મારી બહેનપણીને પ્રેગ્નન્સીનો ફોબિયા છે, હવે ડિપ્રેશનમાં છે

Published: 21st December, 2011 09:51 IST

મારી બહેનપણી વતી હું આ સવાલ પૂછું છું. તેની ઉંમર ૨૮ વર્ષ છે. તેનાં હજી લગ્ન નથી થયાં ને તેને કરવા પણ નથી. તેને છોકરાઓ ગમતા નથી એવું નથી, પણ તેને લગ્ન પછીની ચિંતા વધુ થાય છે. એક વાર તેની સગાઈ પણ થયેલી, પણ એ તેણે તોડી નાખી.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ: મારી બહેનપણી વતી હું આ સવાલ પૂછું છું. તેની ઉંમર ૨૮ વર્ષ છે. તેનાં હજી લગ્ન નથી થયાં ને તેને કરવા પણ નથી. તેને છોકરાઓ ગમતા નથી એવું નથી, પણ તેને લગ્ન પછીની ચિંતા વધુ થાય છે. એક વાર તેની સગાઈ પણ થયેલી, પણ એ તેણે તોડી નાખી. તેનું કહેવું હતું કે તે સગાઈ પછી જ્યારે ભાવિ સાસરે જતી ત્યારે છોકરાની મમ્મી તેને વારંવાર કહેતી કે આ છોકરી તો અમને ઘરનો વંશ આપશે. મારી બહેનપણીનું કહેવું છે કે મારે લગ્ન કરવા છે, પણ મા બનવું નથી. પ્રેગ્નન્સી અને ડિલિવરી એ બધાથી તેને ડર લાગે છે. ભાવિ સાસુએ તો લગ્ન પહેલાં જ પૌત્રની અપેક્ષાઓ તેના પર લાદી દીધી હોવાથી તે ડઘાઈ ગઈ ને તેણે પોતાના પેરન્ટ્સને લગ્ન કરવાની જ ના પાડી દીધી. સગાઈ તોડવા તેના પેરન્ટ્સ તૈયાર નહોતા તો તે ઘર છોડીને નીકળી ગયેલી. ખબર નહીં કેમ પણ બાળક પેદા કરવાની વાત આવે એટલે તે ખૂબ જ ઉશ્કેરાઈ જાય છે. તેને એનો ખૂબ જ ડર લાગે છે. તેના પેરન્ટ્સ નહીં માન્યા તો તે જાતે જઈને પેલાના ઘરે જઈને સગાઈ તોડવાની વાત કરી આવી. છોકરાવાળાએ ટણીવાળા હતા કે તેના આવા વર્તન પછી કોઈ સમજાવટથી માને એમ નહોતા. હું તેને છેલ્લાં સાત-આઠ વરસથી ઓળખું છું. કોઈનાય ઘરે બાળક આવે કે કોઈ જૂની ફ્રેન્ડની પ્રેગ્નન્સીની વાત ચાલતી હોય તો પણ એ ત્યાંથી ઊઠીને જતી રહે.

સગાઈ તૂટી ગયા પછી હવે તે ખૂબ જ ડિપ્રેશનમાં રહે છે. તેને મળવા ઘરે જઈએ તો સામે પૂતળાની જેમ બેસી રહે. ન કોઈ વાત, ન કોઈ ઉત્સાહ. વારંવાર કહેતી હોય છે કે લગ્ન કરીએ તો બાળક પેદા કરવું જ પડે એવું કેમ? તેને કોઈ માનસિક પ્રૉબ્લેમ છે કે કેમ એ પણ સમજાતું નથી.

- વસઈ રોડ

જવાબ: મોટા ભાગની સ્ત્રીઓને મા બનવાનો અભરખો હોય છે જે રોક્યો રોકાતો નથી તો કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ એવા પણ છે જેમાં સ્ત્રીઓને પ્રેગ્નન્સીનો ફોબિયા હોય. એને ટોકોફોબિયા નામ અપાયું છે. આવો ડર મનમાં ઘર કરી જવાનાં ઘણાં કારણો હોઈ શકે. એની યોગ્ય તપાસ થવી જરૂરી છે.

તમારી બહેનપણીને કોઈ માનસિક બીમારી છે એવી રીતે ટ્રીટ ન કરવી. સમજાવીને કોઈ સારા સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ જાઓ. કાઉન્સેલિંગ કરીને તેઓ આ ફોબિયાનાં મૂળિયાં સુધી પહોંચીને કયા કારણે તેને પ્રેગ્નન્સીનો ડર લાગે છે એ શોધી કાઢશે. મોટા ભાગના કિસ્સામાં નાની ઉંમરે કોઈની ડિલિવરી જોઈ હોય, ડિલિવરી દરમ્યાન કણસતી મહિલાને જોઈ હોય કે પછી પ્રેગ્નન્સીમાં કોઈ નજીકના સગાનું મૃત્યુ થયું હોય જેવાં કારણો હોય છે. દિલમાં ઊંડે-ઊંડે તેને મા બનવાની ઇચ્છા તો હોય છે, પણ ડરને કારણે તેનું રીઍક્શન તીવþતાથી આપે છે.

તમે તેને સમજો છો ને એ તમારી પાસે મનની વાત કરી શકે છે તો તમે પણ તેની સાથે અમસ્તા જ વાતો કરો. બાળક તો બધાએ પેદા કરવું પડે એવી વાતને બદલે તેને શા માટે એ વાતથી આટલો ડર લાગે છે એ સમજવાની કોશિશ કરો. જો એમ પણ ન થતું હોય તો જસ્ટ તેને આ બધી જ વાતોથી દૂર રાખીને માત્ર કાઉન્સેલર પાસે જ લઈ જાઓ. વધુ આગ્રહ કરવાથી ફોબિયા વધુ ઊંડો થતો જાય એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK