પત્નીનું દર્દ સમજે, તેને સુખી રાખે અને સંસારનું તમામ સુખ આપે એવો પતિ શું કોઈ સ્ત્રીને નથી મળે?

Published: 17th December, 2012 05:40 IST

મને તમારી મદદ મળશે એ આશાએ પત્ર લખી રહી છું. બે વાર મારા ડિવૉર્સ થઈ ચૂક્યા છે. વિશ્વાસઘાત, અણછાજતું વર્તન, વધુપડતી અપેક્ષાઓ અને સંતોષને નામે મીંડું. એક પતિને બીજી સ્ત્રી સાથે અફેર હતો. મને પ્રેમ આપવાનું ગમતું નહોતું ને બીજી સ્ત્રીની ભૂખ સંતોષવાની તેને વધારે ચિંતા હતી.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મને તમારી મદદ મળશે એ આશાએ પત્ર લખી રહી છું. બે વાર મારા ડિવૉર્સ થઈ ચૂક્યા છે. વિશ્વાસઘાત, અણછાજતું વર્તન, વધુપડતી અપેક્ષાઓ અને સંતોષને નામે મીંડું. એક પતિને બીજી સ્ત્રી સાથે અફેર હતો. મને પ્રેમ આપવાનું ગમતું નહોતું ને બીજી સ્ત્રીની ભૂખ સંતોષવાની તેને વધારે ચિંતા હતી. ટૂંકમાં કહું તો બધી જ રીતનો અસંતોષ મને બન્ને લગ્નોમાં રહ્યો. સ્ત્રીઓને હંમેશાં સારા, સમજુ અને તેને ખૂબ પ્રેમ કરે એવા પુરુષની ઝંખના હોય છે, પણ આટલી નાની ઇચ્છા કદી પૂરી નથી થતી. દર્દ સમજી શકે, સુખી રાખે અને સંસારનું દરેક જાતનું સુખ આપે એવો પતિ શું કોઈ સ્ત્રીને મળતો નહીં હોય? મને તો બધી જ સ્ત્રીઓ પોતાની જિંદગી સાથે સમાધાન કરીને જીવતી દેખાય છે.

- ઝવેરીબજાર


જવાબ : બહેન, તમે તમારા અંગત અનુભવ પરથી બહુ મોટી અને એટલી જ ખોટી માન્યતાઓ બાંધી લીધી હોય એવું લાગે છે. તમારાં બે લગ્નો સફળ ન થયાં અથવા તો એમાં તમને અસંતોષ અને વિશ્વાસઘાત મળ્યો એનો મતલબ એ જરાય નથી કે દુનિયાની તમામ સ્ત્રીઓના જીવનમાં આવાં જ દુખનાં વાદળો મંડરાયેલાં હોય છે.

તમે તમારી પોતાની વાતને પણ પૂરી સ્પષ્ટ નથી કરી. તમને બન્ને પતિઓ તરફથી તકલીફ પડી છે અને તમે એ બન્નેથી છૂટા થઈ ગયાં છો ત્યારે હવે પાછલી જિંદગીની નકારાત્મકતાને વાગોળવાથી કોઈ ફાયદો નથી. જીવનમાં કપરા સંજોગો આપણને કશુંક શીખવવા આવે છે ને જ્યાં સુધી આપણે એમાંથી શીખવા જેવું શીખી નથી લેતા ત્યાં સુધી એવી જ પરિસ્થિતિઓ ફરી-ફરીને આપણા જીવનમાં આવ્યા કરે છે. જ્યારે પણ આપણને આપણા ભૂતકાળ અને ખરાબ સંબંધોને કારણે નેગેટિવિટી આવે ત્યારે આ યાદ કરવા જેવી વાત છે.

તમે જેવી અપેક્ષા રાખેલી એવું તમારું લગ્નજીવન બની શક્યું નહીં, એનો મતલબ એ નથી કે હંમેશાં એમાં સામેવાળી વ્યક્તિનો જ વાંક હોય. દરેક સંબંધને સફળ અને સુખી બનાવવા માટે બન્ને પાત્રોએ સરખી મહેનત કરવી પડે છે. તમારા ભૂતકાળના સંબંધોને ભૂલીને તમારે એક જ વાત યાદ રાખવી જોઈએ કે હંમેશાં સ્ત્રીને સુખી કરવાની જવાબદારી પુરુષની જ હોય છે એવું નથી. પોતાના જીવનની ખુશી અને સંતોષ મેળવતાં તેણે જાતે શીખવું પડે છે. દાદાગીરીથી માગવામાં આવેલી કે દયામણા થઈને રડીરડીને મેળવેલી ચીજથી કદી સુખ અને સંતોષ નથી મળતા. નેગેટિવિટી મનમાંથી કાઢો અને નવા સંબંધ માટે તૈયાર થાઓ. સામેવાળાને સુખ આપવાની ભાવના મનમાં રાખશો તો આપમેળે સુખનું પ્રતિબિંબ તમારા જીવનમાં પણ પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK