારેય હિંસક પણ નથી થતા એનો મતલબ કે તેમને પરિવાર પ્રત્યે થોડીક કાળજી તો છે જ. માટે ભૂતકાળમાં શું ઘટી ગયું છે જેને કારણે અત્યારે તેમનું વર્તન સાવ બેજવાબદાર થઈ ગયું છે એ જાણવું ખૂબ જ અગત્યનું છે. તમે તેમને આ બાબતે વારંવાર ટોકતા હો તો બંધ કરો.

સાસુ-સસરાને ફરિયાદ કરવાનીય જરૂર નથી. તેઓ દીકરાને ધમકાવીને વાત વધુ બગાડી બેસે એવું બને. આવાં પરિવર્તન પાછળનાં મૂળ કારણો સમજીને એને દૂર કરવાની કોશિશ કરો અને હા, તમે જેમ ગુજરાતણની જેમ ફૂલી ગયા છો એ તરફ પણ ધ્યાન આપો. ફરીથી જરાક ફિગર ફિટ ઍન્ડ ફાઇન બનાવો. કોઈ પણ વ્યક્તિ ફરિયાદો કે સલાહોથી તમારું સાંભળતી નથી, પણ પ્રેમથી ભીંજવી દો તો તમારી જ બની રહે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK