દીકરા અને દીકરીને કસરતનું કહીએ તો રિસાઈ જાય છે, શું કરવું?

Published: 10th October, 2011 18:37 IST

મારે એક દીકરો ને એક દીકરી છે. બન્નેને પહેલેથી જ હેલ્ધી છે. નાનાં હતાં ત્યારે તો વાંધો ન આવ્યો, પણ હવે દીકરાની ઉંમર ૧૭ વર્ષની છે અને દીકરીની ૧૫ વર્ષની. બન્ને ખાવાપીવામાં કોઈ જ ધ્યાન નથી રાખતાં. દીકરાનું વજન ૭૬ કિલો અને દીકરીનું વજન ૭૨ કિલો છે

 

(સવાલ સેજલને- સેજલ પટેલ)

સવાલ : મારે એક દીકરો ને એક દીકરી છે. બન્નેને પહેલેથી જ હેલ્ધી છે. નાનાં હતાં ત્યારે તો વાંધો ન આવ્યો, પણ હવે દીકરાની ઉંમર ૧૭ વર્ષની છે અને દીકરીની ૧૫ વર્ષની. બન્ને ખાવાપીવામાં કોઈ જ ધ્યાન નથી રાખતાં. દીકરાનું વજન ૭૬ કિલો અને દીકરીનું વજન ૭૨ કિલો છે. આ ઉંમરે આટલું વજન હોવાને કારણે હવે તો તેમને ફિઝિકલ ઍક્ટિવિટમાં પણ કોઈ રસ નથી પડતો. અમારા ઘરમાં બધાને ડાયાબિટીઝ અને હાર્ટ ડિસીઝનો વારસો છે. જો અત્યારથી કાળજી રાખવામાં ન આવે તો આગળ જતાં પછી ઘણી તકલીફો થાય.

રોજ કસરત કરવાનું કહીએ છીએ તો સાંભળ્યું ન સાંભળ્યું કરે છે. બન્ને હજીય આચરકૂચર ખાધા જ કરે છે મૅકડોનાલ્ડ્સ કે કેએફસીમાં જઈને ચીઝવાળાં બર્ગર ને એવી બધી ચીજો ખાધા કરે છે. દીકરાનું તો ઠીક, દીકરીનું વજન કન્ટ્રોલમાં લાવવા માટે હું બરાબર પાછળ પડી છું. અત્યારથી આમ છે તો પછી આગળ જતાં તેના ભવિષ્યની ચિંતા કરવી જ પડેને? પણ તે કેમેય નથી માનતી. હું તેને તેની જ ઉંમરની બીજી પાતળી છોકરીઓ બતાવું છું તો કહે છે કે હું જેવી છું એવી જ સારી છું.
મેં તેને બહાર એક્સરસાઇઝ ન કરે તો ઘરના કામમાં મદદ કરવાની શરૂઆત કરાવી દીધી, પણ એનાથીય તે રિસાઈ ગઈ. એક વાર તો સ્કૂલેથી પાછા ઘરે આવવાને બદલે તે તેની બહેનપણીને ત્યાં જતી રહી. અમે ખૂબ શોધી, સ્કૂલમાં ફોન કર્યો તોય ન મળી. છેક રાત્રે નવ વાગે પોતાની મેળે ઘરે આવતી રહી. પૂછ્યું કે ક્યાં ગઈ તો કહે છે કે જો તમને મને દબાણ કરશો તો હું ઘર છોડીને જતી રહીશ. હું તેના ભલા માટે સમજાવું છું એ પણ તેને સમજાતું નથી. ત્યારે શું કરવું? શું છોકરાંને કંઈ પણ કહેવાનું બંધ કરી દઈએ છીએ તો તે સાવ બેફિકર થઈ જાય છે અને કંઈ પણ કહીએ છીએ તો તરત જ ખોટું લાગી જાય છે. 

- વડાલા

જવાબ : ૧૫ વર્ષ કિશોરાવસ્થા. આ એવો સમય છે, જેમાં તેમને કોઈ સલાહ-સૂચનો નથી ગમતાં. શારીરિક અને માનસિક બન્ને રીતે આ ખૂબ જ નાજુક અવસ્થા કહેવાય. તેનું વજન વધારે છે એ ચિંતાનો વિષય જરૂર છે, પરંતુ તમે તેને ખૂબ મોટો ઇશ્યુ ન બનાવો એ જરૂરી છે. એ ચિંતા તમારા પર હાવી થઈ જાય અને તમે એને કારણે દીકરીને વારંવાર ટોક્યા કરો તો એની અવળી અસર થઈ શકે છે.

બાળકને પહેલેથી જ ઍક્ટિવ રહેવાની આદત પાડવી જરૂરી છે. અમુક-તમુક ઉંમર પછી કસરત કરવાની કે કામ કરાવવાની આદત પાડવાથી નથી પડતી. વધુ દબાણથી આ ઉંમરે જે-તે ચીજ પ્રત્યે અણગમો થઈ જાય છે. માત્ર દીકરી જ નહીં, દીકરાને પણ સાથે જ કામે લગાડો. સ્વિમિંગ, સ્કેટિંગ, બૅડમિન્ટન જેવી તેમને ગમતી કોઈ પણ રમતમાં રસ પેદા કરો જેથી બન્નેનો શોખ પોષાય અને સાથે ફાયદો મળે.

ભલે સંતાનોનું વજન વધુ છે પણ તેમને અત્યારે સલાહકારની નહીં, મિત્રની જરૂર છે. તેમને પણ પોતાનું આટલુંબધું વજન ગમતું તો નહીં જ હોય. તમે તેમને વારંવાર ટોકીને ઍક્ટિવિટીમાંથી રસ ઉડાડી દો છો. બને તો સ્કૂલ ઉપરાંત તેમને ગમતી હોય એવી કોઈ પ્રવૃત્તિમાં જોતરો. સવારે ઊઠીને તેની સાથે તમે પણ જૉગિંગ કરવા નીકળી પડો. તેમને એકલાને અમુક-તમુક ચીજો કરવાની સલાહ આપશો તો એ તેને જરાય નહીં પચે. ઊલટાનું તે બળવો કરીને એ કામ નહીં જ કરે. વજન ઘટાડવાને ફોકસમાં રાખવાને બદલે માત્ર તેની ઍક્ટિવિટી વધે એવું કંઈક કરો. જરૂર પડે તો કોઈ સારા કાઉન્સેલરને પણ કન્સલ્ટ કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK