છોકરાના પેરન્ટ્સને વાંધો હોવાથી લગ્નની વાત ટાળ્યાં કરે છે તો અમે ભાગીને લગ્ન કરીએ એમાં શું ખોટું?

Published: 5th November, 2012 06:30 IST

હું ૨૪ વર્ષની છું. છેલ્લાં પાંચ વરસથી એટલે કે કૉલેજમાં હતી ત્યારથી મારો બૉયફ્રેન્ડ છે. છેલ્લાં બે વરસથી અમારા બન્નેના પરિવારો વચ્ચે વાતચીત પણ ચાલે છે.


(સવાલ સેજલને - સેજલ પટેલ)


સવાલ : હું ૨૪ વર્ષની છું. છેલ્લાં પાંચ વરસથી એટલે કે કૉલેજમાં હતી ત્યારથી મારો બૉયફ્રેન્ડ છે. છેલ્લાં બે વરસથી અમારા બન્નેના પરિવારો વચ્ચે વાતચીત પણ ચાલે છે. તેના પેરન્ટ્સને જ્ઞાતિબાધનો વિરોધ છે. મારા પેરન્ટ્સ મારી ખુશી માટે બધું ચલાવી લેવા તૈયાર છે, પણ તેમની એક જ શરત છે જો છોકરાના પેરન્ટ્સ લગ્નની હા પાડે તો જ મારે લગ્ન કરવાં, બાકી નહીં. પહેલાં તો તેના પેરન્ટ્સે કહેલું કે છોકરો પગભર થઈને કમાતો થઈ જાય પછીથી લગ્ન કરીશું. મારા બૉયફ્રેન્ડને સારી નોકરી મળી ગઈ છે અને હવે તો સેટલ છે. જોકે એ છતાં તેઓ કંઈ મચક નથી આપતા. મારા પેરન્ટ્સ તેના પેરન્ટ્સને મળવા જાય ત્યારે કંઈ ને કંઈ બહાનાં કાઢે છે. મારો બૉયફ્રેન્ડ કહે છે કે જો પેરન્ટ્સ ના પાડે તો પણ આપણે સાથે જ રહીશું, ભાગીને લગ્ન કરી લઈશું; પણ તેના પેરન્ટ્સ તો ચોખ્ખી ના પણ નથી પાડતા. તેના સમાજની બીજી છોકરીઓ માટે તેઓ છાને ખૂણે વાત આગળ વધારી રહ્યા છે એવા ન્યુઝ પણ મને મળ્યાં છે. મને સમજાતું નથી કે અમારે હવે તેમના જવાબની કેટલી રાહ જોવી? મારો બૉયફ્રેન્ડ તો ઘર છોડીને ભાગીને લગ્ન કરી લેવા માટે તૈયાર છે, પણ શું એમ કરવું જોઈએ? બન્નેના પરિવારની બદનામી ન થાય એ માટે અમે તેના પેરન્ટ્સને બે વરસથી સમજાવીએ છીએ, પણ કેમેય નથી માનતા ત્યારે જો અમે ભાગી જઈએ તો શું એ ખોટું કહેવાય? 

- દાદર

જવાબ : ભાગીને લગ્ન કરી લેવાનું સહેલું છે, પણ પેરન્ટ્સને સમજાવીને લગ્નગ્રંથિથી જોડાવામાં લાંબા ગાળે જે શાંતિ અને સુખ પ્રાપ્ત થશે એ ભાગવામાં નહીં મળે. તમે આ નિર્ણય લેતાં પહેલાં બે ઘડી શાંતિથી વિચારી રહ્યા છો એ ખૂબ જ સારી વાત છે, પણ તમે ભાગ્યા પછી શું કરશો એ વિશે વિચાર્યું છે? છોકરાનાં માબાપ તો રાજી છે નહીં તો તમે રહેશો ક્યાં?

હજી બે-અઢી વરસ પહેલાં નોકરીની શરૂઆત કરી છે ત્યારે શું તમે બન્નેએ  એકલા હાથે ભાડાના ઘરમાં નવી દુનિયા વસાવવાની તૈયારી કરી છે કે પછી તમને લાગે છે કે એક વાર લગ્ન થઈ જશે એટલે પેરન્ટ્સ તમને સ્વીકારી લેશે?

તમે જે વર્ણન કર્યું છે એ પરથી લાગે છે કે બૉયફ્રેન્ડના પેરન્ટ્સને કોઈક વાતે તકલીફ છે, પણ ચોખ્ખું કહી શકતા નથી. હવે જ્યારે બન્નેના પેરન્ટ્સ વચ્ચે વાતચીત થાય એવી સિચુએશન આવી જ ગઈ છે તો તમે બન્ને જણ ભેગા થઈને શા માટે ઘરનાઓને તમારો નિર્ણય જણાવી નથી દેતા? જાતે જ પંડિતને બોલાવીને લગ્નની તારીખ નક્કી કરવાની તૈયારી કરશો એટલે તરત જ જો તેમને કોઈ વાંધો હશે તો એ બહાર આવશે. નાની-મોટી વાતોની તકલીફો છતાં જો તમે બન્ને મક્કમ રહેશો અને તમારાં લગ્નની જાતે જ આગેવાની લેશો તો જરૂર ભાગ્યા વિના બન્નેના પેરન્ટ્સની સહમતિથી લગ્ન કરી શકશો.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK