સોશિયલ સાયન્સ-શંકા, કુશંકા અને લઘુશંકા

Published: Aug 23, 2019, 15:18 IST | સોશ્યલ સાયન્સ, રશ્મિન શાહ | મુંબઈ

શંકા ક્યારેય જીવવા નથી દેતી, કુશંકા શાંતિથી મોત નથી આપતી અને લઘુશંકા ક્યારેય ચેનથી બેસવા નથી દેતી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

એકસમાન એવા આ ત્રણ શબ્દને ઓળખવાની જરૂર છે. શંકા ક્યારેય જીવવા નથી દેતી, કુશંકા શાંતિથી મોત નથી આપતી અને લઘુશંકા ક્યારેય ચેનથી બેસવા નથી દેતી અને એટલે જ આ શંકાઓને ક્યારેય આસપાસમાં ફરકવા ન દેવા કે ઘર ન કરવા દેવા
બહુ સાચું છે આ. અડધોઅડધ સંબંધો શંકાના કારણે લાગણીનું, પ્રેમની ઉષ્માનું બાષ્પીભવન કરી નાખે છે. પચીસ ટકા સંબંધોમાં કુશંકા ઘર કરે છે અને એ કુશંકા સંબંધોનું નિકંદન કાઢી નાખે છે અને ત્રીજા નંબરે આવતી લઘુશંકા, લઘુશંકા હંમેશાં બધું છોડીને દોડતા કરી દે છે. ત્રણમાંથી એકને પણ અકબંધ રાખવામાં આવે એવી આવશ્યકતા નથી. લઘુશંકાને ક્યારેય રોકવી નહીં એવું મેડિકલ એક્સપર્ટ્ સ કહે છે તો શંકા અને કુશંકા ક્યારેય મનમાં પેદા ન થવા દેવી એવું રિલેશન એક્સપર્ટ્સ કહે છે અને એ પછી પણ આપણે એ બન્નેની વાતને માનવા કે જીવનમાં ઉતારવા રાજી નથી. ખોટું નથી એમાં પણ, માનવસહજ સ્વભાવ છે. સહજ રીતે મનમાં શંકા-કુશંકા જન્મે, પણ એ જન્મે ત્યારે એને વિચારોનું ઈંધણ આપીને આગમાં ફેરવવાનું કામ ન કરીએ એટલું તો આપણે કરી જ શકીએ. બહુ મહત્ત્વનું એક સૂચન છે, શંકાને ક્યારેય બળવતર બનાવવી નહીં. શંકા જ્યારે પણ બળવત બને ત્યારે શાંતિથી બેસીને એક વાર વિચારવું કે આપણા માટે મહત્ત્વનું શું છે, શંકા કે પછી સંબંધો?
તમે માનશો નહીં પણ સાહેબ, અડધોઅડધ હા, અડધોઅડધ સંબંધો આ શંકાને કારણે લાગણીની અને પ્રેમની ઉષ્મા ગુમાવી દે છે અને એ પછી પણ આપણે મનમાં પેસી ગયેલી પેલી શંકા સાથે પાંચિકા રમ્યા કરીએ છીએ. જરૂરી નથી. જો સંબંધો મહત્ત્વના હોય, વ્યક્તિ મહત્ત્વની હોય, તેનું સ્થાન જીવનમાં અનિવાર્ય હોય તો શંકાનું લાલનપાલન કરવાની કોઈ આવશ્યકતા જ નથી. વ્યક્તિને સાચવી રાખોને ભલા માણસ, શંકા આપોઆપ મનમાંથી નીકળવાનું કામ કરી લેશે. પણ ના, શંકા મનમાંથી નીકળતી નથી અને જેમ ભરાયેલું પાણી લાંબો સમય અકબંધ રહે તો એમાં મચ્છર પેદા થાય એવી જ રીતે લાંબો સમય સુધી મનમાં ભરાયેલી શંકામાં કુશંકાનો જન્મ થતો હોય છે. કુશંકા સંબંધોનું શ્વસન અટકાવવાનું કામ કરવાને સમર્થ છે. કુશંકા સંબંધોને કૅન્સરગ્રસ્ત કરવાને સક્ષમ છે. કુશંકા સંબંધોને ભરખી જવાની તાકાત ધરાવે છે. નક્કી તમારે કરવાનું છે. તમને શું જોઈએ છે; મનમાં રહેલી શંકા-કુશંકા કે પછી વ્યક્તિ જે તમને ગમતી છે, જે તમારી પ્રિય છે. કોને સાથે રાખવા માગો છો, મનમાં આવેલા વિચારોના એ નકારાત્મક વલણને કે પછી તમારા પોતાના પ્રિયજનને.
આ પ્રશ્ન સાથે એક જ વાત વિચારવાની છે. ધારો કે તમારી શંકા સાચી હોય તો પણ વધુમાં વધુ શું થવાનું છે, તમારી વ્યક્તિ તમને છોડી દેશે એ જને? પણ ધારો કે એવું હશે તો પણ તમારી શંકાથી શું પરિણામ આવવાનું છે? છોડવાની પ્રક્રિયા વધારે કડચી બનશે, વધુ કડવી બનશે અને એ વધુ પીડાદાયી બનશે અને સાથોસાથ એ પણ સમજો કે જો છોડવાની પ્રક્રિયા નહીં થવાની હોય તો મનમાં ભરાયેલી શંકાના પરિણામે જન્મેલી કુશંકા એ દિશામાં સંબંધોને ધકેલી દેશે. અરે, કોઈ તમને પ્રેમ કરે કે ન કરે, કોઈને તમારા વિના ચાલે કે ન ચાલે, શું ફરક પડવાનો છે તમને? સંબંધો કંઈ શરતી આદાનપ્રદાન નથી કે એક હાથ ‌િદ‌યાે ઔર દૂસરે હાથ ‌િલ‌યાે. તમને શંકા ન જન્મે એવા વાતાવરણ વચ્ચે પણ છોડીને જનારાઓ સહજ રીતે છોડીને ગયા છે તો પછી શંકા જન્માવીને, કુશંકાને મનમાં રાક્ષસ બનાવીને શું કામ છોડવાની દિશાને વધારે બળવત અને મજબૂત
બનાવવી છે?
જ્યાં જુઓ ત્યાં શંકા, જેને જુઓ તેના પર શંકા. એક નગ્ન વાસ્તવિકતા છે કે આપણા દેશમાં પૉપ્યુલેશન જેટલું છે એના કરતાં પાંચથી સાતગણી વધારે શંકાઓ છે. શંકા જન્મે એ સમયે એનું નિરાકરણ આવવું જોઈએ. બહુ સાચી અને સરળ વાત છે, પણ એ શંકાનું નિરાકરણ ન આવે તો એને રમાડવાને બદલે તિલાંજ‌િલ‌ આપવાની જવાબદારી તમારી પોતાની પણ છે. જો વ્યક્તિ તમારી હોય તો, જો એ સંબંધની તમને આવશ્યકતા હોય તો, જો એ વ્યવહાર તમારા માટે અનિવાર્ય હોય તો.
ન બોલવું કે સંબંધો તોડવા એ કોઈ વિશ્વયુદ્ધ નથી. ના, નથી જ નથી, પણ એની સામે ન બોલવું કે પછી સંબંધો તોડી નાખવા એ કોઈ વિશ્વશાંતિની પ્રક્રિયા પણ નથી જ નથી. જરા વિચાર તો કરો, જગતમાં સાડાસાત અબજ લોકો જીવી રહ્યા છે, એ સાડાસાત અબજમાં તમારે સંબંધ હોય એવા કેટલા લોકો? પાંચ, પચાસ, પાંચસો? આટલી વ્યક્તિઓ સાથેના સંબંધોમાં પણ તમને જો શંકા જન્મતી હોય તો સૉરી, પણ ક્યાંક અને ક્યાંક તમને પણ તમારા મૂલ્યાંકનની આવશ્યકતા છે ખરી અને એ કરવામાં આવે તો એમાં કંઈ ખોટું પણ નથી. વીકમાં રજાનો એક દિવસ જ્યારે પણ નક્કી થયો ત્યારે એનો ઇતિહાસ જુદો હતો. એ દિવસ પરિવાર સાથે રહેવાના હેતુથી ડિઝાઇન થયો જ નહોતો. એ તો છેલ્લા પાંચ દશકમાં લાઇફ વધારે ફાસ્ટ થવા માંડી એટલે પરિવારની વાત એમાં ઘુસાડી દેવામાં આવી છે બાકી હકીકત તો એ જ હતી કે એ રજાનો દિવસ આત્મમૂલ્યાંકન માટે હતો. તમે જે દિશામાં જઈ રહ્યા છો એ દિશા સાચી છે કે નહીં, તમે જે કામ કરો છો એ કામમાં તમારો વિકાસ સચવાયેલો છે કે નહીં, તમારી રીતભાત, તમારી અવસ્થા, તમારાં વાણી-વર્તન વાજબી છે કે નહીં અને આવી જ બીજી બધી વાતોના મૂલ્યાંકન માટે તમને એક દિવસ આરામ આપવામાં આવતો. પણ હવે, હવે એ રજાનો ઉપયોગ પણ મનમાં રહેલી શંકા અને એ શંકાના અનૌરસ સંતાન સમાન કુશંકાને રમાડવામાં પસાર થાય છે.

આ પણ જુઓઃ ઓનસ્ક્રીન સાસુૃ-વહુ 'તોરલ-મોંઘી'એ આ રીતે મનાવ્યું વેકેશન

અટકી જજો, સુધરી જજો અને મનમાં એક વાત સ્ટોર કરી લેજો. જે જવાનું છે એ જશે, તમારી શંકાઓ પણ એને અટકાવી નહીં શકે અને એનાથી ઊલટું જે રહેવાનું છે, કાયમ સાથ આપવાનું છે તેના પર શંકા કરીને કંઈ મેળવી નથી લેવાનું.
caketalk@gmail.com

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK