હું પતિની ફરિયાદ સસરાને કરતી હોવાથી હવે તેઓ મારી ફરિયાદ મારા પેરન્ટ્સને કરે છે, શું કરવું?

Published: 5th December, 2012 07:41 IST

મારાં લગ્નને આઠ વરસ થયાં છે. પતિ-પત્નીમાં થાય એવી નાની-મોટી નોકઝોક અમારી વચ્ચે પણ થતી રહેતી હોય છે. ક્યારેક પતિ કે નણંદ દ્વારા થયેલું અપમાન સહન ન થાય કે બહુ લાગણી દુભાય તો હું સાસુ-સસરાને ફરિયાદ કરતી.(સવાલ સેજલને -સેજલ પટેલ)

સવાલ : મારાં લગ્નને આઠ વરસ થયાં છે. પતિ-પત્નીમાં થાય એવી નાની-મોટી નોકઝોક અમારી વચ્ચે પણ થતી રહેતી હોય છે. ક્યારેક પતિ કે નણંદ દ્વારા થયેલું અપમાન સહન ન થાય કે બહુ લાગણી દુભાય તો હું સાસુ-સસરાને ફરિયાદ કરતી. જોકે સાસુને મન તો તેમનાં જ દીકરા-દીકરી હંમેશાં સાચાં રહેતાં એટલે કદી તેઓ મારા પતિ કે નણંદને ટોકતાંય નહીં. પિયર પૈસેટકે થોડુંક નબળું હોવાથી ઘરની આવી નાની તકલીફો બાબતે મેં કદી પપ્પા-મમ્મીને જઈને વાત નથી કરી. હા, મારા સસરા એ વાતે સમજુ છે એટલે તેઓ જ્યારે પણ ઝઘડો થાય ત્યારે મારો સાથ લે અને પતિને જ સમજાવે. તેમનો કડપ પણ હજી છે એટલે તેમણે વડીલનું કહ્યું માનવું પણ પડે. જોકે હમણાંથી મારા પતિ નવું શીખ્યા છે. ઘરમાં કંઈ તકલીફ થાય એટલે તેઓ સીધા મારા પિયરે ફોન જોડીને એ વાતની ફરિયાદ કરી દે. આવું બેથી ત્રણ વાર થયું એટલે મારી મમ્મીની ચિંતાનો પાર નથી રહેતો. તેને એમ લાગે છે કે હું મારાં સાસરિયાંને બરાબર સાચવતી નથી એટલે તેમને ફરિયાદનો મોકો મળે છે. મારી મમ્મીનું દુ:ખડું ચાલુ થઈ જાય છે કે બેટા, આપણે થોડીક નબળી પરિસ્થિતિવાળાં છીએ એટલે થોડુંક સમાધાન કરી લેવાનું. મારા પપ્પા તો થોડા દિવસ પહેલાં ઘરે આવેલા અને મારાં સાસુ-સસરાની માફી માગીને ગયા. પોતાની દીકરીથી કંઈ ઊંચ-નીચ થઈ જાય તો મોટું મન રાખીને માફ કરી દેજો એવું કહેવા આવેલા. બહેન, આપણે ચારે બાજુએ સાચવીએ છતાં આપણી લાગણી તો કોઈ સમજે જ નહીં. હંમેશાં દીકરીના બાપનો હાથ જ નીચે રહે. મારા પતિને મેં કહી દીધું છે કે હવે કોઈ પણ વાત મારા પિયરમાં જઈને કરશો તો હું જ પિયર જતી રહીશ, પણ એવી ધમકીની કોઈ અસર નથી.

- નાલાસોપારા

જવાબ : તમારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થાય છે એ સમજી શકાય એવું છે. જોકે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં માત્ર તમારા પતિએ જ નહીં, તમારે પણ એક વાત સમજી લેવી જરૂરી છે. જીવન એ કોઈ સ્કૂલનો ક્લાસ નથી કે તમારી બેન્ચ પર બેસનાર સહાધ્યાયીએ કંઈ તોફાન કર્યું એટલે સીધા જઈને ટીચરને જઈને ફરિયાદ કરી આવીએ. લગ્ન એ બે પુખ્ત વયની સ્વતંત્ર વિચારધારા ધરાવતી વ્યક્તિઓનું સહજીવન છે. એમાં ક્યારેક મતભેદો પણ થાય.

તમે પણ નાની-નાની વાતે તેમનાં માબાપને જઈને ફરિયાદ કરો છો એવું જ હવે તેમણે કરવાનું શરૂ કર્યું છે. મતલબ કે હજીયે તમે બન્ને એકબીજાને પુખ્તવયનાં સમજતાં જ નથી. તેં મારા પપ્પાને કહીને મને વઢ ખવડાવી એટલે હવે હું તારા પપ્પાને કહી દઉં અને વઢ ખવડાવું. આ તો કેટલી બાલિશ વાત થઈ? તમારે પણ આવી બાબતે પોતાના કે તેમના પેરન્ટ્સને ફરિયાદ ન કરવી અને જો તેઓ તમારા પપ્પાને શિકાયત કરવા ફોન કરે તો એને નજરઅંદાજ કરવી. તમારા પપ્પાને કહી દેવું કે મારા ઘરની તકલીફો કોઈ તમને કહે તો ચિંતા કરવી નહીં, હું જાતે ફોડી લઈશ. તમારે પતિ-પત્નીએ બેસીને મતભેદોના ઉકેલ કે સમાધાન શોધતાં શીખવું પડશે. બીજાના પેરન્ટ્સને વચ્ચે ન ઘસડવાની શરૂઆત તમારાથી જ કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK