મિત્રોના કહેવા મુજબ મારી જોડી નહીં જામે એટલે મેં તેને છોડી દીધી, હવે ખૂબ મિસ કરું છું

Published: Dec 02, 2011, 07:43 IST

મારી ઉંમર ૨૦ વર્ષ છે. મારાથી એક વરસ નાની મારી જ કૉલેજની છોકરી મને ગમે છે. અમે અત્યાર સુધી તો કૉમન ફ્રેન્ડ્સની વચ્ચે જ મળતા આવ્યાં છીએ, પણ છેલ્લા ચાર-પાંચ મહિનાથી થોડુંક અંગત કમ્યુનિકેશન વધ્યું હતું.



(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારી ઉંમર ૨૦ વર્ષ છે. મારાથી એક વરસ નાની મારી જ કૉલેજની છોકરી મને ગમે છે. અમે અત્યાર સુધી તો કૉમન ફ્રેન્ડ્સની વચ્ચે જ મળતા આવ્યાં છીએ, પણ છેલ્લા ચાર-પાંચ મહિનાથી થોડુંક અંગત કમ્યુનિકેશન વધ્યું હતું. અમે ક્યારેક એકલાં જ કૉલેજની કૅન્ટીનમાં મળતાં ને સ્ટેશન સુધી સાથે ચાલીને જતાં. એમ કરવાથી ફ્રેન્ડસર્કલમાં અમારા મનમાં જે ચાલી રહ્યું છે એ વિશે ગંધ આવી ગઈ. બધા અમને કપલની જેમ જ ટ્રીટ કરવા લાગ્યા. શરૂઆતમાં તો મને ખૂબ જ ગમ્યું, તેણે પણ કોઈ વિરોધ ન કર્યો. જોકે હજી અમે એકમેકને પ્રપોઝ નહોતું કર્યું. મેં એક વાર મારા ખાસ દોસ્તને પ્રપોઝ કરવા વિશે પૂછ્યું તો તે બધાએ તો મને એવી સલાહ આપી કે અમારી જોડી જરાય સારી નથી લાગતી. અમે બન્ને એકદમ ઑપોઝિટ પોલ જેવા છીએ. તે ભણવામાં હોશિયાર છે ને હું નબળો. હું પૈસેટકે સુખી છું ને તે મિડલક્લાસની. મારા ફ્રેન્ડ્સનું કહેવું છે કે એક સામાન્ય કૉલેજિયન છોકરી જેટલી પણ તે ફૅશનેબલ નથી. અલબત્ત, મને તેના આવા હોવા માટે કોઈ વાંધો નહોતો. છતાં મિત્રોની દોરવણીમાં હું ફસાયો. તેમણે કહ્યું કે આના કરતાં તો ઘણી સારી છોકરીઓ તને મળી રહેશે. મેં ધીમે-ધીમે આ છોકરી સાથે વાત કરવાનું ઓછું કરી દીધું. મેં ભાવ આપવાનું બંધ કર્યું એટલે પેલીએ શરૂઆતમાં મને ઘણી વાર કારણ પૂછવાની કોશિશ કરી, પણ મેં ઉડાઉ જવાબો આપી દીધા. તેણે એ સ્વીકારીને મારી સાથે વાત કરવાની જ બંધ કરી દીધી. છેલ્લા વીસેક દિવસથી તે કૉલેજ આવે તો પણ મારી તરફ નજર નથી કરતી. મને દેખાય છે કે તે ડિસ્ટર્બ થઈ ગઈ છે. બીજી તરફ મનેય તેના વિના ગમતું નથી. હવે હું તેની પાસે ફ્રેન્ડશિપ કરવા માગું છું, પણ તે કહે છે, હવે તેને રસ નથી. મારા દોસ્તો કહે છે કે તેની સાથે ફ્રેન્ડશિપ કરવા જેવી જ નથી. હું કન્ફ્યુઝ છું. શું કરું?

- માહિમ

જવાબ : તમે આ સંબંધ તમારા માટે બાંધવા ઇચ્છો છો કે બીજા કોઈને બતાવવા માટે એ પહેલાં સ્પષ્ટ કરો. જો બીજાને બતાવવા માટે થઈને તમે સંબંધો રાખતા હો તો પેલી છોકરીએ જે કંઈ પણ કર્યું એ ઠીક જ કર્યું છે. મને એક વાતનો જવાબ આપશો, કોઈ તમને એમ કહે કે તમારી આ છોકરી સાથેની જોડી ઠીક નથી લાગતી એટલે તમે એ છોકરીને ભાવ આપવાનું બંધ કરી દો? શું તમે એટલા કાચા કાનના છો?

શું તમે એવી જ છોકરીને પ્રેમ કરશો, જેને તમારા ફ્રેન્ડ્સ અપ્રુવ કરતા હોય? કે પછી તમને ખરેખર દિલથી પ્રેમ હોય તેને પસંદ કરશો? જ્યાં સુધી તમે આ રીતે બીજાઓના કહેવામાં આવીને તમારા અંગત સંબંધોને તોડતા અને છોડતા રહેશો ત્યાં સુધી આવા જ હાલ ભવિષ્યમાં પણ થઈ શકે છે. ધારો કે તમે ખરેખર જ એ છોકરીને ચાહતા હો, તો સૌથી પહેલાં તો તમારા દોસ્તોની વાતોમાં આવવાનું બંધ કરો. તમારી ફ્રેન્ડને મળીને દિલથી માફી માગો. ફરીથી આવું નહીં થાય એની ખાતરી આપો. દિલથી પ્રાયિશ્ચત્ત કરશો તો જરૂર પેલી છોકરી પીગળશે. તમે જે વર્તન કર્યું છે એને કારણે તેને ફરીથી વિશ્વાસ બેસતાં થોડોક સમય લાગશે. બે વ્યક્તિ વચ્ચે શું સમાનતા કે ભિન્નતા છે એને આધારે સંબંધોને મૂલવવા ન જોઈએ. બે વ્યક્તિઓ વચ્ચે સમજણ, સંવેદનશીલતા અને એકમેક માટેની લાગણી કેટલી પ્રબળ છે એ પ્રાથમિક બાબત છે. બાહ્ય ચીજોની તુલના કરવાને બદલે તમે સંબંધોની આંતરિક નજાકતને સમજવાની કોશિશ કરશો તો સૌ સારાં વાનાં થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK