ગર્લફ્રેન્ડ સાથે વારંવાર ઝઘડો કરતો હતો, હવે બ્રેકઅપ પછી તેની યાદ સતાવે છે તો શું કરું?

Published: 16th November, 2011 08:43 IST

હું કૉલેજના છેલ્લા વરસમાં છું. દોઢ વરસથી મારી એક ગર્લફ્રેન્ડ હતી. તે પૈસાદાર ઘરની હતી ને હું મિડલ ક્લાસનો. મને એવું લાગતું હતું કે તેને પૈસાનું અભિમાન છે ને એટલે જ અમારી વચ્ચે ખૂબ ઝઘડા પણ થતા. શરૂઆતના વરસ પછી તો અમારી વચ્ચે આ બાબતે ખૂબ બોલાચાલી થતી.(સેજલ પટેલ)

સવાલ : હું કૉલેજના છેલ્લા વરસમાં છું. દોઢ વરસથી મારી એક ગર્લફ્રેન્ડ હતી. તે પૈસાદાર ઘરની હતી ને હું મિડલ ક્લાસનો. મને એવું લાગતું હતું કે તેને પૈસાનું અભિમાન છે ને એટલે જ અમારી વચ્ચે ખૂબ ઝઘડા પણ થતા. શરૂઆતના વરસ પછી તો અમારી વચ્ચે આ બાબતે ખૂબ બોલાચાલી થતી. મને લાગ્યું કે તેને મારાથી છુટકારો જોઈએ છે. બસ, એક વાર ખૂબ અકળાઈને અમે બ્રેકઅપ કરી નાખ્યું. કૉલેજમાં મળીએ તોય હું તેની સામે ન જોતો. બે મહિના સુધી તેણે મને બોલાવવાની કોશિશ કરી. ફોન પર ખૂબ માફી પણ માગતી, પણ હું ટસનો મસ ન થયો. મારા મગજમાં ભૂત સવાર થયેલું કે તેને પૈસાનું અભિમાન છે. કૉલેજમાં કૉમન ફ્રેન્ડ્સની સાથે ક્યારેક મળીએ છીએ, પણ હવે પહેલાં જેવું નથી રહ્યું. થોડાક દિવસ માટે તેણે કૉલેજ પર આવવાનું પણ બંધ કરી દીધું. ને એ પછી તે કૉલેજમાં આવી ત્યારે તેણે મારી સામે જ જોવાનું બંધ કરી દીધું. ઊલટાનું તેણે મારા જ ગ્રુપના બીજા છોકરા સાથે ફરવાનું ચાલુ કરી દીધું હોય એવું લાગે છે. હવે મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. હું તેને ભૂલી નથી શકતો અને તેને મારા જ ફ્રેન્ડ સાથે ફરતી જોઈને ખૂબ જ જલન થાય છે. મારી ભૂલ હતી કે જ્યારે તેણે માફી માગી ત્યારે હું માની ન ગયો અને ઊલટાનું બધો દોષનો ટોપલો તેને માથે ઢોળ્યો. હવે ફ્રેન્ડશિપ સાવ જ તૂટી ગઈ છે ત્યારે હું શું કરું એ સમજાતું નથી. મેં એક વાર તેની સાથે ફરીથી એકાંતમાં થોડીક વાત કરવાની કોશિશ કરી, પણ તેણે કહ્યું કે હું તેનો પાસ્ટ હતો ને હવે તે પાછળ વળીને જોવા નથી માગતી. પેલો છોકરો અમારા ગુ્રપમાં જ છે એટલે રોજ તેને મળું છું. તેને મારા જ બેસ્ટ ફ્રેન્ડ સાથે ફરતી જોઉં છું. મારે કોઈ પણ હિસાબે આ બ્રેકઅપ લાંબું નથી ચલાવવું. મને ખબર છે કે ગુસ્સામાં હું ઘણુંબધું બોલી ગયેલો જેને કારણે હવે તે મારી સાથે વાત કરવા તૈયાર નથી. કોઈ એવો રસ્તો આપો કે જેથી તે ફરી મારી પાસે આવી જાય.

- ગોરેગામ

જવાબ : ધનુષ્ય પરથી છૂટેલું બાણ અને મોંમાંથી છૂટેલાં કડવાં વેણ કદી પાછાં નથી આવતાં. ગુસ્સામાં આવીને છૂટેલાં વાગ્બાણ હૃદયને વીંધી નાખે એવાં હોય છે. તમે એનાથી તમારા સંબંધને વીંધી નાખ્યો છે. જો બીજા દિવસે સવારે ઊઠીને તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો હોત અને તમે તેની માફી માગી લીધી હોત તો બાજી હાથથી ન જાત. પણ તમે તો તેણે જ્યારે સામેથી માફી માગવાની વાત કરી ત્યારે પણ મચક ન આપી. હવે જ્યારે તે તમારા જ બેસ્ટ ફ્રેન્ડ સાથે જોડાઈ ગઈ છે ત્યારે હવે પસ્તાઈને ફાયદો નથી. તમારી ભૂલને કારણે તે તમારાથી છૂટી પડી છે અને હવે જ્યારે તે બીજે સંકળાઈ ચૂકી છે ત્યારે એ સંબંધને તોડવામાં નિમિત્ત ન બનવું જોઈએ.

તમે એક જ ગ્રુપમાં છો એને કારણે કદાચ પોતાની ગર્લફ્રેન્ડને બીજા સાથે જોઈને તકલીફ થતી હશે. જોકે એનો હવે કોઈ ઉપાય નથી. તમે જો ખરેખર તેને પ્રેમ કરતા હો અને તેની ખુશી ચાહતા હો તો તેને તેની ખુશીઓ મળે એવી ભાવના કેળવો એ જરૂરી છે. હવે બને તો તમારા ગુસ્સા પર કાબૂ કેળવતાં શીખજો.

અલબત્ત, તમે હજીયે એક કામ કરી શકો છો. તમારી વચ્ચે જે ઝઘડો થયેલો એમાં તમને તમારી ભૂલ સમજાઈ છે એનો એકરાર જરૂર તેની પાસે કરી શકો છો. કદાચ એમ કરવાથી તમારા દિલને થોડુંક સારું લાગશે. ભૂલ સ્વીકારવાથી તે તમારી પાસે પાછી આવી જશે એવી આશા ન રાખતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK