ધરમની બહેન સાથે એકાંતમાં ન કરી શકાય એવા વિચારો આવે છે, તો શું હવે તેને પ્રપોઝ કરી શકું?
Published: 14th November, 2011 10:08 IST
હું ૨૦ વર્ષનો છું. નાનો હતો ત્યારથી અમારી કૉલોનીમાં રહેતા એક સંબંધીની દીકરીને મેં ધરમની બહેન બનાવી હતી. મૂળે મારા પપ્પા અને તેના પપ્પા બન્ને ખૂબ જ સારા મિત્રો છે. તેને ભાઈ નહોતો અને મારે બહેન નહોતી. ત્યારથી રક્ષાબંધન વખતે તે મને રાખડી બાંધતી આવી છે.
(સવાલ સેજલને - સેજલ પટેલ)
સવાલ : હું ૨૦ વર્ષનો છું. નાનો હતો ત્યારથી અમારી કૉલોનીમાં રહેતા એક સંબંધીની દીકરીને મેં ધરમની બહેન બનાવી હતી. મૂળે મારા પપ્પા અને તેના પપ્પા બન્ને ખૂબ જ સારા મિત્રો છે. તેને ભાઈ નહોતો અને મારે બહેન નહોતી. ત્યારથી રક્ષાબંધન વખતે તે મને રાખડી બાંધતી આવી છે. તે મારાથી એક વર્ષ મોટી છે અને અમે બન્ને એક જ કૉલેજમાં ભણીએ છીએ. ક્યારેક બસમાં સાથે જતી વખતે તેનો હાથ મને અડી જાય તો હું ખૂબ જ રોમાંચિત થઈ જાઉં છું. અમે બન્ને સાથે રમીને મોટાં થયાં છીએ એટલે સાથે ખૂબ ધમાલમસ્તી હજીયે કરીએ છીએ. સાચું કહું તો તે મને ગમવા લાગી છે. એકબીજાના ઘરે જઈએ ત્યારે ક્યારેક એકાંત મળે તો મને ખૂબ જ ખરાબ વિચારો આવે છે. જેને ધરમની બહેન માની હોય તેની સાથે પ્રેમ કરવાની વાત કરવી ઠીક નથી એવું હું સમજી શકું છું, પણ મન ઝાલ્યું રહેતું નથી. તેને મળવાનું ટાળું છું તો આખો દિવસ તેના જ વિચારો આવ્યા કરે છે. નવરાત્રિમાં અમે બે હંમેશાં જોડીમાં જ રમીએ છીએ. આ વખતે મેં નક્કી કરેલું કે તેને પ્રપોઝ કરી લેવું, પણ નવ દિવસ જતા રહ્યા. હું ધરમની બહેનને આવું કહી શકાય કે નહીં એના વિચારોમાં અટવાયેલો જ રહ્યો. હું શું કરું એનું સાચું માર્ગદર્શન આપશો.
- કાંદિવલી.
જવાબ : તમે ખુદના વિચારોને ઑબ્જેક્ટિવલી જોઈને એની યોગ્યતા કે અયોગ્યતા તપાસી શકો છો એ ખૂબ સારું છે. તમને જે વિચારો આવે છે એ યોગ્ય નથી એટલી સમજણ તમને જાતે જ પડી ગઈ છે એટલે ૫૦ ટકા સમસ્યા અહીં જ સુલઝાઈ જાય છે. હવે વાત છે પ્રેમની લાગણીની.
ઑપોઝિટ સેક્સની વ્યક્તિ માટે આકર્ષણ થવું, સ્પર્શ ગમવો, મીઠી ધમાલમસ્તીનો રોમાંચ થવો એ ખૂબ જ કુદરતી છે. રોજિંદા જીવનમાં નિકટતા આવે ત્યારે આકર્ષણ થાય એ ખૂબ સ્વાભાવિક છે.
ધરમની બહેન સાથે પ્રેમ કરાય કે ન કરાય એ તો તમારા બન્નેના પરિવારો વચ્ચે કેવા સંબંધ છે એના પર આધારિત છે. કદાચ મનમાં વિચાર આવી જાય કે આ તો ધરમની જ બહેન છે, સગી બહેન નહીં એટલે પ્રેમ અને લગ્ન શક્ય બની શકે છે. તાર્કિક રીતે આ વાત ઠીક હશે, પણ સંબંધોની શુદ્ધતાની વાતને ગણીએ તો એ યોગ્ય નથી. બહેન સગી હોય, પિતરાઈ હોય કે ધરમની; તેની સાથેનો સંબંધ અનોખો રહેવાનો જ. એ સંબંધને અન્ય કોઈ પણ રીતે વળાંક આપવાનું યોગ્ય નથી.
તમે ઉંમરના જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો એ જોતાં નારીદેહનું આકર્ષણ સ્વાભાવિક છે. આ સમયે તમે થોડીક સ્વસ્થતા અને સંયમ જાળવીને રહો. સંયમ કેવી રીતે કેળવાય એની કોઈ પ્રોસેસ નથી હોતી. તમે વિલપાવર રાખો અને બીજા કામમાં મન વાળો. તમે કૉલેજમાં સ્વસ્થ મિત્રો બનાવશો તો જરૂર સારું થશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK