ઉંમર જતી રહી હોવા છતાં મારાં લગ્ન નથી થતાં એટલે ખૂબ હતાશ થઈ છું, શું કરું?

Published: 2nd November, 2011 20:31 IST

મારી ઉંમર ૩૦ વર્ષ છે. મને હંમેશાં એક કૉમ્પ્લેક્સ રહ્યો છે કે મને કોઈ છોકરો પસંદ નહીં કરે. ઘરમાં મોટી હોવાથી ઘણી જવાબદારીઓ નાની ઉંમરે આવી પડી હતી. નાના ભાઈને સારી નોકરી અપાવી દઉં પછી લગ્ન કરીશ એમ કહીને પહેલાં વાત ટાળી. એ પછીથી નાની બહેનનાં લગ્ન કરાવ્યાં.


(સવાલ સેજલને- સેજલ પટેલ)

સવાલ : મારી ઉંમર ૩૦ વર્ષ છે. મને હંમેશાં એક કૉમ્પ્લેક્સ રહ્યો છે કે મને કોઈ છોકરો પસંદ નહીં કરે. ઘરમાં મોટી હોવાથી ઘણી જવાબદારીઓ નાની ઉંમરે આવી પડી હતી. નાના ભાઈને સારી નોકરી અપાવી દઉં પછી લગ્ન કરીશ એમ કહીને પહેલાં વાત ટાળી. એ પછીથી નાની બહેનનાં લગ્ન કરાવ્યાં. હવે મારી ઉંમર પણ વધી રહી છે ને અમારા સમાજમાં આટલી મોટી છોકરીનું ઠેકાણું જલદી નથી પડતું. મારાં ભાઈબહેનોની સરખામણીમાં હું દેખાવે સારી નથી. મારાં લગ્ન થવામાં તકલીફ પડી રહી છે. છેલ્લાં ત્રણ વરસથી હું પેરન્ટ્સ કહે એટલા છોકરાઓ જોતી હતી, પરંતુ હવે તો હું એટલી કંટાળી ગઈ છું કે મન જ નથી થતું.

મેં લગભગ અગિયાર છોકરાઓ જોયા પણ કોઈક ને કોઈક કારણસર ક્યાંય વાત બની નહીં. હવે તો મને મનમાં ખબર જ હોય છે કે તેઓ ના જ પાડવાના છે. હજી સુધી ડાયરેક્ટ કોઈ છોકરાએ ના પાડવા માટે મારા રૂપનું કારણ નથી આપ્યું, પરંતુ જે કોઈ કારણ આપ્યાં છે એ મને બધાં બહાનાં જ લાગે છે. મેં હવે મન મક્કમ કરી લીધું છે કે આમ વારંવાર અપમાનિત થવા કરતાં લગ્ન જ નથી કરવાં. મારા મગજમાં વિચારોનો ઝંઝાવાત સર્જાયો છે. આખો દિવસ ઘરમાં જ ભરાઈ રહેવાને કારણે બોર થઈ જવાય છે. બધી ફ્રેન્ડ્સ તો પોતાનાં નાનાં બાળકોમાં વ્યસ્ત છે. સમાજમાં સગાંસંબંધીઓ વારંવાર પૂછ્યા કરે છે કે હવે જલદીથી તારા હાથ પીળા થઈ જાય એટલે પપ્પા-મમ્મીનો ભાર ઊતરશે. મારાં લગ્ન નથી થતાં એટલે મમ્મી પણ ડિપ્રેશનમાં રહે છે. કાળી છોકરી ને એમાં પાછાં નાક-આંખ પણ બહુ ઘાટીલાં નથી એટલે જાણે બહાર નીકળું તો બધા મારી સામે ટીકીટીકીને જોયા કરતા હોય એવું લાગે છે. આના કરતાં તો જનમ ન આપ્યો હોત તો સારું હતું. મરી જઈશ તો માબાપનું નામ ખરાબ થશે. એકલા જીવવું ઝેર થઈ જશે. કરું તો શું કરું એ જ સમજાતું નથી.

- કાંદિવલી

જવાબ : મરી જવું એ જીવનમાં કેવી રીતે આગળ વધવું એની અસમંજસને દૂર કરવાનો વિકલ્પ ક્યારેય ન હોઈ શકે. કોઈ પણ સમસ્યાનો હલ નથી એટલે મરી જવું એ માનવજન્મ બરબાદ કરવા સમાન છે. માત્ર બાહ્ય સૌંદર્યમાં જ જીવન સમાઈ જતું નથી એટલું યાદ રાખવું જરૂરી છે. સૌંદર્ય તનમાં નહીં, દૃષ્ટિમાં સમાયેલું છે.

સ્કિન કાળી હોય કે ધોળી, નાકનકશો ઘાટીલો હોય કે કુરૂપ; એ બધું આપણા તન કરતાં મનને વધુ અસર કરે છે. તમને એવું લાગતું હોય કે છોકરાઓએ તમારું સૌંદર્ય ઓછું હોવાને કારણે રિજેક્ટ કર્યા છે તો એ ખૂબ જ સારું છે. જીવન એવી વ્યક્તિ સાથે જ વિતાવાય જે તમને તમે જેવા છો એવા જ સ્વીકારે.

તમે અત્યારે શરીરની સુંદરતાને વધારવાના પ્રયત્નોમાં પોતાનો આત્મવિશ્વાસ પણ ગુમાવી બેઠાં છો. કોઈ વ્યક્તિ તમને પસંદ નહીં જ કરે એવી માનસિકતા સાથે તમે કોઈને મળો છો ત્યારે તમારું વ્યક્તિત્વ મૂરઝાયેલું જ રહેવાનું. આ બધા જ વિચારોને બાજુએ મૂકીને સૌથી પહેલાં તો તમે ઘરની બહાર નીકળો. કંઈક કામ કરો. કોઈ મને સુંદર માને છે કે અસુંદર, એનો વિચાર કરવાનું છ મહિના માટે ટાળી દો. લગ્ન કરવાં છે કે નથી કરવાં એનો નિર્ણય પણ છ મહિના માટે ટાળી દો. બસ, તમે જેવા છો એવા જ બની રહીને આત્મવિશ્વાસ સાથે જીવો. નોકરી કરો અથવા તો એવું કોઈ કામ કરો જેમાં તમારે બહારના લોકોને મળવાનું થતું હોય. છ મહિના પછી તમને લાગશે કે નકામું તમે રૂપ અને સુંદરતા માટે મનમાં ખોટી ગ્રંથિ બાંધીને બેઠાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK