મમ્મીને કૅન્સર થયું છે ને હવે કાકાના દીકરાની નજર મિલકત પર જ છે

Published: 8th December, 2011 07:49 IST

હું ૩૨ વર્ષની છું. લગ્નને સાત વર્ષ થયાં છે. પતિ-બાળકો અને સાસુ-સસરા બધી વાતે સુખ જ સુખ છે. મારાં લગ્નનાં બે વરસ પછી પપ્પાનું અવસાન થયું અને એ પછી મમ્મી એકલી જ છે. અમે બે બહેનો છીએ. નાની બહેનનું સાસરું પુણેમાં છે.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૩૨ વર્ષની છું. લગ્નને સાત વર્ષ થયાં છે. પતિ-બાળકો અને સાસુ-સસરા બધી વાતે સુખ જ સુખ છે. મારાં લગ્નનાં બે વરસ પછી પપ્પાનું અવસાન થયું અને એ પછી મમ્મી એકલી જ છે. અમે બે બહેનો છીએ. નાની બહેનનું સાસરું પુણેમાં છે. મમ્મીને કૅન્સર થયું હોવાથી હાલમાં પથારીવશ છે. તે મુંબઈમાં જ છે અને મારા ઘરની પાસે જ રહે છે એટલે બે ટંકનું જમવાનું હું મોકલું છું. પુણેમાં રહેતી નાની બહેન દવાદારૂના ખર્ચમાં મદદ કરે છે. મારાં મોટાં કાકા-કાકી નાની ઉંમરે અવસાન પામેલાં એટલે તેમનો દીકરો અમારી સાથે જ રહેતો હતો. તે નાનો હતો ત્યારથી જ ખૂબ લુચ્ચો હતો. પપ્પાએ જ તેને ભણાવ્યો અને કમાતો કર્યો હોવા છતાં પપ્પાના અવસાન પછી તેણે મમ્મીને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. તેનાં લગ્ન થઈ ગયાં એટલે તેણે પપ્પાની જ મિલકતમાંથી ઘર લઈને જુદું રહેવાનું શરૂ કરી દીધું. હવે મમ્મીની નાજુક તબિયત છે ત્યારે મદદ કરવાને બદલે તેને ભોળવીને પપ્પાની બધી જ બચત સગેવગે કરવી છે એટલું જ નહીં, તેનો ડોળો મમ્મી જે ઘરમાં રહે છે એના પર છે. મમ્મીને કૅન્સર થયું એ સાંભળીને તે કદી ખબર કાઢવા નથી આવ્યો. મમ્મીની ઉંમર ૬૭ વર્ષની થઈ છે એટલે તે શરીરથી ખૂબ જ નંખાઈ ગઈ છે. હું અત્યારે ઘર અને પિયર એમ રોજના ચાર આંટા ખાઉં છું એટલે સમાજમાં કેટલાય લોકો મારાં સાસુને ચડાવે છે. મારાં સાસુ મને ખૂબ જ સપોર્ટ કરે છે. તેમનું કહેવું છે કે દીકરી થઈને માની સેવા ન કરે તો બીજા કોની કરે? તે તો એટલે સુધી કહે છે કે નાહકના અહીંતહીંના ધક્કા ખાય છે એના કરતાં મમ્મીને જ અહીં લઈ આવ. મારી મમ્મીને વાત કરી તો તે આવવા તૈયાર નથી. દીકરીના ઘરે જીવ છોડવાનું તેને ઠીક નથી લાગતું. હું દૂર રહ્યે-રહ્યે મારી માને હેરાન થતી જોયા કરું છું. મમ્મીની લાગણીને હું સમજું છું અને તેને આ ઘરમાં કમ્ફર્ટેબલ નહીં ફીલ થાય એ વાત પણ સાચી છે. ખૂબ ખરાબ લાગે છે. કંઈ સમજાતું કે નથી શું કરવું?

- બોરીવલી

જવાબ : તમારા જેવી દીકરીઓ છે ત્યાં સુધી કોઈ મા-બાપનું ઘડપણ મુશ્કેલીમાં નહીં મુકાય. તમારી દ્વિધા એક અતિસંવેદનશીલ વ્યક્તિની છે. તમારી સાસુ જેવાં સાસુ પણ સૌને મળજો. જેમ તમને તમારાં પોતાનાં મા-બાપની ચિંતા છે એમ તમારા પતિનાં માતા-પિતાની પણ એટલી જ ચિંતા છે એ ખૂબ જ સારી વાત છે. કાકાના દીકરા-ભાઈની ખરાબ નીયત ન ફાવી જાય એ માટે તમારા પતિનો અને તમારી બહેનનો સપોર્ટ લઈને જરૂરી કાર્યવાહીઓ પહેલેથી જ કરાવી લો. તમારા પપ્પાએ ઉદારતા બતાવીને તેને પૂરતી મદદ કરી છે, હવે તે ખોટો ગેરલાભ ન ઉઠાવે એ તમારે જોવાનું છે.

મમ્મીના કપરા દિવસોમાં તમે તમારા કર્તવ્યમાંથી પાછાં નથી પડી રહ્યાં એ ખૂબ જ સારું છે. આ ટેમ્પરામેન્ટ ક્યારેય નબળો પડવા દેશો નહીં. સમાજના મોંએ ગળણાં બાંધી શકાતાં નથી. તેમને જેમ ફાવે એમ બક્યા કરે છે. તમે માની ચિંતા નહીં કરો તો સમાજ કહેશે કે મા સબડી રહી છે પણ દીકરીને કંઈ પડી છે? જો તમે માની ચાકરી દિલથી કરવા માટે સાસરે થોડુંક ઓછું ધ્યાન આપશો તો કહેશે કે માની સેવામાં એટલી ડૂબી ગઈ છે કે સાસુ-સસરાને તો ભૂલી જ ગઈ છે. લોકોનું કામ વાતો કરવાનું છે, આપણે એનાથી જરાય ચલિત ન થવું. તમને તો તમારાં સાસુનો પણ સંપૂર્ણ સપોર્ટ છે પછી શું કરવા માનસિક રીતે હેરાન થાઓ છો? મા એ મા છે, તેની સેવા માટે તમે જે કંઈ કરી રહ્યાં છો એ જરાય ખચકાટ વિના ચાલુ રાખો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK