પત્ની સાથે રહું છું પણ અમે દિલથી સાથે નથી, મને બીજી યુવતી ગમે છે

Published: 13th December, 2012 05:49 IST

ચાર વરસ પહેલાં મારાં અરેન્જ્ડ મૅરેજ થયેલાં. પહેલા છ મહિના મેં ઘણો પ્રયત્ન કર્યો, પણ મારી પત્નીને ઘરમાં નહીં, તેની કરીઅરમાં જ વધુ રસ હતો.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : ચાર વરસ પહેલાં મારાં અરેન્જ્ડ મૅરેજ થયેલાં. પહેલા છ મહિના મેં ઘણો પ્રયત્ન કર્યો, પણ મારી પત્નીને ઘરમાં નહીં, તેની કરીઅરમાં જ વધુ રસ હતો. તેને બાળકો જોઈતાં નથી, કેમ કે એમ કરવાથી તેની કરીઅર અટકી પડે. હું બે-ચાર વરસ રાહ જોવા તૈયાર હતો, પણ તેને તો જીવનભર માટે બાળકો જ નથી જોઈતાં. છેલ્લાં બેથી ત્રણ વરસ અમારી વચ્ચે ભયંકર તણાવ રહ્યો ને આખરે અમે નક્કી કરી લીધું કે અમે બન્ને અમને ગમતા રસ્તાઓ લઈ શકીએ છીએ. અમે બન્ને એક ઘરમાં રહીએ છીએ, પણ જાણે સાથે નથી. હવે મેં તેની પાસેથી કોઈ પણ અપેક્ષા રાખવાનું બંધ કર્યું છે. છેલ્લા દોઢ વર્ષથી આ પરિસ્થિતિ છે. ઘરની આ પરિસ્થિતિને કારણે હું મારી જ ઑફિસમાં સાથે કામ કરતી એક યુવતી તરફ વળ્યો છું. તે ઘણી જ સમજુ છે અને અમારી વચ્ચે સારી દોસ્તી પણ છે. તે નોકરી કરે છે, પણ પૈસા કમાવાની કોઈ રાઈ તેના મનમાં ભરાયેલી નથી. અમે બન્ને સાથે લંચ માટે જઈએ છીએ અને સાંજે ક્યારેક સાથે ફરવા પણ જઈએ છીએ. તે પણ મને પસંદ કરતી હોય એવા આડકતરા ઇશારા મળ્યાં છે. જોકે મારી મૂંઝવણ એ છે કે મેં હજી તેને કહ્યું નથી કે હું પરણેલો છું અને છૂટાછેડા લેવાનો છું. હું અત્યારે મૅરિડ છું એ જાણીને તે શું રીઍક્ટ કરશે એ સમજાતું નથી. મારી વાઇફ સાથે તો છૂટાછેડાની વાત કરીશ તો એ તો ખુશીથી ઊછળી પડશે, કેમ કે તેને તો આ સંબંધમાંથી છુટકારો જ જોઈએ છે. પણ હું જે યુવતીને ચાહું છું તેને આ હકીકત કેવી લાગશે? મારે તેનું દિલ તોડવું નથી અને તેને ગુમાવવી પણ નથી.

- સાંતાક્રુઝ

જવાબ : પત્ની સાથેના કડવા સંબંધોને કારણે તમને બીજી યુવતી તરફ ખેંચાણ થયું એ સ્વાભાવિક છે; પરંતુ આ વિશે તમે પેલી યુવતીને પણ કહ્યું નથી અને તમારી પત્ની પણ આ વિશે જાણતી નથી, એટલે કે તમે બન્ને પક્ષને છળી રહ્યા છો. તમે બે વ્યક્તિ સાથે સંબંધો ધરાવો છો એ તમારો ગુનો નથી, પરંતુ જે તમે છુપાવ્યું છે એ જરૂર ખોટું છે.

પતિ-પત્ની બન્નેનાં જીવનનાં ધ્યેય જુદાં હોય ત્યારે એકબીજા પર એ થોપવાને બદલે તમે તમારા રસ્તાઓ પસંદ કરી લો એમાં કંઈ જ ખોટું નથી. જોકે કોઈ પણ સંબંધનો પાયો પરસ્પરનો વિશ્વાસ હોય છે. બને કે તમે મૅરિડ છો એ જાણીને પેલી છોકરીનું દિલ તૂટી જાય, પણ જો તે સમજુ હશે અને સાચે જ તમને પ્રેમ કરતી હશે તો તમે કયાં કારણોસર છૂટા પડી રહ્યા છો એ સ્વીકારી પણ શકશે. પણ જો સચ્ચાઈ કહેવામાં તમે વધુ વાર લગાડશો તો તમે પેલી યુવતીને વધુ હર્ટ કરશો. સંબંધો જેટલા આગળ વધશે તે યુવતીને હકીકત સ્વીકારતાં એટલી વધુ તકલીફ પડશે. અસમંજસમાં વધુ સમય કાઢીને પેલી યુવતીને અંધારામાં રાખવી ઠીક નથી. જો પેલી યુવતી મૅચ્યોર હશે તો તે જરૂર હકીકત પચાવી શકશે. તમારા લગ્નજીવનના પીડાદાયક અનુભવો તેની સાથે શૅર કરશો તો કદાચ તે યુવતી તમને વધુ સારી રીતે સમજી શકશે. ધારો કે એ પછી તે આ સંબંધમાં આગળ વધવા ન ઇચ્છતી હોય તો એની પણ છૂટ તેને આપવી રહે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK