મારો પતિ મને અને મારી દીકરીઓને મારે છે ત્યારે મેં પણ એક દિવસ એને માર્યો, હું શું કરું?

Published: 14th December, 2011 08:56 IST

હું ૩૧ વરસની છું. ૨૧ વરસે લગ્ન થઈ ગયેલાં. એ વખતે વાપી પાસેના નાના ગામમાં મારું સાસરું હતું. છેલ્લાં આઠ વરસથી મારા પતિ મુંબઈ કામ માટે આવ્યા છે. પહેલાં હું ગામમાં એકલી રહેતી હતી, પણ છ વરસથી મારી સાસુએ મને મુંબઈ મોકલી દીધી છે.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૩૧ વરસની છું. ૨૧ વરસે લગ્ન થઈ ગયેલાં. એ વખતે વાપી પાસેના નાના ગામમાં મારું સાસરું હતું. છેલ્લાં આઠ વરસથી મારા પતિ મુંબઈ કામ માટે આવ્યા છે. પહેલાં હું ગામમાં એકલી રહેતી હતી, પણ છ વરસથી મારી સાસુએ મને મુંબઈ મોકલી દીધી છે. અહીં ચાર ઘરનાં કામ કરું છું ને સાથે સિલાઈકામ પણ કરું છું. મારી બધી જ કમાણી વારતહેવારે સાસુમા આવે છે ત્યારે માગી જાય છે. મારા પતિને દારૂ પીવાની આદત છે એટલે નોકરીમાં ઠેકાણું નથી વળતું. જેટલું કમાય છે એમાંથી અડધું દારૂમાં ખર્ચી મારે છે. આ અરસામાં મારે બે દીકરીઓ જન્મી છે. સાસરિયાંઓને દીકરો જોઈએ છે ને એટલે હવે મને ફોર્સ કરે છે, પણ મેં ચુપકેથી જઈને કૉપર-ટી પહેરી લીધી છે. હવે બેઉ જણ માને છે કે મને છોકરાં નથી થતાં. છોકરો આવે એ માટે હું ટસની મસ નથી થતી એટલે તેમણે મને છૂટાછેડા આપીને બીજી પત્ની કરવાનો વિચાર માંડ્યો છે. આ કારણસર છેલ્લાં બે-ત્રણ વરસથી ઘરમાં મારપીટ અને ધમાલ ચાલતી હોય છે. અત્યાર સુધી હું એકલી માર ખાઈ લેતી હતી, પણ હવે મારી પાંચ વરસની મોટી દીકરીને પણ હસબન્ડ મારે છે. મારાથી એ સહન નથી થતું. પુરુષનો હથોડા જેવો હાથ કુમળી છોકરી પર પડે તો શું થાય? શરૂઆતમાં તો હું રડી ને મનાવવાની કોશિશ કરી, પણ એનાથી તેને લાગ્યું કે જો તે છોકરીને મારશે તો હું ત્રીજી પ્રેગ્નન્સી માટે તૈયાર થઈ જઈશ એટલે તેને વધુ મારવાનું શૂરાતન ચડ્યું છે. તે મને મારે ત્યાં સુધી ઠીક છે, પણ છોકરીને મારે એ મને નહીં પોસાય. એક દિવસ તેણે દીકરીને વેલણથી મારવાનું શરૂ કર્યું ત્યારે મારાથી નહીં રહેવાયું ને મેં પણ બાથરૂમમાંથી ધોકો લીધો ને તેને બરાબર બરડામાં ફટકાર્યો. ખબર નહીં કેમ પણ મને ખૂબ ઝનૂન ચડેલું એટલે મેં જરા વધારેપડતું જ મારી દીધું. એ પછી બે દિવસ સુધી ખાટલામાંથી ઊભા ન થઈ શક્યા અને સમાજમાં બધાને કહેવા લાગ્યા કે મારી પત્ની તો ડાકણ છે. મારાં સાસુ પણ ગામમાંથી આવી ગયાં છે ને મને ડાકણ કહીને સમાજમાં બદનામ કરે છે. કોઈ મારી સાથે વાત નથી કરતું ને મારાં પિયરિયાં પણ મને વઢે છે, પણ મને હજી મેં કંઈ ખોટું કર્યું હોય એમ નથી લાગતું.

- વસઈ રોડ

જવાબ : દારૂ ઢીંચીને આવેલો પતિ વાઇફને ધીબી નાખે એ દૃશ્ય સમાજને પચી ગયું છે, પણ એ જ પત્ની સ્વરક્ષણ માટે કે પછી પોતાના જ સંતાનને બચાવવા માટે થઈને ધોકો હાથમાં લે એ પચાવવાનું અઘરું છે. ભલે એ દૃશ્ય રૂઢિચુસ્તોને ખૂંચતું હોય, તમારે એનાથી જરાય ડરવાની જરૂર નથી. આટલા સમયથી તમારી સાથે મારપીટ કરી ને તમે એક વાર ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો એમાં કંઈ જ ખોટું નથી. કદાચ હું તો કહીશ કે પહેલી વાર જ જ્યારે પતિ હાથ ઉગામે ત્યારે તેનો હાથ પકડી લેવો જોઈએ, જેથી તેની મારપીટ કરવાની હિંમત વધતાં પહેલાં જ દબાઈ જાય.

પતિનો માર ચૂપચાપ સહન કરી લેવાનો એ વાત હવે જૂની થઈ ગઈ. આપણે લોકોના મોઢે તાળાં વાસવા જઈ શકીએ નહીં. સમાજને જે કહેવું હોય એ કહે, તમારું બધું જ ફોકસ તમારી આર્થિક સ્થિતિ સુધારવા પર અને તમારી દીકરીઓને સાચી સમજણ તથા સારું એજ્યુકેશન મળે એ માટે પ્રયત્ન કરવા તરફ રાખવું.

ઘરમાં રોજેરોજની ધમાલ ચાલતી હોય ત્યારે નાની દીકરીના મગજમાં આ પરિસ્થિતિ વિશે ખોટી ગ્રંથિ ઘૂસી ન જાય અને પુરુષજાતિ માટે મગજમાં ઝેર ભરાવાને બદલે આવી સ્થિતિમાં સાચું અને યોગ્ય શું છે એની સમજણ તેને આપશો. જો હંમેશાં આમ જ સ્ટ્રૉન્ગ રહેશો તો જરૂર જીવન સરળ બનશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK