ટીનેજર્સ, એનર્જી ડ્રિન્ક્સ પીતા હો તો આ ખાસ વાંચો

Published: 17th November, 2011 08:54 IST

અમેરિકાના ફ્લોરિડાની યુનિવર્સિટી ઑફ માયામીના રિસર્ચરોનું કહેવું છે કે નાની ઉંમરે આવાં પીણાં વધુ માત્રામાં લેવાય તો એનાથી વાઈ, સ્ટ્રોક, ડિપ્રેશન, મેનિયા જેવી મગજની તકલીફો થવાનું રિસ્ક વધી જાય છે(સેજલ પટેલ)

એનર્જી ડ્રિન્ક્સની ફૅશન માત્ર યંગસ્ટર્સમાં જ વધી નથી, તેમનું જોઈને ૧૫ વર્ષથી નાનાં બાળકો પણ છૂટથી આવાં પીણાં પીવા લાગ્યાં છે. આ પીણાં ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટ કરવા માટે જાણીતાં છે. પશ્ચિમના દેશોની વાત ન કરીએ તો ભારતમાં ૨૮ ટકા એનર્જી ડ્રિન્ક્સ ૧૧થી ૧૫ વર્ષનાં બાળકો પીએ છે. મોટા ભાગે સ્પોટ્ર્સ સાથે સંકળાયેલાં બાળકોમાં એનું ચલણ વધારે છે. લાંબો સમય પ્રૅક્ટિસ કરી શકાય અથવા તો થાક લાગ્યો હોવા છતાં રમી શકાય એ માટે એનર્જી ડ્રિન્ક્સ વપરાય છે. જો તમે પણ તમારાં દીકરા-દીકરીને એનર્જી ડિન્ક પીવડાવતા હો તો ચેતી જવા જેવું છે; કેમ કે એનાથી પફોર્ર્મન્સ સુધરે કે ન સુધરે, બાળકના મગજને ડૅમેજ થઈ શકે એવી શક્યતાઓ ખૂબ વધારે છે.

વધુપડતું કૅફીન અને હર્બ્સ

તાજેતરમાં પીડિયાટ્રિક્સ નામના અમેરિકન જર્નલમાં પબ્લિશ થયું છે કે આવાં પીણાંઓમાં કોમળ શરીર ન ખમી શકે એટલી હદનું કૅફીન ભરેલું હોય છે. એની સાથે ટૉટ્રિન અને જિન્સેન્ગ જેવાં ઉત્તેજક ગણાતાં હર્બ્સનું પ્રમાણ પણ ખૂબ મોટી માત્રામાં હોય છે. આ તમામ ચીજો સૂક્ષ્મ માત્રામાં વપરાય તો એ દવા બની શકે છે, પરંતુ વિપુલ માત્રામાં એકસામટી લેવાથી મગજ પર માદક કહી શકાય એવી માઠી અસર કરે છે. જર્નલમાં થયેલા દાવા અનુસાર ઉત્તેજક પીણાંઓ વધુપડતાં લેવાને કારણે બાળકોમાં વાઈ, મેનિયા (પાગલપણું), સ્ટ્રોક જેવા રોગો થઈ શકે છે અને કેટલાક કિસ્સામાં તો અચાનક મૃત્યુ પણ નોંધાયાં છે.

એનર્જી ડ્રિન્ક્સ શું છે?

નામ મુજબ સમજીએ તો એનર્જી આપે એવાં પીણાં. આ પીણાંના ચાર-પાંચ ઘૂંટ પીતાની સાથે જ બૉડી એનર્જીથી રીચાર્જ થઈ જાય છે. અલબત્ત, એમાં સિમ્પલ શુગર ખૂબ મોટી માત્રામાં હોય છે ને સાથે સ્ટિમ્યુલન્ટ્સ એટલે કે મગજને ઉત્તેજે એવા પદાથોર્ હોય છે. એનાથી થાકેલું મગજ એકદમ સતેજ થઈ જાય છે. કેટલાંક એનર્જી ડ્રિન્ક્સમાં મગજની ક્ષમતાઓને સુધારતાં વિટામિન્સ હોવાનો દાવો પણ થાય છે. એમાં જિન્કો બિલોબા નામનું જૅપનીઝ ઉત્તેજક હર્બ અને એની સાથે કૅફીન અને શુગર હોય છે.

એનર્જી ડ્રિન્ક્સમાં લેટેસ્ટ શૉર્ટ-શૉટ નીકળ્યા છે. એટલે કે એમાં ખૂબ ઓછા લિક્વિડમાં કૅફીન અને હર્બ્સનું હાઈ કૉન્સન્ટ્રેશન હોય છે. આ પ્રકારનાં પીણાં પીવાથી ૩૦-૪૦ મિનિટ પછી પીક પર અસર દેખાડે છે.

હાર્ટની બીમારી પણ લાવે

ફ્લોરિડાની યુનિવર્સિટી ઑફ માયામીના બાળવિભાગના રિસર્ચરોનું કહેવું છે કે જો વારેઘડીએ અનિયંત્રિત માત્રામાં કૅફીન અને ઉત્તેજક હર્બ્સ લેવામાં આવે તો એનાથી ખૂબ જ ખરાબ અસર મગજ પર પડી શકે છે. વધુ કૅફીનને કારણે બ્લડ-સક્યુર્લેશનમાં અનિયમિતતા આવે છે અને એટલે એની સીધી અસર હાર્ટ પર પડી શકે છે.

મૂડ પર અસર

ઉત્તેજક પદાથોર્ થોડા જ વખત માટે કામ કરે છે. અમુક સમય પછી એની અસર ઓસરી જાય છે. એ પછી વ્યક્તિ પહેલાં કરતાં વધુ થાક અને ઉદાસી અનુભવે છે. યુનિવર્સિટી ઑફ માયામીના રિસર્ચરોનું કહેવું છે કે એનર્જી ડ્રિન્ક્સ ઍડિક્ટિવ હોય છે અને એની મૂડ પર પણ સીધી અસર પડે છે.

કોણે ન જ લેવાય?

 • ૧૬ વર્ષથી નાના ટીનેજર્સ
 • પ્રેગ્નન્ટ મહિલાઓ
 • ડાયાબિટીઝ, હાઇપરટેન્શન અને હેપેટાઇટિસના દરદીઓ
 • કિડનીની તકલીફ હોય
 • ડિપ્રેશન કે એના જેવા મેન્ટલ કે ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર્સ હોય


પુખ્ત વયના લોકોમાં આડઅસર

 • એનર્જી ડ્રિન્ક્સ લાંબો સમય પીવાથી નર્વસનેસ વધે છે, અકળામણ રહ્યા કરે છે.
 • ખૂબ તરસ લાગે છે અને વારંવાર યુરિન પાસ કરવા જવું પડે છે.
 • હાર્ટની રિધમ ખોરવાતાં બ્લડપ્રેશર વધે છે અને હાર્ટબીટ્સ અનિયમિત થાય છે.
 • ડિપ્રેશન અને મૂડ ડિસઑર્ડર્સનું પ્રમાણ વધે છે.
 • એનર્જી ડ્રિન્ક્સ લેવાનું છોડી દેતાં વ્યસન છોડવાથી જે વિડ્રૉઅલ સિમ્પ્ટમ્સ આવે છે એવાં લક્ષણો દેખાય છે
 • પ્રેગ્નન્સી દરમ્યાન વારંવાર એનર્જી ડ્રિન્ક્સ લેવામાં આવે તો સમય કરતાં વહેલાં લેબરપેઇન ઊપડે છે અને બાળક સંપૂર્ણપણે વિકસ્યું ન હોવા છતાં ડિલિવરી થઈ શકે છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK