"પપ્પા સાથે કેવી રીતે વર્તન કરવું તેનો ખ્યાલ આવતો નથી"

Published: 5th October, 2011 17:23 IST

મારી મમ્મીનું મૃત્યુ વીસ વર્ષ પહેલાં થઈ ગયું હતું. એ પછી પપ્પાને કૅન્સરનું નિદાન થયું હતું. જોકે સારવાર પછી બધું સરસ થઈ ગયું છે. હવે ૬૨ વર્ષની ઉંમરે તેમની તબિયત સારી છે. મમ્મીના ગયા પછી તેમણે બીજાં લગ્ન કરેલાં, પરંતુ કૅન્સરની જાણ થતાં તેમની બીજી પત્ની તેમને છોડીને ચાલી ગઈ. મમ્મીના મૃત્યુ પછી અને બીજી પત્ની છોડીને જતી રહી એ પછી પપ્પાએ ક્યારેય અમારી સંભાળ નથી રાખી.

 

 

સવાલ સેજલને - સેજલ પટેલ

સવાલ : મારી મમ્મીનું મૃત્યુ વીસ વર્ષ પહેલાં થઈ ગયું હતું. એ પછી પપ્પાને કૅન્સરનું નિદાન થયું હતું. જોકે સારવાર પછી બધું સરસ થઈ ગયું છે. હવે ૬૨ વર્ષની ઉંમરે તેમની તબિયત સારી છે. મમ્મીના ગયા પછી તેમણે બીજાં લગ્ન કરેલાં, પરંતુ કૅન્સરની જાણ થતાં તેમની બીજી પત્ની તેમને છોડીને ચાલી ગઈ. મમ્મીના મૃત્યુ પછી અને બીજી પત્ની છોડીને જતી રહી એ પછી પપ્પાએ ક્યારેય અમારી સંભાળ નથી રાખી. કૅન્સર હોવા છતાં તેમને જુદી-જુદી સ્ત્રીઓની સાથે લફરાં ચાલ્યાં જ કરતાં આવ્યાં છે. તેમણે ક્યારેય અમારી સાથે બેસીને બે મિનિટ પણ સુખદુ:ખની વાતો નથી કરી. અમારી જરૂરિયાત કે લાગણી કશાનું તેઓ ધ્યાન નથી રાખતા. બસ, જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે માગીએ એટલા રૂપિયા આપી દે. હવે તો રિટાયર છે ને તેમનું પેન્શન પણ સારું એવું આવે છે.

આખો દિવસ ટીવી જોયા કરે છે. તેમને કહીએ છીએ કે બહાર ફરવા જાઓ, તમારી ઉંમરના માણસો સાથે હરોફરો તો અમારા પર ગુસ્સો કરે છે. હમણાંથી અમારા બધા પર ખૂબ શક કર્યા કરે છે. તેમને એમ છે કે અમે તેમની સંપત્તિ લઈને ભાગી જવાના છીએ અથવા તો તેમના પર કેસ કરીને બધું ઝૂંટવી લેવાના છીએ. તમે જ કહો કે તેમની સાથે કેવી રીતે વર્તવું જેથી તેમને શાંતિ રહે. તેમની માંદગીને કારણે નાની બહેને તો લગ્ન નથી કર્યા. તેમના આ બલિદાન માટે ગર્વ કરવાને કે થૅન્ક યુ કહેવાને બદલે તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે.

- સાન્તાક્રુઝ

જવાબ : તમે તમારી કે બહેનની ઉંમર નથી લખી, પરંતુ ત્રીસ-પાંત્રીસ વર્ષ તો હશે જ એમ ધારી લઉં છું. પિતાએ જિંદગીમાં અન્ય સ્ત્રીઓ સાથે શું કર્યું એ વિચારવાથી તમને કશું જ નથી મળવાનું. તેમણે આવુંબધું કેમ કર્યું એ તમને સમજાતું ન હોય એટલે એને તમે લફરાં નામ આપી દો એ ઠીક નથી. પિતા પાસેથી તમે કંઈક આદર્શની અપેક્ષા રાખતા હો એ સ્વાભાવિક છે. એટલું જ સ્વાભાવિક છે કે નાની ઉંમરે જીવનસાથી ગુમાવ્યા પછી માણસ લડખડાય. કૅન્સર જેવી ખોફનાક તકલીફને સતત સાથે રાખીને જીવતી વ્યક્તિ કદાચ શુષ્ક બની ગઈ હોય તો તેના પ્રત્યે તમારે ફરિયાદ કરવી જોઈએ કે સહાનુભૂતિ અનુભવવી જોઈએ?

આપણને જ્યારે પેરન્ટ્સની કોઈ વર્તણૂક સમજાતી ન હોય ત્યારે તેમના ચારિત્ર્ય વિશે નબળી વાત કરતાં પહેલાં હજાર વાર વિચાર કરવો જોઈએ; કેમ કે આખરે તમે તેમના જ અંશ છો, તેમનું માનસન્માન એ તમારું પોતાનું છે. સંતાનો નાનાં હોય ત્યારે તેમના વિકાસ અને ઉન્નતિ માટે મથવાની તથા તેમને લાગણીની હૂંફ પૂરી પાડવાની જવાબદારી માતાપિતાની હોય છે. જોકે એ જ માતાપિતા જ્યારે ઘરડાં થાય ત્યારે તેમને લાગણી અને હૂંફ આપવાની જવાબદારી સંતાનોની બની જાય છે. તેઓ અત્યારે તમારા બધા પર શંકા કરે છે એ કદાચ સાવ ખોટી હોય તો પણ તેમની સાથે ગુસ્સાથી પેશ આવવું ઠીક નથી.

વૃદ્ધાવસ્થામાં જે માનસિક અસ્વસ્થતા અનુભવાય છે એ તમને ત્યારે જ સમજાય છે જ્યારે વ્યક્તિ તમે પોતે વૃદ્ધ થાય છે. તમારી નાની બહેને પિતાની તબિયત માટે થઈને લગ્ન ન કર્યા એ તેની ભૂલ છે. હજીયે એ સુધારી લેવી જોઈએ. માબાપ માટે કંઈક કરવા બદલ જો શાબાશીની અપેક્ષા હોય તો એવું બલિદાન ન આપવું જ ઠીક રહેશે. ધારો કે તમારા પિતા ૧૦૧ ટકા ખોટા હોય તો પણ તેમની સાથે ખૂબ જ માનપૂર્વક અને પૂરી સહાનુભૂતિ સાથે વર્તવું એ જ ઠીક રહેશે. એટલું યાદ રાખજો કે તેમના કારણે તમે આ જિંદગી પામ્યા છો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK