“પહેલાં બૉયફ્રેન્ડ સાથે ઇન્ટિમેટ રહેતી, પણ અબૉર્શન પછી સ્થિતિ બદલાઈ ગઈ છે”

Published: 30th September, 2011 15:27 IST

હવે મારો બોયફ્રેન્ડ મારાથી ડિસ્ટન્સ રાખે છે. ક્યારેક ભેટીને કિસ કરી લે છે, પણ પછી તરત જ હટી જાય છે. મને એકલા મળવાનું પણ તે ટાળે છે. તેના બદલાયેલા વર્તન વિશે તેને પૂછ્યું તો કહે છે કે આપણે પહેલાં લગ્ન કરી લઈએ, પછી જ સંબંધને આગળ વધારીશું.

 

સવાલ સેજલને - સેજલ પટેલ

સવાલ : હું ૨૬ વર્ષની છું. છેલ્લાં ત્રણ વર્ષથી હું એક છોકરા સાથે પ્રેમમાં છું. તેણે અમારા સંબંધ વિશે તેના પેરન્ટ્સને કહી દીધું છે, પરંતુ મારી મોટી બહેનનું જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી આ વાત મારા ઘરમાં કહી શકાય એમ નથી. હું તેના પેરન્ટ્સને મળી છું. તેમને વાંધો નથી. તેની મમ્મી વર્કિંગ છે એટલે ખાસ્સી ફૉર્વર્ડ છે. જોકે અમારી જ્ઞાતિ અલગ હોવાથી કદાચ મારી મમ્મીને વાંધો આવી શકે. લગ્ન માટે અમે ઉતાવળ કરી શકીએ એમ ન હોવાથી અત્યારે ખૂબ જ ગૂંગળામણ થાય છે. છેલ્લા આઠેક મહિનાથી અમે ક્યારેક-ક્યારેક ફિઝિકલ છૂટછાટ લેતાં હતાં.

આમ તો અમે કૉન્ટ્રાસેપ્ટિવ વાપરતાં હતાં, પણ એક વાર ભૂલ થઈ ગઈ અને મને પિરિયડ્સ મિસ થઈ ગયા. મારા ઘરની પરિસ્થિતિને કારણે તાત્કાલિક લગ્ન કરી લેવાં શક્ય નહોતાં એટલે મારા બૉયફ્રેન્ડે મને અબૉર્શન કરવા સમજાવી. તે મારી સાથે ડૉક્ટર પાસે આવ્યો અને બધું પૂરુંથાય ત્યાં સુધી રહ્યો પણ હતો. આ વાતને ચાર મહિના થઈ ગયા. મેં જોયું છે કે હવે તે મારાથી ડિસ્ટન્સ રાખે છે. ક્યારેક ભેટીને કિસ કરી લે છે, પણ પછી તરત જ હટી જાય છે. મને એકલા મળવાનું પણ તે ટાળે છે. તેના બદલાયેલા વર્તન વિશે તેને પૂછ્યું તો કહે છે કે આપણે પહેલાં લગ્ન કરી લઈએ, પછી જ સંબંધને આગળ વધારીશું. મને બહુ ડર લાગે છે. ખરેખર તે સાચું બોલતો હશે કે પછી હવે મારામાં રસ નહીં રહ્યો હોય?       - ચેમ્બુર


જવાબ : તમને અત્યારે આ બધી ચિંતા સતાવે છે, પરંતુ કફોડી સ્થિતિમાં મુકાવું પડે એવી સ્થિતિ તમે જાતે જ ઊભી કરી છે. પૉઝિટિવલી વિચારીએ તો એવું કહી શકાય કે પેલો છોકરો રિસ્પૉન્સિબલ છે. જોકે માત્ર તમારા કહેવા પરથી હું એ ચોક્કસ ન કહી શકું.

હું એવું ધારી લઉં છું કે કદાચ જે કંઈ બન્યું એની ગંભીરતા સમજાયા પછી હવે તમારો બૉયફ્રેન્ડ સંભાળીને પગલાં લેવા ઇચ્છે છે. કદાચ તેનો રસ ઓછો થઈ ગયો હોય એવું પણ બને, પરંતુ જો એમ હોત તો તેણે તમને અબૉર્શન દરમ્યાન જે મદદ કરી અને સાથ આપ્યો એવું ન કર્યું હોત. મને સમજાય છે કે એક વાર ઇમોશનલ અપ-ડાઉનમાંથી પસાર થયા પછી તમને તમારા બૉયફ્રેન્ડની વધુ હૂંફ જોઈતી હશે, પરંતુ એમ કરવામાં તમે કદાચ ફરીથી ફિઝિકલ થઈ જાઓ અને ફરીથી આવી જ કફોડી સ્થિતિમાં મુકાઈ જાઓ તો શું?

મને લાગે છે કે તમારો બૉયફ્રેન્ડ તમને એકલા મળવા નથી માગતો એ સાચું પગલું છે. જે કારણોસર તમે એક વાર ભૂલ કરી બેઠાં એવી ભૂલ ફરી ન થાય એ માટે પણ તમારે વધુ સાવચેત રહેવું જોઈએ. જો ખરેખર તેને રસ ઓછો થઈ ગયો હોય તો તે તમને મળવાનું જ ટાળતો હોય ને તમારી સાથેના વર્તનમાં પણ અકડ આવી ગઈ હોય એવું બની શકે છે. મને લાગે છે કે આવી અસમંજસમાં વધુ રહેવાને બદલે હવે તમારા ઘરમાં પણ બૉયફ્રેન્ડની ઓળખાણ કરાવી લેવાનો સમય આવી ગયો છે. તમારી મોટી બહેનનાં લગ્ન નક્કી થાય ત્યાં સુધી તમે એ સંબંધને ઑફિશ્યલ ન બનાવી શકો એવા દુરાગ્રહને છોડો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK