(ગુજરાતી weds બિનગુજરાતી - ફાલ્ગુની જડિયા-ભટ્ટ)
આવી રીતે સુરતી યુવાન આનંદ પચીગર ને પંજાબી કુડી શ્વેતા ખુરાનાના અફેરની ઘરમાં ખબર પડેલી. જોકે પાછળથી બધા માની ગયા હતા અને શ્વેતા પણ આનંદના પરિવારમાં લસ્સી (દૂધ)માં સાકરની જેમ ભળી ગઈ.
સામાન્ય સમાધાન
આંતરજ્ઞાતીય લગ્ન વિશે આનંદ કહે છે, ‘ખરું પૂછો તો મુંબઈ જેવી મેટ્રોસિટીમાં આંતરજ્ઞાતીય લગ્ન જેવું કંઈ ખાસ હોતું નથી, કારણ અહીં આપણે જન્મથી જ મિક્સ ક્રાઉડ અને કલ્ચરથી ટેવાયેલા હોઈએ છીએ. એથી પોતાના વિચારો કે માન્યતાઓને વળગી રહેવા કરતાં જો થોડું લેટ ગો કરવાની તૈયારી રાખીએ તો ઍડ્જસ્ટમેન્ટનો મુદ્દો આપણે ધારીએ છીએ એટલો મોટો બને જ નહીં.’
શરૂઆત કૅઝ્યુઅલ દોસ્તીથી
ગ્રૅજ્યુએશન પછી પાર્લાની એનએમઆઇએસ કૉલેજમાંથી એમબીએનો સાથે અભ્યાસ કરતાં આ બન્ને પ્રેમમાં પડ્યાં હતાં ત્યારે તેમને પણ ખબર નહોતી કે ઘરવાળા આ બાબતે કેવો પ્રતિભાવ આપશે.
એ દિવસોને યાદ કરતાં શ્વેતા કહે છે, ‘આમ તો મારા પિતા ભીષમ્બર ખુરાના અને આનંદના પિતા શરદ પચીગર એક સમયે બિઝનેસ પાર્ટનર્સ હતા. એથી એકબીજાના ઘરે આવવા-જવાનું, એકબીજાના ઘરના પ્રસંગોએ હાજરી આપવાનું તો અમારા બાળપણથી ચાલુ હતું. એટલું જ નહીં, અમે તો બૅન્ગકૉક અને પટાયાની ટૂર પર પણ સાથે ગયાં હતાં. જોકે ત્યારે અમારી વચ્ચે કૅઝ્યુઅલ ફ્રેન્ડશિપથી વધુ કશું હતું નહીં. એ તો એમબીએનો અભ્યાસ કરતાં-કરતાં અમે એકબીજાને વધુ સારી રીતે ઓળખતાં થયાં અને નજીક આવ્યાં. બીજો મુદ્દો એ હતો કે ત્યારે અમારા બન્નેના ઘરવાળા અમારા માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા.’
નો અરેન્જ્ડ મૅરેજ પ્લીઝ
અહીં શ્વેતાની વાતમાં સૂર પુરાવતાં આનંદ કહે છે, ‘મારા ઘરવાળાઓએ તો મને ૧૨-૧૩ છોકરીઓ પણ દેખાડી હતી. એમાંની કેટલીક ખરેખર સારી પણ હતી, પરંતુ અંદરખાને કદાચ હું અરેન્જ્ડ મૅરેજના વિચારથી પૂરેપૂરો સહમત નહોતો. સાવ અજાણી વ્યક્તિને બે-ચાર વાર મળી તેની સાથે આખું જીવન જીવવાનો નિર્ણય લેવો મારા માટે ઘણો મુશ્કેલ હતો. એવામાં શ્વેતા સાથેનું મારું ટ્યુનિંગ મને વધારે કન્વિનિયન્ટ લાગ્યું. અમે બન્ને એકબીજાને ઓળખતાં હતાં, અમારા વિચારો મળતા હતા. વધુમાં તેની સાદગી અને માત્ર મારી જ નહીં, પરંતુ કોઈની પણ સારી મિત્ર બની જવાના તેના ગુણો મને ખૂબ સ્પર્શી ગયાં. એથી અમે આ સંબંધને અજમાવી જોવાનો નિર્ણય લીધો ઍન્ડ ઇટ રિયલી વર્ક્ડ ફૉર અસ.’
ઘરે વિરોધ
પરિણામે દોઢ વર્ષ સાથે રહ્યા પછી આનંદે પહેલ કરી ઘરે પોતાના પિતાને આ સંબંધની જાણ કરી. જાતમહેનતે ઉપર આવેલા, દુનિયાદારીનો બહોળો અનુભવ ધરાવનાર તેના પિતાએ પહેલી જ વારમાં આ સંબંધને સ્વીકારી લીધો. અલબત્ત, શ્વેતા પરજ્ઞાતિની હોવાથી મમ્મી રૂપાબહેન શરૂઆતમાં થોડાં અવઢવમાં હતાં, પરંતુ તેમને મન પણ દીકરાની ખુશીથી વધુ મૂલ્યવાન બીજું કશું નહોતું. જોકે શ્વેતાના ઘરવાળાનો પ્રતિભાવ તેમની ધારણા કરતાં ઘણો અલગ હતો.
આજે એ પ્રસંગને યાદ કરતાં આનંદ કહે છે, ‘મને લાગે છે કે આવી બાબતોમાં વાતની રજૂઆત કેવી રીતે થાય છે એ ઘણું મહત્વનું હોય છે. મેં જેમ પપ્પાને સામેથી વાત કરી એવી વાત કરવાની શ્વેતાના ઘરે અમને ક્યારેય તક જ મળી નહીં. બન્યું એવું કે એક દિવસ હું અને શ્વેતા ફોન પર વાત કરતાં હતાં ત્યાં અચાનક જ તેના ફાધરે તેને પકડી પાડી. અણધારી આવી પડેલી આ પરિસ્થિતિથી શ્વેતા એટલી ગભરાઈ ગઈ કે કેટલાય દિવસ સુધી તેણે ઘરમાં મારું નામ જ ન કહ્યું. ખૂબ આગ્રહ કરતાં તેણે જણાવ્યું કે તે છોકરો હું હતો, પરંતુ ત્યાં સુધીમાં તેમનો ગુસ્સો હદ વટાવી ગયો હતો. બીજી સમસ્યા એ પણ હતી કે એ દિવસોમાં હું અને શ્વેતાનો ભાઈ વિવેક ખૂબ સારા મિત્રો બની ગયા હતા અને રોજ એકબીજાને મળતા હતા. એથી તેને પણ અમે આ વાત છુપાવી હોવાનું ખૂબ માઠું લાગ્યું હતું. તેણે તો ત્યાં સુધી કહી દીધું કે શ્વેતા મારી સાથે લગ્ન કરશે તો તે ક્યારેય પોતાની બહેન સાથે વાત કરશે નહીં. વધુમાં આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ તો હતો જ. આવી પરિસ્થિતિ લગભગ ત્રણથી ચાર મહિના રહી અને બન્ને ઘરે તનાવ વધતો જઈ રહ્યો હતો.’
શ્વેતા અમારું બૉન્ડિંગ ફૅક્ટર
આખરે શ્વેતાનાં મમ્મી અને મામી એક દિવસ આનંદના ઘરે આવ્યાં અને તેનો પરિવાર તેમની દીકરીને ખુશ રાખવા બનતું બધું જ કરશે એવી બાંયધરી મળતાં લગ્ન માટે તૈયાર થયાં. હવે તેમનાં લગ્નને આઠ વર્ષ પૂરાં થવાની તૈયારીમાં છે અને તેમને ઓમ નામનો અઢી વર્ષનો દીકરો પણ છે.
લગ્ન પછીની વાતો કરતાં આનંદ કહે છે, ‘હવે શ્વેતા મારા ઘરમાં અમારા બધા વચ્ચેનું બૉન્ડિંગ ફૅક્ટર બની ગઈ છે. અમારાં લગ્ન પછી મારો નાનો ભાઈ પ્રશાંત ક્યારેક મોડો ઘરે આવતો અને પપ્પા તેના પર ગુસ્સે થતા તો શ્વેતા તેમને શાંત પાડતી. અરે, મારી નાની બહેન પારુલે તો પોતાના અફેરની વાત પણ સૌથી પહેલાં શ્વેતાને જ કરી હતી. આજે તો તે પરણીને પોતાના ઘરે જતી રહી છે, પરંતુ શ્વેતા પ્રત્યેનો તેનો પ્રેમ હજી પણ એવો જ છે. તેણે ફક્ત અમારા રીતરિવાજો જ નથી અપનાવ્યા, અમારા બધાના ચહેરા પર સ્મિત જળવાઈ રહે એની પૂરેપૂરી કાળજી પણ રાખી છે.’
30 જુલાઇએ રિલીઝ થશે ગંગુબાઈ કાઠિયાવાડી,પોસ્ટરમાં આલિયા ભટ્ટનો દળદાર લૂક
24th February, 2021 15:30 ISTવિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા હવે બન્યું 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'
24th February, 2021 13:42 ISTમાસિક ધર્મ સાથે જોડાયેલી પરંપરા પર પ્રકાશ પાથરશે ફિલ્મ 'માસૂમ સવાલ'
24th February, 2021 12:32 ISTઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું?ક્યારે અને કેવી રીતે લેવાય?
24th February, 2021 11:52 IST