પહેલાં પ્રેમનો ઢોંગ કર્યો ને પછી બીજી છોકરીને પરણ્યો, હવે પાછો આવવા માંગે છે

Published: 11th October, 2011 20:31 IST

હું ૨૪ વર્ષની યુવતી છું. ત્રણ વર્ષ પહેલાં મને એક યુવક સાથે પ્રેમ થઈ ગયેલો. તેને પણ મારી સાથે ગમતું હતું. તે મને ખૂબ મોંઘી ગિફ્ટ્સ આપતો ને મારા વિના જીવી નહીં શકે એમ પણ કહેતો હતો. કૉલેજના પહેલા વરસથી અમે સારાં ફ્રેન્ડ્સ હતાં. પરસ્પર પ્રેમનો એકરાર ત્રણ વર્ષ પહેલાં જ થયો.

 

(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૨૪ વર્ષની યુવતી છું. ત્રણ વર્ષ પહેલાં મને એક યુવક સાથે પ્રેમ થઈ ગયેલો. તેને પણ મારી સાથે ગમતું હતું. તે મને ખૂબ મોંઘી ગિફ્ટ્સ આપતો ને મારા વિના જીવી નહીં શકે એમ પણ કહેતો હતો. કૉલેજના પહેલા વરસથી અમે સારાં ફ્રેન્ડ્સ હતાં. પરસ્પર પ્રેમનો એકરાર ત્રણ વર્ષ પહેલાં જ થયો. તેનું ભણવાનું પૂરું થયું ને પપ્પાના બિઝનેસમાં જોડાયો એ પછીથી મને મળવાનું તેણે ઓછું કરી નાખ્યું. ફોન પર વાતો કરતો, પણ મળવામાં ગલ્લાંતલ્લાં કરતો. હું તેને મળવા માટે, તેની સાથે વાત કરવા માટે ખૂબ તલસતી, પણ તેને મારી પડી નહોતી. એક દિવસ અચાનક મને ખબર પડી કે તેણે પપ્પાએ બતાવેલી પૈસાદાર અને સુંદર છોકરી સાથે સગાઈ કરી લીધી છે. મેં તેને ફોન કરીને ખૂબ દલીલો કરી ને પૂછ્યું કે તું અત્યાર સુધી મારી સાથે શું કરતો હતો? પણ એ વખતે તે ચૂપ જ હતો. માત્ર જવાબ એટલો જ આપ્યો કે પપ્પાની જીદ સામે મારે ઝૂકી જવું પડ્યું.

હકીકત એ હતી કે પેલી છોકરીનો પૈસો અને રૂપ તેને ખરેખર ગમી ગયાં હતાં. હું ખૂબ રડી. આઠેક મહિના પહેલાં તેનાં લગ્ન થઈ ગયાં. એ પછી જ્યારે-જ્યારે પણ તેની પત્ની સાથે ઝઘડો થાય ત્યારે તે મારી પાસે આવતો અને તેની પત્ની વિશે ગમેતેમ બોલતો. તેમની વચ્ચે બધું સમુંસૂતરું થઈ જાય એટલે તે પાછો તેની દુનિયામાં ખોવાઈ જતો. હું માંડ તેને મારા દિલમાંથી કાઢી શકું ત્યાં તે ફરી મારી પાસે આવે છે અને મારી સહાનુભૂતિ માગે છે. આઠ મહિનામાં ત્રણ વાર તે આમ કરી ચૂક્યો છે. હવે મેં બધું જ ભુલાવીને નવા સંબંધમાં પ્રવેશવાનું નક્કી કર્યું. મારી અત્યારની ઑફિસના એક યુવક સાથે હું જરાક નજીક આવી રહી છું ત્યારે ફરીથી મને દગો આપનાર જૂનો ફ્રેન્ડ મને મળવા માગે છે. હવે તો તે પહેલી પત્નીને ડિવૉર્સ આપીને મને અપનાવવા માગે છે. હું ખૂબ કન્ફ્યુઝ્ડ છું. શું કરું?

- કિંગ્સ સર્કલ

જવાબ : કોઈના વિના જિંદગી જીવી નહીં શકાય એ આપણી માન્યતા હોય છે. આ માન્યતા એટલી સ્ટ્રૉન્ગ હોય છે કે આપણને એ જ વાસ્તવિકતા લાગવા માંડે છે અને આપણે એનાથી ડરી જઈએ છીએ. પેલો યુવક તમારી વીકનેસ જાણી ગયો છે અને એનો તે પૂરો લાભ ઉઠાવે છે. એક પગલૂછણિયાની જેમ જ્યારે જરૂર પડે ત્યારે તે તમારી પાસે આવે છે, લાગણી અને સહારો મેળવે છે અને જરૂર નથી રહેતી ત્યારે પોતાના રસ્તે ચાલી જાય છે.

આટલી સ્પષ્ટપણે તમારી સાથે રમત રમાઈ છે એવું સમજાવા છતાં તમે અત્યારે કન્ફ્યુઝ કઈ બાબતે છો? શું હજી પહેલા યુવકને એક મોકો આપવાનો વિચાર આવે છે? મને લાગે છે કે એ વિશે વિચારવાનું સદંતર બંધ કરી દેવું જોઈએ.

વધારે લાગણીવશ થવાને બદલે શાંતિથી જે થાય છે એ જોયા કરો. એટલું યાદ રાખજો કે તમારો જૂનો બૉયફ્રેન્ડ જે કંઈ પણ કહે કે કરે એનાથી અંજાઈ ફરીથી તમારી દુનિયાને તેની ફરતે ન વીંટાળી દેવાને બદલે જસ્ટ ઇગ્નોર કરો. ઑબ્જેક્ટિવ થઈને તે શું કરે છે એ જોયા કરો. તમારે તેની સાથે કોઈ જ ઉગ્ર બોલાચાલી કરવાની જરૂર નથી. તમે હા-ના કરીને તેને વધારે ઉશ્કેરશો તો વાત બગડશે. થોડા જ સમયમાં બધું થાળે પડી જશે.

તમારા નવા ઊગી રહેલા સંબંધ વિશે કહીને તમે નવી દિશા મેળવી લીધી છે એનો અણસાર પણ તેને આપવાની જરૂર નથી. એમ કરશો તો કદાચ એ તમારા નવા સંબંધને પણ માઠી અસર પહોંચાડી શકશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK