એકલો છું ત્યારે પાછલી જિંદગીમાં શું થશે એની ભીતિ સતાવે છે

Published: 9th December, 2011 07:50 IST

થોડા દિવસ પહેલાં એક પિતાનો પત્ર હતો કે તેમનાં ટીનેજ સંતાનો કહ્યામાં નથી એટલે તેમને પાછલી જિંદગીમાં પોતાનું શું થશે એની ચિંતા થાય છે. આ ભાઈને મારે મારો અનુભવ વહેંચવો છે. હું ૬૩ વર્ષનો છું. બે દીકરાનો બાપ છું.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : થોડા દિવસ પહેલાં એક પિતાનો પત્ર હતો કે તેમનાં ટીનેજ સંતાનો કહ્યામાં નથી એટલે તેમને પાછલી જિંદગીમાં પોતાનું શું થશે એની ચિંતા થાય છે. આ ભાઈને મારે મારો અનુભવ વહેંચવો છે. હું ૬૩ વર્ષનો છું. બે દીકરાનો બાપ છું. એક તો ઑસ્ટ્રેલિયા જઈને વસ્યો છે ને બીજો મુંબઈમાં જ છે. પહેલાં તો દીકરા સાથે રહેતા હતા, પણ મુંબઈનાં નાનાં ઘરોને કારણે વહુને અમારી સાથે બહુ ફાવતું નહીં. મેં અને મારી પત્નીએ સામેથી જ તેમને જુદું ઘર કરી આપ્યું. પ્રાથમિક રૂપિયા મેં આપ્યા ને પછીના ઇન્સ્ટૉલમેન્ટ દીકરો જાતે ભરે છે. જોકે અમે જુદાં થયાં એને માંડ ચાર વરસ થયાં હશે અને મારી પત્ની અચાનક જ હાર્ટઅટૅકમાં મૃત્યુ પામી. પાછલી જિંદગીનો એક સહારો હતો એય જતો રહ્યો. સ્વાભાવિકપણે જ દીકરા પ્રત્યે અપેક્ષા વધી ગઈ કે હવે તે મારું ધ્યાન રાખે. તેણે પણ મને સાથે રહેવા બોલાવ્યો, પણ ખબર નહીં તેમના સુખી સંસારમાં હું ઑડ મૅન આઉટ જેવો હતો. જીવનસાથીનો સાથ છૂટ્યાનો ગમ ભુલાવવો આસાન નથી. એકાદ વરસ હું ખૂબ ડિપ્રેશનમાં રહ્યો; પણ ધીમે-ધીમે સમજાતું ગયું કે રડીશ કે ખુશ રહીશ, જીવવાનું તો છે જ. દીકરાના ઘરમાં સ્વજનોની વચ્ચે પણ જાણે હું એકલો પડી ગયો હોઉં એવું લાગતું. એટલે મેં ફરીથી મારી પત્ની સાથે રહેતો હતો એ જ નાના ઘરમાં એકલા રહેવા જવાનું નક્કી કરી લીધું. અહીં હું જેટલું રડવું હોય એટલું રડી શકતો. રડીને થાક્યા પછી મેં મારા જેવા બીજા વૃદ્ધોની સાથે વાતચીત કરવાનું ચાલુ કર્યું. એક ઓળખીતાની સંસ્થામાં પાર્ટ-ટાઇમ જૉબ કરવાનું શરૂ કર્યું. મને પૈસાની જરૂર નહોતી, સમય કાઢવા કંઈક પ્રવૃત્તિની જરૂર હતી. સાંજે બાગમાં જતો. બગીચા પાસેની ઝૂંપડપટ્ટીનાં બાળકો રખડ્યા કરતાં હતાં એ જોઈને મેં તેમને ભણાવવાનું શરૂ કર્યું. મારા માટે રસોઈ કરવા આવતી બાઈના દીકરાને પણ ભણાવવાનું શરૂ કર્યું છે. પાડોશીના કૉલેજ જતા દીકરા પાસેથી સેકન્ડહૅન્ડ કમ્પ્યુટર લીધું છે ને થોડુંક શીખી પણ રહ્યો છું.

ક્યાંક દિલના ખૂણે એકલતા કોરે છે, પણ એ જ જીવવા માટે પ્રભુએ મને મોકલ્યો છે એમ સ્વીકારી લીધું છે એટલે ભગવાન સાથે ઝઘડો નથી થતો. એકંદરે જોઉં તો જિંદગી હરીભરી જ છે. છતાં ક્યારેક હાથ-પગ નહીં ચાલે ત્યારે શું એની ચિંતા સતાવે છે. મનના એક ખૂણે સતત ભીતિ રહ્યા કરે છે કે જો હું ગંભીર માંદગીમાં પટકાયો કે હાથ-પગ નહીં ચાલ્યા તો શું કરીશ? મને લાગે છે કે આ ડર તમારાં સંતાનો સારાં હોય કે ખરાબ, દરેક માણસમાં હોય જ છે. ને એ તમે કોઈ રીતે દૂર કરી શકો એમ નથી.

- કાંદિવલી

જવાબ : અંકલ, પાછલી જિંદગીમાં આવતી સમસ્યાઓને તમે જે સહજતાથી અને સરસ રીતે પ્રતિભાવ આપ્યો છે એ પ્રેરણાદાયી છે. તમારો ડર જરાય ખોટો નથી. દુનિયામાં આપણાં સગાંવહાલાંઓ સાથે હોય કે દૂર, આપણી જિંદગી આપણે જ જીવવાની છે.

આ એક કાલ્પનિક ડર છે એવું નહીં કહું, પરંતુ એના માટે આપણે જેટલા સારા દિવસો છે એને પણ ખોટી ચિંતામાં વેડફી નાખીએ છીએ એ ઠીક નથી. ભગવાન જ્યારે મુશ્કેલી આપે છે તો સાથે એને સહન કરવાની શક્તિ અને સોલ્યુશન માટેના વિકલ્પો પણ આપે જ છે એવી શ્રદ્ધા રાખીને આજની જિંદગીને માણવી એટલું જ માણસના હાથમાં છે. ભવિષ્યની ચિંતાઓ ક્યારેય ખતમ થતી નથી. ભવિષ્યમાં દીકરો સાચવશે માટે હું તેને મોટો કરું એ અપેક્ષા પણ કેટલી વામણી છે એ પાછલી જિંદગીમાં જ સમજાય છે. કોઈ પણ પરિસ્થિતિમાં થાકી-હારી જવાને બદલે એનો હસતા મોંએ સામનો કરવાની તૈયારી સિવાય આપણે બીજું કશું જ કરી શકીએ એમ નથી. જોકે મોટા ભાગના લોકો આટલું કરવાનું ચૂકી જાય છે ને એટલે જ હેરાન થાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK