કાકાજી સસરાના પરિવાર પાંચ વર્ષના અબોલા બાદ સમાધાન કરવું છે

Published: 23rd November, 2011 08:48 IST

મારું પિયર બહુ લાંબું નથી, પણ સાસરીમાં ત્રણ કાકાજી અને એક ફોઈજી અને તેમના પરિવારો એમ મોટું કુટુંબ છે. મારાં સાસુ-સસરા સાથે મારે ઘણું જ સારું બને છે, પણ દૂરનાં સાસરિયાંઓ સાથે નથી પટતું. હવે તો લગ્નને સત્તાવીસ વરસ થઈ ગયાં છે.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારું પિયર બહુ લાંબું નથી, પણ સાસરીમાં ત્રણ કાકાજી અને એક ફોઈજી અને તેમના પરિવારો એમ મોટું કુટુંબ છે. મારાં સાસુ-સસરા સાથે મારે ઘણું જ સારું બને છે, પણ દૂરનાં સાસરિયાંઓ સાથે નથી પટતું. હવે તો લગ્નને સત્તાવીસ વરસ થઈ ગયાં છે. મારા એક કાકાજી અને તેમના બે દીકરાઓ સાથે અમારે પાંચ વરસથી કોઈ સંબંધો નથી. નવ વરસ પહેલાં બિઝનેસમાં વાંધો પડતાં છૂટા પડ્યા ને પાંચ વરસ પહેલાં તેમણે મારી દીકરીના લગ્નપ્રસંગને બગાડ્યો. એ પછીથી અમારે ક્યારેય સીધા મોંએ બોલાવાનું કે મળવાનું પણ નથી થયું. બિઝનેસની તકલીફો અને વાંધાવચકાં છતાં મેં મારી દીકરીનાં લગ્ન નક્કી થયાં ત્યારે બધાને અંગત રીતે જઈને નિમંત્રણ પાઠવેલું. કાકાજી પોતે તો લગ્નમાં ન આવ્યા, પણ તેમનાં તમામ દીકરા-દીકરીઓને અમારે ત્યાં આવતાં રોકેલાં ને કહેલું કે જો તમે લગ્નમાં જશો તો તમારા બાપ સાથેના સંબંધો પૂરા સમજશો. મારા હસબન્ડે તેમને છેક સુધી ઘણા ફોન કર્યા, પણ કોઈએ ફોન સુધ્ધાં ઉપાડ્યો નહીં. લગ્ન પૂરાં થઈ ગયાં ત્યારે તેમનાં દીકરા-દીકરીઓએ મારા પતિને ફોન કરીને સાંત્વના આપેલી કે અમે મનથી તમારી સાથે જ છીએ, પણ પપ્પાને કારણે આવી નહીં શકીએ. અમે તેમના ઘરના દીકરાને અગિયાર હજારનો ચાંદલો કરેલો, પણ તેમના તરફથી વહેવારના નામે પણ કંઈ ન થયું. લગ્ન પછી મારા સસરા તેમના ભાઈને ત્યાં ગયેલા તો તેમને અપમાનિત કરીને પાછા મોકલી દેવામાં આવ્યા. એ પછી મારાં સાસુનું અવસાન થયું ત્યારે બેસણામાં તેઓ આવેલા, પણ કોઈ વાતચીત અમે કરી નહોતી. હમણાં તેમના દીકરાની દીકરીનાં લગ્ન છે ને મારા કુટુંબમાં બધાને તેમણે કંકોતરી મોકલી છે. જેમની દીકરીનાં લગ્ન છે તેઓ સ્વભાવે ખૂબ જ સારા છે. તેમના કુટુંબ સાથે સંબંધ તોડી નાખ્યો હોવા છતાં વારતહેવારે યાદ કરે છે અને મળે ત્યારે સ્વજનની જેમ વર્તે છે. તેમનો આગ્રહ છે કે જૂની વાતો ભૂલીને ફરીથી સંબંધો સાંધી લો. મારા સસરા પણ હવે તો કહે છે કે ભાઈની ભૂલને માફ કરીને બધું ભૂલી જાઓ. જ્યારે મારા પતિ કહે છે કે હવે તેમની દીકરીનાં લગ્નમાં જઈએ તો-તો આપણું નાક કપાય. જાણે આપણને તેમની ગરજ છે એવું સાબિત થાય. આ બાબતે હવે બાપ-દીકરામાં મતભેદ થયો છે.

- કાંદિવલી

જવાબ : સંબંધને બગડતાં વાર નથી લાગતી, પણ એને સુધારતાં, મજબૂત કરતાં વરસો નીકળી જાય છે. જો કોઈ પણ કારણસર સગાંવહાલાંઓ સાથેના સંબંધો સુધરતા હોય તો સુધારી લેવાની તક ન છોડવી જોઈએ. નમતું જોખનાર કદી નાનો નથી થતો. 

ધારો કે તમારા કાકાજી સસરા જાણીજોઈને તમારી દીકરીનાં લગ્ન બગાડવા માટે જ લગ્નમાં ન આવ્યા હોય તોયે હવે એ ઘટના પાંચ વર્ષ જૂની છે. જૂના ઝઘડાઓને જેટલા વધુ ઘૂંટીએ એટલા વધુ ઘેરા થાય ને ભૂલી જઈએ તો એ ક્યાંય ઓસરી જાય. એમાંય આ તો તેમના દીકરા તરફથી જ પહેલ થઈ છે. કદાચ પહેલ કરવાનું તમને ન ગમે, પણ તેમના તરફથી જ્યારે હાથ લંબાયો છે તો ઝઘડાની જંજાળને પડતી મૂકો.

તમારા સસરા પણ ઇચ્છે છે કે સંબંધોનો તનાવ પૂરો થાય. ધારી લઉં છું કે તમારા સસરાની ઉંમર પણ ખાસ્સી હશે. પોતાના જ ભાઈ સાથે અણબનાવ રાખવાનું તેમને પસંદ નહીં હોય. તમે તમારા કાકાજી સસરા સાથે તમારા સસરાના ભાઈ હોવાના નાતે જોડાયેલા છોને? તો પછી તેમના મન ખાતર પણ એક વાર સમાધાન કરી લો. માફી આપનાર મોટો હોય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK