મારી બધી કમાણી કૂતરાઓ પાછળ જ ખર્ચાઈ જાય છે, શું કરું?

Published: 14th November, 2012 05:15 IST

હું ૩૬ વર્ષની અપરિણીત યુવતી છું. દસ-બાર વરસ પહેલાં મને જે છોકરા સાથે પ્રેમ હતો તેની સાથે મારાં લગ્ન ન થઈ શક્યાં ને એ પછી મેં કુંવારાં જ રહેવાનું નક્કી કરી લીધેલું. મારા ઘરમાં પપ્પા અને ભાઈ છે. ભાઈનાં લગ્ન થઈ ચૂક્યાં છે.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૩૬ વર્ષની અપરિણીત યુવતી છું. દસ-બાર વરસ પહેલાં મને જે છોકરા સાથે પ્રેમ હતો તેની સાથે મારાં લગ્ન ન થઈ શક્યાં ને એ પછી મેં કુંવારાં જ રહેવાનું નક્કી કરી લીધેલું. મારા ઘરમાં પપ્પા અને ભાઈ છે. ભાઈનાં લગ્ન થઈ ચૂક્યાં છે. ભાભી સારી છે ને નોકરી કરે છે. અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ ને હું ઘરેથી જ નાનુંમોટું કામ કરીને કમાઉં છું. હું નાની હતી ત્યારથી મને કૂતરાં સાથે ખૂબ લગાવ છે. પહેલાં તો અમારા ઘરે પાળતુ ડૉગી હતા, પણ એ બધા મરી ગયા. હવે મેં નવા ડૉગી પાળવાને બદલે શેરીમાં રખડતા ડૉગીઓને જ સાચવવાનું શરૂ કર્યું છે. જોકે મને એમની સાથે એટલું બધું અટૅચમેન્ટ થઈ જાય છે કે હું આખો દિવસ કંઈક ને કંઈક તેમના માટે જ કરતી રહેતી હોઉં છું. તેઓ માંદા પડે તો દવાખાને લઈ જવા, વાહન નીચે પગ કચડાઈ જાય કે ઘા થાય અને પાકે તો એ બધાની સારવાર કરાવવા હું જ લઈ જાઉં છું. મને એનાથી ખૂબ જ સંતોષ મળે છે, પણ એમાં ઘણો ખર્ચ થઈ જાય છે. ઘણી વાર તો મારી બધી કમાણી એમાં જ વપરાઈ જાય છે. મારાં પપ્પા એને કારણે મારાથી ખૂબ નારાજ છે. તેમનું કહેવું છે કે મારે અત્યારે ખૂબ બચત કરવી જોઈએ, નહીંતર પાછલી જિંદગી ભાઈના સહારે ઠેબાં ખાઈને કાઢવી પડશે. શું કૂતરાંને હેરાન થતાં જોઈને પણ મારે મદદ નહીં કરવાની? માત્ર પૈસા નથી એટલા ખાતર? સાચું કહું તો મારા માટે આ ડૉગીઓ જ મારો પરિવાર છે. તેમની માંદગીમાં હું પોતે નખાઈ જાઉં એટલું મને એમનું બળે છે, પણ મારા ઘરનાંઓને કંઈ સમજાતું જ નથી.

- દહિસર


Demo Pic

જવાબ : તમને ડૉગીઓ માટે ખૂબ લાગણી છે એ તો ઘણી જ સારી વાત છે, પણ લાગણી અને વાસ્તવિકતા એ બેને સંતુલિત કરીને જોતાં શીખવું જોઈએ. તમે તમારી કમાણી ખર્ચી રહ્યાં છો એટલે કોઈને શું કામ વાંધો હોવો જોઈએ એવો સવાલ તમને થઈ શકે છે, પણ તેઓ તમારા ભલા માટે જ તમને ભવિષ્ય માટે બચત કરવાનું કહે છે એ પણ તમારે સમજવું પડશે. જો તમે એકલાં જ રહેવાના હો તો તમારે અત્યારની લાગણી સાથે પાછલી જિંદગીની પણ ચિંતા કરવી જોઈએ. એ વખતે તમારી માંદગીમાં કોઈ પડખે ઊભું રહે કે ન રહે, તમે આર્થિક રીતે પગભર હશો તો પાછલી

જિંદગી ઓશિયાળાં બનીને નહીં જીવવું પડે.

બીજું, મને લાગે છે કે તમે અત્યારે એકલાં છો એટલે બધો જ પ્રેમ મૂંગાં પ્રાણીઓ પર ન્યોછાવર કરી દો છો ને કદાચ એક હદ કરતાં વધુ પઝેસિવનેસ ધરાવો છો. લોકો તમારા પ્રેમને સમજતા નથી એવી ફરિયાદ કરવાને બદલે તમારે પોતે તમારી જિંદગી પર કન્ટ્રોલ મેળવવાની જરૂર છે. એકલાં રહેવું હોય તો આર્થિક, માનસિક અને ઇમોશનલ બધી જ રીતે સ્વનર્ભિર થવું જોઈએ. બીજો એક અતિમહત્વનો સવાલ તમારે તમારી જાતને પૂછવાનો છે તે એ કે દિલના કોઈક ખૂણે તમને ક્યાંક એકલવાયાપણું લાગે છે? લાગતું હોય તો લગ્ન નહીં કરવાની ખોટી જીદ છોડો અને કોઈ જીવનસાથીની તલાશમાં લાગી જાઓ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK