“પ્રપોઝ કર્યા પછી તે મારી સાથે અજનબીની જેમ વર્તે છે”

Published: 4th October, 2011 18:46 IST

હું ૨૩ વર્ષનો છું. મારી ગલીમાં રહેતી એક છોકરી સાથે મને પ્રેમ થઈ ગયો છે. છેલ્લાં ત્રણ વરસથી હું તેની પાછળ છું, પણ તે મચક નથી આપતી. શરૂઆતમાં અમે એક જ કૉલેજમાં ભણતાં હતાં. એ વખતે અમે ઘણી વાર સાથે બસમાં જતાં હતાં. તેને ભણવાની કોઈ નોટ જોઈતી હોય કે છેલ્લી ઘડીએ નવી નોટ બનાવવાની હોય તો હું રાત-રાતભર જાગીને તેને બનાવી આપતો હતો.

સવાલ સેજલને - સેજલ પટેલ

સવાલ : હું ૨૩ વર્ષનો છું. મારી ગલીમાં રહેતી એક છોકરી સાથે મને પ્રેમ થઈ ગયો છે. છેલ્લાં ત્રણ વરસથી હું તેની પાછળ છું, પણ તે મચક નથી આપતી. શરૂઆતમાં અમે એક જ કૉલેજમાં ભણતાં હતાં. એ વખતે અમે ઘણી વાર સાથે બસમાં જતાં હતાં. તેને ભણવાની કોઈ નોટ જોઈતી હોય કે છેલ્લી ઘડીએ નવી નોટ બનાવવાની હોય તો હું રાત-રાતભર જાગીને તેને બનાવી આપતો હતો. એ વખતે તે મારી સાથે ઠીક-ઠીક બોલતી હતી, ક્યારેક અમે ફ્રેન્ડ્સની સાથે કૉલેજથી સીધાં બહાર ફરવા જતાં રહેતાં હતાં. તે મારી સાથે બહાર પણ ફરવા આવતી હતી. મારી આર્થિક સ્થિતિ એટલી સારી નથી, તેનો પરિવાર સુખી છે. એને કારણે અમારા બન્નેના પરિવારોને ઝાઝું બનતું નથી. મને હતું કે ભલે તેના પરિવારને પસંદ નહીં હોય, આ છોકરીને મન પૈસાનું મહત્વ નહીં હોય. કદાચ તેને પણ મારી સાથે ગમવા લાગ્યું હતું ને એટલે કૉલેજ પૂરી થઈ એ વખતે મેં તેને પ્રપોઝ કર્યું.

તેણે કહેલું કે આપણા પરિવારો વચ્ચે ખૂબ મોટો તફાવત છે અને એટલે આપણો સંબંધ ક્યારેય સ્વીકાર્ય નહીં બને. મેં તેને પૂછેલું કે પરિવારની વાત છોડ, તું મને પસંદ કરે છે કે નહીં એ તો કહે? ત્યારે તેણે ઉડાઉ જવાબ આપેલો કે હજી તો મારું ભણવાનું પૂરું થયું છે, મારે હમણાં લગ્ન વિશે નથી વિચારવું. હું તે કહે એટલી રાહ જોવા તૈયાર છું. જોકે એ પછી તેણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. હું તેના વિચારોમાં ખોવાયેલો રહું છું. જ્યારે તે સામે મળે તોય જાણે હું અજનબી હોઉં એવું વર્તન કરે છે. મને ખૂબ દુ:ખ થાય છે, હું તેના જ વિચારોમાં ખોવાયેલો રહું છું. કામમાં મન નથી લાગતું. તેને ક્યારે મારી લાગણી સમજાશે?  

- વડાલા

જવાબ :
તમને જે વ્યક્તિ ખૂબ ગમતી હોય, તેના પ્રત્યે આકર્ષણ થતું હોય અને સામેથી પૉઝિટિવ રિસ્પૉન્સ ન મળે ત્યારે કેટલું દુ:ખ થાય એ હું સમજી શકું છું. જોકે વાસ્તવ જીવનમાં એ પણ સમજી લેવું જોઈએ કે પ્રેમની લાગણી કુદરતી છે, એ પરાણે ઊભી નથી કરી શકાતી. તમે ત્રણ વર્ષથી તેને ઓળખો છો ને સાથે ફર્યા પણ છો. એમ છતાં તેને આ સંબંધમાં રસ નથી એવું તેણે સ્પષ્ટ કર્યું છે ત્યારે એ બાબતે વધુ વિચારીને દુખી ન થાઓ. જરાક એ તરફથી નજર હટાવીને આસપાસ જુઓ. પ્રેમ અને મિત્રતા એકપક્ષી નથી રાખી શકાતી.

ભાઈ, તાળી હંમેશાં બે હાથે પડે. એમ પ્રેમ અને દોસ્તી પણ બે વ્યક્તિની ઇચ્છાથી જ આગળ વધે. તમે પ્રપોઝ કર્યું ત્યારે તેનો જે જવાબ હતો એ દર્શાવે છે કે તેને આ સંબંધ આગળ વધારવામાં રસ નથી. એ પછી પણ તેણે વાતચીત ઓછી કરી નાખીને સ્પષ્ટ કરી દીધું છે કે તેને આ દોસ્તી વધારવાની ઇચ્છા નથી. જો દુખી ન થવું હોય તો આવી પરાણે દોસ્તી કરવાની કોશિશ રહેવા દો.

તેણે દોસ્તીનો કોઈ હાથ આગળ વધાર્યો જ નથી ત્યારે તેણે શા માટે તમારી લાગણીઓની ચિંતા કરવી જોઈએ? કદાચ તમે તેની પાછળ પડી ગયા છો એનાથી પણ તેને ઇરિટેશન થતું હોય. તમે હજી સુધી તેનો જવાબ પચાવી નથી શક્યા એને કારણે દુ:ખી થઈ રહ્યા છો. જેટલું વહેલું સ્વીકારશો એટલા ઓછા દુ:ખી થશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK