હું હાલ લગ્ન કરવા નથી માંગતી પણ પપ્પા પરણાવી દેવાના મૂડમાં છે, શું કરું?

Published: 18th December, 2012 06:20 IST

હું ૨૧ વર્ષની છું. બે વર્ષથી મને એક છોકરા સાથે પ્રેમ હતો અને અમારા બન્નેના પેરન્ટ્સ અમારી વિરુદ્ધ હોવાથી રોજેરોજ મારા ઘરમાં કટકટ થતી હતી. તેને સારી નોકરી લાગી અને મારું ભણવાનું પૂરું થયું એટલે અમે બન્નેએ ભાગીને લગ્ન કરી લેવાનું નક્કી કરેલું.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૨૧ વર્ષની છું. બે વર્ષથી મને એક છોકરા સાથે પ્રેમ હતો અને અમારા બન્નેના પેરન્ટ્સ અમારી વિરુદ્ધ હોવાથી રોજેરોજ મારા ઘરમાં કટકટ થતી હતી. તેને સારી નોકરી લાગી અને મારું ભણવાનું પૂરું થયું એટલે અમે બન્નેએ ભાગીને લગ્ન કરી લેવાનું નક્કી કરેલું. ચાર મહિના પહેલાં અમે ભાગી પણ ગયેલાં. જોકે એક મહિનો છુપાઈને રહ્યા પછી જ્યારે તે પોતાની ઑફિસે ગયો ત્યારે મારા પેરન્ટ્સે તેને ઝડપી લીધો. તેમણે મારા બૉયફ્રેન્ડને ખૂબ માર્યો અને મને પરાણે તેમની સાથે ઢસડી ગયા. અત્યાર સુધી મારા ઘરમાં મને બધી જ છૂટ મળતી હતી, પણ જ્યારથી પાછી આવી છું મારી મમ્મી પોલીસની જેમ મારી નિગરાની રાખે છે. આટલા દિવસમાં બૉયફ્રેન્ડ તરફથી પણ કોઈ સંદેશો નથી. કૉમન ફ્રેન્ડ થ્રૂ તેનો કૉન્ટેક્ટ કરવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે તેના પેરન્ટ્સે તેને કલકત્તા મોકલી દીધો છે અને ત્યાં પણ તેને ફોન કે પૈસા કશું જ આપતા નથી. તેણે મારી ફ્રેન્ડ થ્રૂ એટલો મેસેજ મોકલાવ્યો હતો કે હવે આપણે એકબીજાને ભૂલી જ જવા પડશે. પહેલાં તો હું ખૂબ રડી, પણ હવે કોઈ જ કૉન્ટેક્ટ નથી ત્યારે તેને યાદ કરીને કેટલાં આંસુ વહાવું? હું બધું ભૂલી જવા તૈયાર છું, પણ મારી મમ્મી મને ઘરની બહાર એકલા નીકળવા દેવા તૈયાર નથી. તેનું કહેવું છે કે હું તેમના વિશ્વાસનો લાભ લઈને ફરી કંઈક આડુંઅવળું પગલું ભરી બેસીશ. મારે નોકરી કરવી છે, પણ મમ્મી કરવા દેતી નથી.

મને અત્યારે પરણવાની ઉતાવળ નથી, પણ પપ્પા તો છોકરો જોઈને અત્યારે જ વાત પાકી કરી દેવાના મૂડમાં છે. હું શું કરું એ કંઈ સમજાતું નથી.

- ખાર

જવાબ : તમે તમારી ભૂલ સમજી રહ્યા છો એ સારી વાત છે. પણ તમારા પેરન્ટ્સની ચિંતા પણ વાજબી જ છે. તેમણે એક વાર વિશ્વાસ મૂક્યો અને એ સચવાયો નહીં. હવે તેઓ સેફ સાઇડ રહેવા માટે ઝટપટ તમારાં લગ્ન કરી નાખવા ઇચ્છે છે. આ સંજોગોમાં તમે બહુ ઘાંઘા ન થાઓ એ જરૂરી છે. તમે એક વાત યાદ રાખજો કે ભૂલ કાળા માથાના દરેક માનવીથી થાય. એ ભૂલનું પુનરાવર્તન ફરી ન કરે એ જ ડાહ્યો માણસ કહેવાય.

પેરન્ટ્સ તમારાં લગ્ન કરી નાખશે એની ચિંતામાં તમે ઘરમાં રડારોળ કરવાનું અને વિરોધ કરવાનું બંધ કરો. તમારે પહેલાં તો ભૂતકાળના આઘાતમાંથી સંપૂર્ણપણે બહાર આવવાની જરૂર છે. તમે જે પગલું ઉઠાવેલું એ ખોટું હતું એનો પેરન્ટ્સ સામે સ્વીકાર કરો. તમારી વાતોમાં જ નહીં, તમારા વર્તનમાં જ્યારે તમારી ભૂલનો પસ્તાવો નજર પડશે ત્યારે પેરન્ટ્સને આપમેળે તમારી ચિંતા ઓછી થશે. પહેલા સંબંધને ભૂલવાનું અઘરું જરૂર છે, પણ તમે એક વાર તમારી જાતને પ્રૉમિસ આપો કે તમે ફરીથી પાછળ વળીને નહીં જુઓ અને પહેલાં તમારી કરીઅર બનાવીને પગભર થશો. જો આટલું તમે દિલથી કરશો તો પેરન્ટ્સ પણ ઝડપથી લગ્ન કરી નાખવાની ઉતાવળ નહીં કરે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK