નાની દીકરીને ભણાવી શકાય એમ છે, પણ તેને એમાં રસ નથી

Published: 4th December, 2012 07:52 IST

ઘરની પરિસ્થિતિને કારણે તેના ઉછેરમાં જોઈએ એવી કાળજી રાખી શક્યાં ન હોવાથી કહ્યામાં નથી રહી. હવે તેને ભણવું જ નથી.(સવાલ સેજલને- સેજલ પટેલ)

સવાલ :
હું મધ્યમ વર્ગની છું. મારે એક છોકરો અને બે છોકરીઓ છે. નબળી તબિયતને કારણે પતિ છેલ્લાં બાર વરસથી ઘરે બેઠા છે. દીકરો મોટો હતો એટલે બારમાની પરીક્ષા પછી ભણવાનું છોડીને તે કમાવા લાગ્યો હતો અને ઘર સાચવી લીધું. તેની પાછળ જ મોટી દીકરીએ પણ કૉલેજના બીજા વરસથી જ ભણતરને અલવિદા કરીને પાર્ટટાઇમ નોકરી કરવાનું શરૂ કરી દીધું. ઘરમાં અમે ત્રણ જણ કમાતાં ત્યારે બે છેડા ભેગા થતા. હવે તો મોટાં દીકરા-દીકરી પરણી ગયાં છે અને છેલ્લી નાની દીકરીએ અગિયારમાની પરીક્ષા આપી છે. ઘરની પરિસ્થિતિને કારણે તેના ઉછેરમાં જોઈએ એવી કાળજી રાખી શક્યાં ન હોવાથી કહ્યામાં નથી રહી. હવે તેને ભણવું જ નથી. તે કહે છે, હું ઘરનું કામકાજ કરી લઈશ. પરણીને મારે ક્યાં કમાવા જવું છે? તેનાં મોટાં ભાઈ-બહેન ભલે ઝાઝું ભણ્યાં નથી, પણ તેમણે જીવનમાં કાળી મજૂરી કરી છે અને પછી અત્યારે બે પાંદડે થયાં છે. જ્યારે મારી આ નાની દીકરી ઘરમાંય કાચી છે અને ભણવામાં પણ. તેને ભણવામાં જરાય રસ જ નથી પડતો. નાની હોવાથી બધા તેને લાડપ્યારથી રાખે છે, પણ એ જ પ્રેમને કારણે તે અત્યારે સાવ ખોટી દિશામાં આગળ વધી ગઈ છે. ઊલટાનું કહે છે કે જો ભણવા માટે ફોર્સ કરશો તો ઘર છોડીને ભાગી જઈશ. બહેન, તમે જ તેને કંઈક સમજાવો.

 - ચેમ્બુર

જવાબ : કદાચ તમારા ઘરમાં બે મોટાં સંતાનોએ ભણવાનું છોડી દીધું અને છતાં કામધંધો કરીને લાઇફ થાળે પાડી દીધી એને કારણે આવું લાગ્યું હોઈ શકે. તમારી દીકરીને ભણવું નથી તો બીજું શું કરવું છે એ જાણવું જરૂરી છે. શું તેને બીજો કોઈ શોખ છે? કોઈ કળામાં આગળ વધવું છે? કે પછી ન ભણવું, ન કામ કરવું એવી આળસ ઘર કરી ગઈ છે?

જો તેને સ્કૂલ-કૉલેજના ભણતર કરતાં બીજું કંઈક ક્રીએટિવ કરવાનો શોખ હોય તો તેને એમ કરવા દેવું જોઈએ, પણ જો માત્ર આળસ જ હોય તો એ ચલાવી ન લેવાય. જોકે તમે દબાણ કરીને તેને ખાસ કંઈ ભણાવી પણ શકો એમ નથી, કેમ કે વિદ્યા ચડતી નથી, આપણે માથે ચડાવવી પડે છે. તમારી દીકરીને આ જરૂર વંચાવજો : ‘જો તું એમ માનતી હોય કે પરણીને જતી રહીશ એટલે તારે જીવનમાં પછી કશાની જરૂર નહીં રહે. પતિ કમાવી લાવશે અને તું ઘર સાચવીશ. આ ગુલાબી પરિકલ્પના સાચી પડે તો વાંધો નથી, પણ જેમ તારા પપ્પાની નબળી તબિયતને કારણે ઘરની આર્થિક સ્થિતિ ઠેબે ચડી ગઈ એવું તારા પતિ સાથે બનશે તો તું શું કરીશ? એ વખતે જો તું ભણેલીગણેલી હોઈશ તો તારામાં એક આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. ભણતર માત્ર પૈસા કમાવા માટે જ જરૂરી નથી;  ભણતર વ્યક્તિને વિચારવા, સમજવાની ક્ષમતા આપે છે. આ જ આળસ મોટી ઉંમરે પસ્તાવાનો પણ મોકો નહીં આપે. આજના જમાનામાં તો સારો, સમજુ પતિ મેળવવા માટે પણ થોડુંક ભણતર જરૂરી છે એટલું જરૂર યાદ રાખજે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK