દીકરાને ભણવામાં રુચિ નથી; પેરન્ટ્સ તો જાણે ગમતા જ નથી, સુધારવા શું કરવું?

Published: 2nd November, 2012 05:50 IST

હું મધ્યમવર્ગીય ૫૧ વર્ષનો નોકરિયાત માણસ છું. પત્ની ટ્યુશન કરે છે. અમારે ૧૮ વરસનો એક દીકરો છે. તે ભણવામાં હોશિયાર છે ને એસએસસીમાં ૮૮ ટકા માર્ક્સ સાથે પાસ થયેલો.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું મધ્યમવર્ગીય ૫૧ વર્ષનો નોકરિયાત માણસ છું. પત્ની ટ્યુશન કરે છે. અમારે ૧૮ વરસનો એક દીકરો છે. તે ભણવામાં હોશિયાર છે ને એસએસસીમાં ૮૮ ટકા માર્ક્સ સાથે પાસ થયેલો. એ પછી સીપીટીમાં પણ રૅન્કર થયેલો, પણ છેલ્લા એક વરસથી ખરાબ ફ્રેન્ડસર્કલને કારણે ખોટા રવાડે ચડી ગયો છે. સ્મોકિંગ કરે છે ને ક્યારેક ડ્રિન્ક પણ લે છે. આઇપીસીસીની પરીક્ષામાં ફેલ થયો. એ પહેલાં મીઠીબાઈ કૉલેજમાં પ્રોજેક્ટ સબમિટ ન કર્યો હોવાથી ફેલ થયો. અમે ધમકાવીએ તો સુસાઇડની ધમકી આપે છે. બે વાર પ્રયત્ન પણ કરી ચૂક્યો છે. અતિશય જુઠ્ઠું બોલે છે ને વાતે-વાતે ગુસ્સો કરે છે. મારી વાઇફ જોડે તો ખૂબ જ ખરાબ રીતે વાત કરે છે એટલે તેને ડિપ્રેશન આવી ગયું છે. દીકરાને હમણાં ફરી આઇપીસીસી માટે સેકન્ડ ટ્રાયલ આપવી છે ને કહે છે કે આ વખતે ૧૦૧ ટકા ક્લિયર કરીશ જ, પણ તેનું ભણવામાં ધ્યાન છે જ નહીં. અમારે ભણવા બેસાડવો પડે છે ને એ તેને કરવું નથી. ફક્ત ફ્રેન્ડ્સને મળવા જવાનું ગમે છે. ભણવા પ્રત્યે જરાય રુચિ નથી; માત્ર ફ્રેન્ડ્સ, ટીવી, પિક્ચર, કમ્પ્યુટર અને મોબાઇલ પાછળ ગાંડો છે. અમે સતત ટેન્શનમાં છીએ. તેને ભણાવવો કે નહીં? આજના સમયમાં ભણવા સિવાય કોઈ રસ્તો જ નથી. તેને પેરન્ટ્સ તો બિલકુલ ગમતા જ નથી. અમે ઘણા લાડકોડથી મોટો કર્યો છે ને બનતી તમામ ઇચ્છાઓ પૂરી કરી છે.

- મલાડ

જવાબ : ટીનેજમાં સંતાનો બગાવતખોર બની જાય ત્યારે ખૂબ કાળજીપૂર્વક કામ લેવું જરૂરી બની જાય છે. ટીનેજમાં સલાહ કે આદેશ નથી ગમતા, પણ માબાપ એ જ સમયે તેને શું કરવું જોઈએ અને શું નહીં એની સલાહો આપતાં રહે છે ને બન્ને વચ્ચે ખાઈ રચાય છે. જો જલદીથી કોઈક પગલાં લેવામાં ન આવે તો આ ખાઈ વધુ ને વધુ પહોળી થતી જાય છે. જુવાન લોહી હોવાથી કંઈ પણ ખોટું કરી નાખતાં જરાય ખચકાટ પણ નથી થતો. મતલબ કે તમે જેટલો વધુ કન્ટ્રોલ રાખશો અને તેને શું કરવાનું છે ને શું નહીં એની પાબંદીઓ સેટ કરશો તો તેની સ્પ્રિંગ વધુ ઊછળશે.

તેને મિત્રો ગમે છે મતલબ કે મિત્ર જેવું વર્તન કરે એવા લોકો ગમે છે. તેના પિતા બનવાને બદલે તમે પોતે મિત્ર કેમ બની નથી જતા? તેની સાથે બેસીને તમે ક્યારેય મૂવી જુઓ છો? નહીં? તો શરૂ કરો. મિત્રોને મળતો હોવાથી ઘરમાંથી બહાર ન જવા દેવો એ કોઈ ઉકેલ નથી. તું ભણીશ નહીં તો જીવનમાં શું કરીશ એવું કહીને ટોકવાની જરૂર નથી. તેને માત્ર એટલું જ કહો કે જો આ પરીક્ષામાં ફેલ થયો તો આગળ ભણવાનું બંધ ને જો ખરેખર તે ન ભણે તો ભણવાનું બંધ કરાવી દો. તેની નાની-નાની ભૂલોને માફ કરીને તેને નવી તકો આપતા રહેશો તો તે તમને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવા લાગશે. એટલે જ પહેલાં તો તેને પોતાના જીવનની બાબતો નક્કી કરવા માટે મિત્ર બનીને સ્વતંત્રતા આપો ને પછી જો તે એ મુજબ ન વર્તે તો પેરન્ટ બનીને કડક થાઓ. ઘડાને ઘાટ આપવા માટે કુંભાર માટીને પગથી ગૂંદે પણ છે અને પછી હાથેથી થપથપાવે પણ છે. બેમાંથી કોઈ પણ એક જ ચીજ કરવાથી ઘડો બનતો નથી.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK