દીકરીને સોસાયટીનીમોટી છોકરીઓ સાથે દોસ્તી હોવાથી વર્તન બદલાયેલું છે, શું કરું?

Published: 16th November, 2012 06:48 IST

મારી ૧૫ વર્ષની દીકરીની આજકાલ મને ખૂબ ચિંતા થાય છે. તેનું ફ્રેન્ડસર્કલ ખરાબ છે એને કારણે તે હમણાંથી કહ્યું સાંભળતી નથી.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારી ૧૫ વર્ષની દીકરીની આજકાલ મને ખૂબ ચિંતા થાય છે. તેનું ફ્રેન્ડસર્કલ ખરાબ છે એને કારણે તે હમણાંથી કહ્યું સાંભળતી નથી. તેની સ્કૂલ ખૂબ જ સારી પસંદ કરી છે, પણ હમણાંથી તેણે સ્કૂલની ફ્રેન્ડ્સ કરતાં અમારી સોસાયટીની બાજુમાં રહેતી તેની ઉંમર કરતાં થોડીક મોટી છોકરીઓ સાથે દોસ્તી વધારી છે. આ બધી છોકરીઓ કૉલેજમાં છે ને ફૅશનના રવાડે ચડેલી છે. કૉલેજની હોવાથી તેમની વાતો પણ થોડીક ખરાબ હોય એવું લાગે છે, કેમ કે હમણાંથી મારી દીકરી ફોન પર વાત કરતી વખતે બીજા રૂમમાં જતી રહે છે અથવા તો પછી અમારી સામે વધુ વાત નથી કરતી. તેની સ્કૂલની ફ્રેન્ડ્સ તો અમારા ઘરે આવે છે એટલે તે બધીને હું ઓળખું છું, તે બધી જ છોકરીઓ એકદમ સારા ઘરની છે. સોસાયટીની બાજુમાં જ આ બધી છોકરીઓ હોવાથી રાત્રે જમ્યા પછી ફ્રેન્ડ્સને મળવા બાજુમાં જાઉં છું એમ કહીને નીકળી જાય છે. મને ખબર છે કે તે છોકરીઓ બીજું કંઈ ખોટું નથી કરતી, પણ ખાલી ફોગટના વાતોનાં વડાં કરીને ટાઇમ વેસ્ટ કરે છે. મારી દીકરીને એ વિશે સમજાવું છું તો તેને પસંદ નથી. જવાની ના પાડું તો કંઈક લેવાના બહાને નીચે જાય અને પછી પોણો એક કલાક નીચે બેસીને પછી ઉપર આવે. આ ઉંમરે તો સારા દોસ્તો હોવા જોઈએ ને જો ન હોય તો જીવન બગાડી બેસે. આ વાત સમજવા છતાં હું તેને કઈ રીતે રોકું એ સમજાતું નથી.

- માટુંગા


જવાબ :
ટીનેજમાં આવેલાં છોકરા-છોકરીઓને મન મિત્રો જ સબ કુછ હોય છે, કેમ કે આ એજમાં તેમને દુનિયાને મિત્રોની દૃષ્ટિએ જ નિહાળતા હોય છે. તમારી દીકરીના સારા મિત્રો બને એવું જો તમે ઇચ્છતા હો તો સૌથી પહેલાં તો તમારે તેના મિત્ર બનવું પડશે. ‘તું ક્યાં જાય છે, કેમ જાય છે, અડધો કલાકમાં પાછી આવી જજે...’ એમ સવાલો અને આદેશાત્મક ભાષામાં વાત કરશો તો તમારા અને દીકરી વચ્ચે અંતર વધતું જશે. આ એજમાં મા-દીકરી વચ્ચે સેતુ રચાયેલો રહે એ માટે માએ થોડાક મૉડર્ન થઈને દીકરીના અંતરને સમજવું પડે. જ્યારે પણ તમને લાગે કે તમારી દીકરી જે કરી રહી છે એ ખોટું છે, ત્યારે તેને સલાહો આપીને કે હુકમ કરીને એમ કરવાની મનાઈ ફરમાવાની જરૂર નથી. તેને તમારાથી કંઈ છુપાવવું ન પડે એવા તમારા સંબંધો કેળવો. તમે સોસાયટીમાં નીચે બેસતી જે છોકરીઓ ખરાબ વાતો કરે છે એવું તમે માનતા હો તો તમારે જાણવું જોઈએ કે તેઓ શું અને કેવી વાતો કરે છે. એકાદ વાર તેઓ નીચે શું કરે છે એ જોવા જાઓ. ત્યાં પણ જસ્ટ ઑબ્ઝર્વ કરો કે તેઓ શું કરે છે. દીકરી પર વૉચ રાખવી જરૂરી છે, પણ તેને એવું ન લાગવું જોઈએ કે તેની પર ચાંપતી નજર રખાઈ રહી છે.

આજુબાજુમાં જ રહેતી છોકરીઓ હોય તો તમે તેમના પેરન્ટ્સને પણ જાણતા જ હશો. તેની સ્કૂલની ફ્રેન્ડ્સ જેમ ઘરે આવે છે એમ આ બહેનપણીઓને પણ ઘરે બોલાવો અને તેમના વર્તન પર નિગરાની રાખી શકો છો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK