મોટા ભાઈના જ ઘરે જન્મેલા દીકરાને ભગવાને ખોડ આપી, તેમને કેવી રીતે સંભાળું?

Published: 8th November, 2011 19:31 IST

મારું જીવન તો દુ:ખથી ભરેલું જ છે. હું જ્યાં જાઉં ત્યાં લોકોને પીડા આપતી ફરું છું. મારી ઉંમર ૪૩ વરસ છે. ૨૩ વરસે પરણીને પિયરમાંથી રંગેચંગે વિદાય થઈ હતી, પણ ચાર જ વરસમાં પતિ ગુજરી ગયા અને ખોળામાં એક દીકરી મૂકતા ગયા.

 

(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારું જીવન તો દુ:ખથી ભરેલું જ છે. હું જ્યાં જાઉં ત્યાં લોકોને પીડા આપતી ફરું છું. મારી ઉંમર ૪૩ વરસ છે. ૨૩ વરસે પરણીને પિયરમાંથી રંગેચંગે વિદાય થઈ હતી, પણ ચાર જ વરસમાં પતિ ગુજરી ગયા અને ખોળામાં એક દીકરી મૂકતા ગયા. સાસરિયાંઓએ અમને સાચવ્યાં નહીં, પણ મારાથી ત્રણ વરસ મોટા ભાઈએ મને સંઘરી. મને કે મારી દીકરીને ક્યારેય ઓછું આવવા નથી દીધું. મારો ભાઈ આમેય ખૂબ દયાળુ અને દાની છે. તેણે ગરીબો અને જરૂરિયાતમંદો માટે ખૂબ દાન કર્યું છે છતાં ભગવાને તેના ઘરે પારણું બાંધવામાં કંજૂસાઈ કરી છે. હમણાં પાંચ-છ મહિના પહેલાં મારા ભાઈને ત્યાં દીકરો આવ્યો. લગ્નનાં પંદર વરસ પછી ઘરે પારણું બંધાયું, પરંતુ હમણાં ખબર પડી કે તે સાંભળી નથી શકતો. મારા ભાઈએ અત્યાર સુધીમાં કંઈકેટલાય જોઈ ન શકતા, પોતાનું ગુજરાન ચલાવી ન શકે એવા ગરીબોના ઘરમાં ધાન પૂરાં પાડ્યાં છે. બહેન, તમે સાચું નહીં માનો, તેણે ક્યારેય કોઈનું અણહકનું નથી લીધું. મારા ભાઈને પૈસાની કોઈ ખોટ નથી. ભગવાને દીકરો દીધો પણ સાથે આ શું કર્યું? જ્યારથી ખબર પડી છે કે મારા ભત્રીજાને કાન નથી ત્યારથી ભગવાન પરથી મન ઊઠી ગયું છે. મને સમજાતું નથી કે ભગવાન સારા માણસને જ શા માટે આટલાં દુ:ખ આપે છે? મારા મોટા ભાઈ ખરેખર ભગવાનના માણસ છે. આટલું થયા પછી પણ મારા ભાઈએ હજી નિસાસો નથી નાખ્યો. દીકરાની ખોડને ભગવાનની મરજી સમજીને સ્વીકારી લીધી છે. પણ હું જાણું છું કે તેઓ અંદરથી ભાંગી ગયા છે. આવા સંજોગોમાં મારે તેમને કેમ સંભાળવા? ભાઈ-ભાભી જ મારા માટે બધું છે. તેમની સાથે જ રહું છું, પરંતુ તેમનું દુ:ખ હળવું નથી કરી શકતી.

- પાર્લા

જવાબ : કોઈ પણ આસ્તિક વ્યક્તિ આ પરિસ્થિતિમાં હલબલી જાય એ સ્વાભાવિક છે. તમારા ભાઈએ શેર માટીની ખોટ પૂરી કરવા પુણ્યનાં અનેક કામો કયાર઼્. ભગવાને તેમની વાત સાંભળી, પણ અધૂરી. તમારા ભાઈએ ઘણો જ સ્વસ્થ અભિગમ રાખ્યો છે. તેમને ભગવાનમાં ખરેખર શ્રદ્ધા અને આસ્થા છે અને એટલે જ તેમણે આ પરિસ્થિતિને પણ ભગવાનના પ્રસાદ તરીકે સ્વીકારી લીધી છે.

તમારા મનમાં ક્યાંક ઊંડે-ઊંડે એવું છેને કે આપણે ગરીબોને મદદ કરીએ એટલે ભગવાને એના બદલામાં આપણને સુખ આપવું જોઈએ. એ તો ભગવાન સાથે સોદાબાજી ન થઈ? આપણે જે કંઈ કરીએ છીએ એ આપણા મનની શાંતિ માટે જ હોય છે. આપણે સારું કામ કરીએ એટલે પ્રભુએ આપણું સારું કરીને બદલો વાળવાનો હોય એવી અપેક્ષા રાખવી ઠીક નથી. તમારા ભાઈ અત્યાર સુધી ભગવાને જેમને શારીરિક રીતે અક્ષમ બનાવ્યા છે તેવા લોકોને ઘરે જઈ-જઈને મદદ કરતા હતા, પણ પ્રભુએ જ્યારે તેમના જ ઘરમાં એવી વ્યક્તિ મોકલી તો એમાં ભગવાનથી રિસાઈ શા માટે જવાનું? શા માટે અત્યારે એમાં પણ ભગવાનનું રૂપ ન જોઈ શકીએ?

મેડિકલ સાયન્સ કહે છે કે સ્ત્રી જ્યારે મોટી ઉંમરે બાળકને જન્મ આપે છે ત્યારે ખોડખાંપણવાળું બાળક આવવાની શક્યતાઓ વધી જાય છે. જોકે તમારે સંપૂર્ણપણે નિરાશ થવાની જરૂર નથી.  સાંભળી ન શકવાની ઊણપ હવે કેટલાંક સાધનો અને સર્જરીની મદદથી સુધારી શકાય એમ છે. તમે કોઈક સારા ઈએનટી (આંખ, નાક અને ગળાના) નિષ્ણાતને મળો. આ સારવાર બનેએટલી નાની વયે કરાવવામાં આવે તો બાળકની સાંભળવાની ક્ષમતા વિકસી શકે એમ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK