નાના ભાઈને ભાગ ૫૦ ટકા પૂરા જ જોઈએ છે, શું કરું?

Published: 7th December, 2012 08:22 IST

અમે ત્રણ ભાઈઓ છીએ. હું એમાં વચલો છું. મોટો ભાઈ છ મહિનાનો હતો ત્યારથી મોટા કાકા સાથે રહે છે. હું અને નાનો ભાઈ જન્મથી જ સાથે છીએ. હું ૫૪ વર્ષનો અને નાનો ભાઈ ૫૦ વર્ષનો છે.(સવાલ સેજલને -સેજલ પટેલ)

સવાલ : અમે ત્રણ ભાઈઓ છીએ. હું એમાં વચલો છું. મોટો ભાઈ છ મહિનાનો હતો ત્યારથી મોટા કાકા સાથે રહે છે. હું અને નાનો ભાઈ જન્મથી જ સાથે છીએ. હું ૫૪ વર્ષનો અને નાનો ભાઈ ૫૦ વર્ષનો છે. અમારા પિતાજીના માથે ઘણું કરજ હતું, જે અમે ત્રણેય ભાઈઓએ પર્સનલ કમાણીમાંથી ચૂકવ્યું છે. મારે બે બેડરૂમ-હૉલ-કિચનનું ઘર છે. એ મેં મારી મહેનતથી બનાવ્યું છે. એમાં નાના ભાઈએ એક પણ રૂપિયો આપ્યો નથી. મારું ઘર મારા અને પત્નીને નામે છે. મારે એ ઘર વેચીને પહેલાં લીધેલી લોન ચૂકવવાની છે. હકીકતમાં મારે નાના ભાઈને કંઈ પણ આપવાનું નથી આવતું તો પણ ઇન્સાનિયતની દૃષ્ટિએ અને નાતમાં આબરૂના હિસાબે હું તેને રૂપિયાની ૩૦ ટકા જેટલી રકમ આપવા તૈયાર છું. નાનો ભાઈ પણ પહેલાં તો આ વાતમાં સહમત થયેલો, પણ પછીથી તે ફરી ગયો અને હવે તે રૂપિયાની ૫૦ ટકા રકમ માગે છે. તો હવે મારે શું કરવું? મારે એક છોકરી અને છોકરો છે. બન્ને પરણી ગયાં છે. નાના ભાઈને પણ છોકરી અને છોકરો છે.  

- કાંદિવલી


જવાબ :
બને ત્યાં સુધી આવા મિલકતના ઝઘડાનો ઉકેલ કોઈ પણ એક પક્ષની વાત સાંભળીને ન આપી શકાય. તમે માત્ર તમારા જ દૃષ્ટિકોણને રજૂ કયોર્ છે. એમાં તો તમારા નાના ભાઈની નિયત વધુ પૈસા પડાવવાની હોય એવું લાગે છે. જોકે મારી કૉમનસેન્સ એવું કહે છે કે જ્યારે કોઈ પણ વિવાદ થાય છે ત્યારે માત્ર એક જ હાથે તાળી નથી પડતી. આખાય કેસમાં કોઈક એવી બાબત છે જેનો ઉલ્લેખ કે ચર્ચા તમારા પત્રમાં નથી થઈ.

બની શકે કે હું ખોટી હોઉં, તમે સારા હેતુથી કંઈક કરવા ગયા અને હવે તમારી પાસેથી મોટી ડિમાન્ડ કરીને તમને હેરાન કરી રહ્યા હોય. જો તમે જણાવ્યું છે એ જ સચ્ચાઈ હોય તો કેટલીક શક્યતાઓ વિચારી શકાય.  એક, કાયદાકીય દૃષ્ટિકોણથી વિચારીએ તો ઘર માત્ર તમારા અને પત્નીને નામે હોવાથી એક પણ રૂપિયો નાના ભાઈને આપવાની જરૂર નથી. એટલે ભાઈ ભલે માગતો, તમારે પૈસા ન આપવા. એ થયું કાયદાકીય સૉલ્યુશન.

બીજું, સોશ્યલ દૃષ્ટિકોણથી વિચારીએ. નાનો ભાઈ અને તેનો પરિવાર પણ તમારા જ કુટુંબનો ભાગ છે. એવા સંજોગોમાં વધુ મૅચ્યોરિટીથી કામ લેવું જોઈએ. નાના હતા ત્યારે એક વાર્તા વાંચી હતી. જેમાં એક પિતાએ પોતાના ચારેય દીકરાઓને તેમની જરૂરિયાત અને ક્ષમતાને આધારે પોતાની મિલકતની વહેંચણી કરેલી. તમે મોટા છો ત્યારે તમારા બન્ને ભાઈઓની જરૂરિયાતને મૂલવીને એ મુજબ જ રૂપિયા તેને આપો. આવા સંજોગોમાં ધારો કે નાના ભાઈને વધુ લાલચને કારણે તમે આપેલા રૂપિયા ઓછા પડતા હોય તો એ તેનો પ્રૉબ્લેમ છે, તમે વધુ રૂપિયા આપવા જરાય બંધાયેલા નથી. નાતના લોકો શું વિચારશે એની પરવા કરવાની જરૂર નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK