સાળીનો હસબન્ડ ગુજરી ગયો છે, પણ હું મદદ કરી શકું એમ નથી

Published: 11th December, 2012 09:05 IST

મારી ઉંમર ૩૮ વર્ષ છે. થોડા મહિના પહેલાં પત્ની ડિલિવરીને કારણે ઘણો સમય તેના પિયરે રહેતી હતી. હું પણ ત્યાં જતો હતો એટલે ત્યાં એક છોકરી મનમાં વસી ગયેલી.(સવાલ સેજલને- સેજલ પટેલ)

સવાલ : મારી ઉંમર ૩૮ વર્ષ છે. થોડા મહિના પહેલાં પત્ની ડિલિવરીને કારણે ઘણો સમય તેના પિયરે રહેતી હતી. હું પણ ત્યાં જતો હતો એટલે ત્યાં એક છોકરી મનમાં વસી ગયેલી. તે દૂરના સગામાં છે એટલે કે કઝિન સાળી થાય. ખૂબ નાની ઉંમરે તેનો પતિ એક્સપાયર થઈ ગયો હોવાથી તે મારા સાસરે જ રહે છે. તેના પેરન્ટ્સની પરિસ્થિતિ પાતળી છે એટલે તેને ખાસ મદદ કરી શકે એમ નથી. મને તો તે છોકરી જોતાંની સાથે જ ગમી ગયેલી. દીકરો નાનો હોવાથી મારી વાઇફને મદદ મળી રહેશે અને તેને પણ કંઈક કંપની અને કામ મળશે તો ગમશે એમ વિચારીને તેને અમારા ઘરે લઈ આવ્યાં હતાં. પાંચેક મહિના અમારા ઘરે રહીને તે પાછી મારા સાસરે રહેવા જતી રહી છે. સાચું કહું તો મને તેની ખૂબ ચિંતા થાય છે. તે એકલી હોવાથી અને પૈસેટકે પગભર ન હોવાથી ઓશિયાળી થઈને રહે છે. મેં તેને ગમે ત્યારે મદદ જોઈતી હોય તો વિનાસંકોચ માગવા કહ્યું છે, પણ તે એમાંય સંકોચ રાખે છે. આમ તો તે મારી સાથે ખૂબ છૂટથી વર્તે છે એટલે તેને પણ મારી સાથે ગમતું હોય એવું લાગે છે. મારો સાળો તેને ફરી પરણાવીને થાળે પાડવાની તૈયારી કરે છે, પણ તેને લગ્નમાં પણ રસ નથી. તે અમારે ત્યાં વધુ રહે એ મારી પત્નીને પણ ગમતું નથી. મારે બે બાળકો અને પત્નીની જવાબદારી ન હોત તો મેં તેની તમામ જવાબદારી ઉઠાવી લીધી હોત, પણ પરિવારવાળા માણસે બધું જ વિચારવું પડે. આવા સંજોગોમાં મને તેના પ્રત્યેનું ખેંચાણ દૂર કેવી રીતે કરવું એ જ સમજાતું નથી.

- સાયન   

જવાબ : પત્ની અને બાળકો ન હોત તો તમે પેલી યુવતીને સંભાળી લીધી હોત. આ વાક્ય પાછળની તમારી લાગણી સ્પષ્ટ સમજાઈ નહીં. શું પત્ની અને બાળકોની જવાબદારી હોય તો કોઈને મદદ ન કરી શકાય? ખરેખર કોઈ વ્યક્તિને માત્ર મદદ જ કરવી હોય તો એમાં પત્ની અને બાળકો ક્યારેય નડતાં નથી, જ્યારે આપણને તેને મદદ કરવાના બહાને કંઈક બીજું જોઈતું

હોય ત્યારે જ આવી તકલીફ નડે છે. આ કઝિનને લઈને તમારી નિયત બાબતે પણ તમારી પત્નીને આછોપાતળો ખ્યાલ આવી ચૂક્યો છે એટલે જ તે તેને પોતાના ઘરે નથી રાખવા માગતી.

તમારું લગ્નજીવન કેવું છે એ તમે નથી વર્ણવ્યું, પણ તેને બચાવવા માટે આ ખેંચાણ દૂર કરવું જરૂરી છે. એ માટે પહેલાં તો તમારાં કઝિન સાળીને તેના ઘરે જ રહેવા દો. અવારનવાર તેમને ત્યાં જવાનું ટાળો. તમારાં સંતાનો હજી ઘણાં નાનાં છે એટલે તેમના ઉછેરમાં ધ્યાન પરોવો. તેની સાથે રમવામાં અને તેમના ઉછેરમાં મન પરોવો. કોઈ સ્ત્રીને બિચારી, ઓશિયાળી માનીને લાભ ઉઠાવવાનો ઇરાદો મનમાં હોય તો એને કાઢી નાખવામાં જ શાણપણ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK