તે છોકરી સિવાય કોઈની સાથે લગ્ન ન કરવાનું નક્કી કર્યું પરંતુ...

Published: 26th December, 2011 07:47 IST

હું ૩૪ વર્ષનો છું. પચીસનો હતો ત્યારે એક છોકરીને અનહદ ચાહતો હતો. તેણે પણ મારી સાથે પ્રેમનું નાટક કરેલું. જોકે તેની નજર મારા પૈસા પર હતી. તે મારી પાસેથી તેના ઘરની તંગ પરિસ્થિતિનાં રોદણાં રડીને પૈસા લેતી હતી.(સવાલ સેજલને-સેજલ પટેલ)

સવાલ : હું ૩૪ વર્ષનો છું. પચીસનો હતો ત્યારે એક છોકરીને અનહદ ચાહતો હતો. તેણે પણ મારી સાથે પ્રેમનું નાટક કરેલું. જોકે તેની નજર મારા પૈસા પર હતી. તે મારી પાસેથી તેના ઘરની તંગ પરિસ્થિતિનાં રોદણાં રડીને પૈસા લેતી હતી. એ વખતે મને પણ કંઈ ખબર ન હોવાથી હુંય તેના પ્રેમમાં અંધ હતો. ચાર વરસ અફેર ચાલ્યો ને પછી એક દિવસ આવીને તેણે મને ઇમોશનલ બ્લૅક મેઇલિંગ કર્યું કે તેના પેરન્ટ્સે તેનાં લગ્ન કોઈ બીજા છોકરા સાથે ફિક્સ કરી દીધાં છે. પેલા છોકરાએ તેમને ખૂબ મોટી રકમની મદદ કરી હોવાથી તેઓ ના પાડી શકે એમ નથી. મેં એ બધું જ કરજ ઉતારવાની તૈયારી બતાવી ને તેના પેરન્ટ્સને આમ કૉમ્પ્રોમાઇઝ ન કરવું પડે એ માટેના ઘણા વિકલ્પો બતાવ્યા, પણ તેણે અનેક કારણો દર્શાવ્યાં. ખૂબ જ ગરીબડા થઈને તેણે પેરન્ટ્સનું કરજ ઉતારવા માટે થઈને તે મારી સાથેના સંબંધો તોડી રહી છે એમ જતાવ્યું. એ વખતે પણ લગ્ન માટે તે પચીસ હજાર રૂપિયા લઈ ગઈ.

બહેન, હું એટલો મૂરખ છું કે એ વખતે તો મને ખબર ન પડી, પણ છેલ્લાં પાંચ વરસથી હું તેની યાદમાં ઝુલસતો રહ્યો. આટલા વખતથી હું એવું જ માનતો હતો કે તે મને ખૂબ જ પ્રેમ કરતી હતી છતાં તેણે મને છોડવો પડ્યો. એટલે મેં પણ બીજે ક્યાંય પ્રેમ નહીં કરવાનું નક્કી કરેલું. લગ્ન પછી તેના પૈસાદાર પતિ સાથે તે દુબઈ જઈને વસી છે. હમણાં તે મુંબઈ આવેલી ત્યારે રસ્તામાં મળી ગઈ. તેની સાથે હું વાત કરવા માગતો હતો, પણ તેણે તો જાણે મને ઓળખ્યો જ નહીં. ઊલટાનું તેનો પતિ આવ્યો એટલે કહ્યું કે આ લફંગો મને પરેશાન કરે છે ને એ કારણસર અમારી વચ્ચે મારામારી પણ થઈ. તેની સોસાયટીમાં રહેતી એક બહેનપણીએ મને છોડાવ્યો ને આ છોકરીએ મારી સાથે કેવું તર્કટ રચ્યું છે એની વાત કરી. એ દિવસથી હું સૂઈ નથી શક્યો. મને થાય છે કે મેં કેવી છોકરીની યાદમાં જીવન ખર્ચી નાખ્યું? કેમેય હું મારી જાતને માફ નથી કરી શકતો. શું કરવું એ સમજાતું નથી.

- બોરીવલી

જવાબ : તમે ભોળપણમાં ખૂબ છેતરાયા છો. ચાર વરસના સંબંધો દરમ્યાન તે તમારી આંખમાં ધૂળ નાખતી રહી ને તમને ખબર પણ ન પડી. ખેર, પ્રેમને આંધળો એટલે જ કહેવાય છે. હવે જ્યારે સચ્ચાઈ ખબર પડી જ ગઈ છે ત્યારે તેની યાદમાં, તેને કોસવામાં હજી વધુ સમય બરબાદ કરીને બચેલી જિંદગીને પણ તેને કારણે બગાડવાની જરૂર નથી. તેણે જે કર્યું એ જરાય યોગ્ય નથી કર્યું, પણ જો તેને યોગ્ય-અયોગ્યની સમજ પડે એવું હૃદય હોત તો તેણે આવું કર્યું જ નહોત. એટલે હવે તેની યાદો પાછળ વધુ સમય બરબાદ કરવો જરાય પરવડે નહીં.

આટલાં વષોર્ તમે બીજે ક્યાંય ન પ્રેમ કર્યો ન લગ્ન કયાર઼્. હજીય મોડું નથી થયું. તમે ભૂતકાળને ભૂલીને તમારી આસપાસ કોઈ સમજુ જીવનસાથીની તલાશ આદરશો તો જરૂર કોઈક મળી આવશે. હવે ઉંમરની પરિપક્વતાને કારણે માત્ર પ્રેમનો પટ્ટો આંખે લગાવી ન રાખશો. જીવનમાં દરેક અનુભવ કંઈક શીખવવા માટે થાય છે. કડવા અનુભવો વાગોળવા માટે નહીં, પણ એમાંથી શીખવા જેવું શીખીને આગળ ધપવા માટે હોય છે. જે લોકો ખરાબમાં ખરાબ અનુભવોમાંથી શીખે છે તેઓ ખૂબ આગળ વધે છે. ભૂતકાળ હંમેશાં આપણી અંદર જીવતો જ હોય છે, એને ભૂંસી નથી શકાતો. પણ એનો મતલબ એ પણ નથી કે ભૂતકાળની યાદોમાં તમે ભવિષ્યના નવા ચિત્રને રચી જ ન શકો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK