પતિના માવડિયાવેડાથી ગુસ્સો આવે છે, શું કરૂં?

Published: 22nd December, 2011 09:30 IST

લગ્નને દસ મહિના થયા છે, પણ પતિ પોતાની મમ્મીનો પાલવ છોડતા નથી; તેમના માવડિયાવેડાથી ગુસ્સો આવે છે

(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારાં લગ્નને દસ મહિના થયા છે. મારાં અરેન્જ્ડ મૅરેજ છે. પતિ મારાથી ચાર વરસ મોટા છે અને આખો દિવસ ધંધાની વાતોમાં વ્યસ્ત હોય છે. ઘરમાં તો તેમનું કંઈ ચાલતું નથી. બધું મારાં સાસુમા જ તય કરે છે. હસબન્ડ સાંજે ઘરે આવ્યા પછી પણ તેમની માની જ આજુબાજુ ફર્યા કરે છે. પગ દુખે છે તો લાવ માથું દબાવી આપે, ચા બનાવી આપે. ક્યારેક હું પતિ સાથે બહાર ચાલવા જવાનું કહું તો તરત જ મારાં સાસુમા કશુંક કામ કાઢીને બેસી જાય. મારો પતિ છે, પણ બે મિનિટ પણ અમને એકલાં ફરવા જવા ન મળે. રાત્રે સૂવા ભેગા થઈએ એટલું જ; બાકી વાત કરવાની, ફરવાનું કે ફિલ્મ જોવા જવાનું કશું જ ન થાય.

મારાં સાસુ તેમના દીકરાને આંગળીના ટેરવે નચાવે છે. ઘરમાં મમ્મી કહે એમ જ થાય. આખો દિવસ મારા પતિ મમ્મીની આગળ-પાછળ જ હોય છે. ક્યારેક અમે સાથે રૂમમાં બેઠાં-બેઠાં વાતો કરતા હોઈએ ત્યારે પણ મારાં સાસુ અચાનક જ ટપકી પડે. મારા પતિ વાતવાતમાં મને કહેતા હોય છે કે મારી મમ્મીને જરાય તકલીફ ન થાય એનું આપણે હંમેશાં ધ્યાન રાખવાનું છે. મારાં સાસુ તેમના મૂડ પ્રમાણે કંઈ પણ કરી શકે. જો હું રાત્રે મોડે સુધી કામ કરીને થાકી હોઉં અને બીજા દિવસે મોડી એટલે કે આઠ વાગ્યે ઊઠું તો તરત જ બોલવાનું શરૂ કરી દે. તેઓ મને વઢે એવું નહીં, પરંતુ ઘરમાં એને લગતી વાતો મોટે-મોટેથી કરે. મારા પતિ એ સાંભળી જાય એટલે તેઓ મારી સાથે ઝઘડો કરે. ગુસ્સો તો એટલો આવે છે કે માવડિયાવેડા ક્યારે છોડશે? મારા પતિ મને શું ગમે છે એના કરતાં મમ્મીને શું ગમે છે એની ચિંતા પહેલાં કરે છે.

- મલાડ

જવાબ : લગ્ન પછીનું પહેલું વર્ષ ખરેખર આકરું હોય છે. પતિ અને પતિના સ્વજનોને પોતાના બનાવવાની સ્ટ્રગલ અને એ માટે ડગલે ને પગલે કરવું પડતું કૉમ્પ્રોમાઇઝ સહેલું નથી હોતું. જે વ્યક્તિ માટે તમે જન્મ આપનારાં માબાપ સહિત તમામ સ્વજનોને છોડીને નવા ઘરે આવ્યાં છો એ વ્યક્તિ જ જો તમને પૂરતું મહત્વ અને પ્રેમ ન આપતી હોય ત્યારે જીવન કડવું થઈ જાય છે. જોકે હજી લગ્નને છ જ મહિના થયા છે એટલે પતિને માવડિયાનું લેબલ લગાવીને મનમાં પૂર્વગ્રહ પેદા કરવાની જરૂર નથી.

લગ્ન કરીને આવ્યા પછી તમને આજેય તમારાં પોતાનાં માબાપ માટે ખૂબ દાઝતું હશે. તો તમારા પતિને પણ પોતાના પેરન્ટ્સ માટે લાગણી અને માન હોય તો એને ખોટું ન સમજવું. તમારાં સાસુમા જે પઝેસિવ વર્તન કરે છે એ પણ સમજી શકાય એવું છે. અત્યાર સુધી તેમનો દીકરો માત્ર તેમનો હતો અને હવે તેમની આ માલિકીમાં ભાગ પડાવનારી વહુ આવી ગઈ છે. આ વાત સ્વીકારતાં થોડીક તકલીફ તો તેમને થવાની જ. તમારે માત્ર તમારા પતિને તમારી તરફ ખેંચીને ખોટું સ્ટ્રેસ ઊભું કરવાને બદલે પહેલાં પતિના પરિવારજનોને પોતાના કરવા મથવું રહ્યું. તમે પતિને તમારી તરફ ખેંચો અને સાસુ તેમની તરફ એવું તો દરેક ઘરમાં થાય છે. જો તમે પતિની સાથે મળીને મમ્મીને આદર અને મહત્વ આપવાનું શરૂ કરો તો ખેંચતાણ મટી જાય. સાસુ માટે પણ વહુ એ પોતાના દીકરાને લઈ જનારી હરીફ નહીં લાગે તો તે પણ વધુ પ્રેમથી વર્તશે.

જીવનમાં જ્યારે નવી વ્યક્તિ ઉમેરાય અને જો તે બધું જ અટેન્શન પત્નીને આપવા લાગે તો આવી જ લાગણી તમારાં સાસુ-સસરાને પણ થઈ શકેને? એવું બને કે કદાચ તમારા પતિ મમ્મીને ઓછું ન આવે એની કાળજી માટે આ બધું કરતા હોય? વિચારી જોજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK