ગર્લફ્રેન્ડની શરત છે કે લગ્ન પછી તેના પપ્પાના ફ્લૅટમાં જ રહીશું

Published: 10th December, 2012 09:25 IST

છેલ્લાં ત્રણ વરસથી હું એક છોકરીને પ્રેમ કરું છું. તે એકદમ ખાધેપીધે સુખી ઘરની છે અને મારા માથે ઘરની જવાબદારી પણ છે એટલે પૈસેટકે એટલી છૂટ નથી.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : છેલ્લાં ત્રણ વરસથી હું એક છોકરીને પ્રેમ કરું છું. તે એકદમ ખાધેપીધે સુખી ઘરની છે અને મારા માથે ઘરની જવાબદારી પણ છે એટલે પૈસેટકે એટલી છૂટ નથી. એમ છતાં મેં ક્યારેય મારી ગર્લફ્રેન્ડને કંઈ જ ઓછું આવવા નથી દીધું. અવારનવાર તેને ગિફ્્ટ્સ આપવી, મને પરવડે એમ ન હોય છતાં થોડુંક ખેંચાઈને પણ હું તેણે માગેલી ચીજો લાવી આપું છું તો પણ તેને અસંતોષ જ રહે છે. તેની ફ્રેન્ડ્સના બૉયફ્રેન્ડ તેને મોંઘીદાટ ચીજ આપે એટલે તેને મેં આપેલી ચીજો નાની લાગવા લાગે. મંે તેને અનેક વાર કહ્યું છે કે લગ્ન પછી પણ આવી સરખામણી કરીશ તો દુ:ખી જ થઈશ. હું અત્યારે મુંબઈમાં મારું પોતાનું ઘર લેવાનું પ્લાનિંગ કરી રહ્યો છું, જેથી લગ્ન પછી અમે ભાડાના નહીં, પણ પોતાના ઘરમાં રહીએ. એ માટે પણ મારે બચત કરવી જરૂરી છે. આ વાત તેને સમજાતી જ નથી. હવે લગ્નની વાત નીકળી છે ત્યારે તેણે શરત મૂકી છે કે જો લગ્ન પછી અમે તેના પપ્પાના વન-બીએચકેના વધારાના ફ્લૅટમાં જઈને ગૃહસ્થી માંડવાના હોઈએ તો જ તે લગ્ન કરશે. મને એ વાત બિલકુલ યોગ્ય નથી લાગતી. સંસારની શરૂઆત જ જો સસરાની ફેવર લઈને કરવાની હોય તો મને એ નથી કરવી. હું ના પાડું છું તો એ તેને મારો ઠાલો અહંકાર લાગે છે, પણ તે પોતાની ફૅસિલિટીમાં કૉમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. હું વસઈમાં રહું છું અને અહીં જ ઘર લેવાનો છું, જ્યારે તેને કાંદિવલીમાં તેના પપ્પાના ફ્લૅટમાં જ રહેવું છે. એવું નથી કે તેને પૈસાની કિંમત જરાય નથી, તે પણ નોકરી કરે છે અને સારું કમાય છે, પણ તેને મારી ઇમોશનની કંઈ પડી નથી એવું લાગે છે. ભાવિ સસરાની મદદ લેવાનું મને ઠીક નથી લાગતું, જ્યારે ગર્લફ્રેન્ડને વસઈ રહેવાનું ઠીક નથી લાગતું.

- વસઈ રોડ

જવાબ : સાસુ-સસરા તરફથી મદદ ન જ લેવી જોઈએ અથવા તો મદદ લઈએ એમાં નાના થઈ જઈએ એવું તો નથી જ હોતું. છતાં કેવાં કારણોસર અને ક્યારે આપણે તેમની મદદ માટે હાથ લંબાવીએ છીએ એ ખૂબ અગત્યનું છે. પિયરમાં જે એશોઆરામ ભોગવવા મળે છે એ લગ્ન પછી ભોગવવા મળે એ માટે થઈને પતિનું સન્માન નેવે મૂકી દેવાનો વિચાર ઠીક નથી.

જ્યારે લગ્ન અને પ્રેમમાં શરતો આવી જાય છે ત્યારે પ્રેમ બાષ્પીભવન થઈને ઊડી ગયો છે એમ સમજવું જોઈએ. પ્રેમ તો એને કહેવાય, જેમાં બન્ને વ્યક્તિઓ એકમેકની લાગણીઓને માન આપીને જાતે સમાધાન કરવાની પહેલ કરે. તમારી ગર્લફ્રેન્ડે જે શરત મૂકી છે એ બતાવે છે કે જો તમે આજે એ શરત કબૂલી લેશો તો લગ્ન પછી પણ આવી બીજી લાંબીલચક શરતોની યાદી પાછળ આવવાની જ છે. તે પોતાની રીતે, પોતાની કમ્ફર્ટ જોઈને તમારી સાથે લગ્ન કરવા માગે છે, જે તેનું સ્વાર્થીપણું છતું કરે છે. તે હજીયે મટીરિયાલિસ્ટિક બાબતોમાં ગૂંચવાયેલી હોવાની શક્યતાઓ પણ નકારી શકાય નહીં, કેમ કે તેને તમે પ્રેમથી આપેલી ચીજો કરતાં બીજાની મોંઘીદાટ ચીજો વધુ સારી લાગે છે. આ બધી બાબતો એક લાલબત્તી છે ને એમાં આગળ વધવું હોય તો તમારે આર્થિક અસમાનતાને કારણે ઊભા થતા સંઘષોર્ને જીવનભર સહેતાં રહેવાની તૈયારી રાખવી પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK