બાળપણમાં જેની સાથે સગાઈ થયેલી તે છોકરી મને નથી ગમતી, શું કરવું?

Published: 9th October, 2012 05:47 IST

હું ૨૩ વર્ષનો છું. અમારી જ્ઞાતિમાં ખૂબ નાની વયે સગાઈ થઈ જાય અને પછી પરિવારો લગ્નના બોલે બંધાઈ જાય એવો રિવાજ છે.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૨૩ વર્ષનો છું. અમારી જ્ઞાતિમાં ખૂબ નાની વયે સગાઈ થઈ જાય અને પછી પરિવારો લગ્નના બોલે બંધાઈ જાય એવો રિવાજ છે. મારી સગાઈ પણ હું ૬-૭ વરસનો હતો ત્યારે જ થઈ ગયેલી. ૧૦-૧૨ વરસની ઉંમરે અમારો પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો. મને તો ખબર પણ નહોતી કે મારાં લગ્ન કોની સાથે નક્કી થયાં છે. હું કૉલેજમાં આવ્યો ત્યારે મારા પપ્પાએ કહેલું કે તારી સગાઈ ઑલરેડી થઈ ચૂકી છે એટલે બહાર કોઈની સાથે લફરાં ન કરવાનો હોય તો જ તને કૉલેજ ભણાવીશ. બાકી તેમની દુકાનમાં મારે એ જ વખતથી બેસી જવાનું હતું. મેં તેમની વાત માની લીધી અને કૉલેજ શરૂ કરી. હું ૨૧ વરસનો થયો ત્યારે મને તે છોકરી બતાવવામાં આવી જેની સાથે મારી સગાઈ થયેલી. અત્યાર સુધી હું મન મનાવી લેવાનો હતો, પણ તેને જોઈને હું નિરાશ થઈ ગયો. તે ઠીંગણી અને જાડી છે જ્યારે હું ઊંચો. હીરો જેવો હૅન્ડસમ તો ન કહેવાઉં પણ બૉડી બાબતે હું ખૂબ કાળજી રાખું છું. તે બીએસસી સુધી ભણેલી છે અને હવે ઘરમાં જ સિલાઈકામ કરે છે. યાર, વાઇફ દેખાવમાં તો થોડી ઠીકઠાક હોવી જોઈએને?

ખબર નહીં કેમ, પણ તેને જોયા પછી મારું મન તેની સાથે લગ્ન કરવા હરગિજ તૈયાર નથી. બે વરસથી હું લગ્નની વાત ટાળી રહ્યો છું. મારા પેરન્ટ્સ મને ઇમોશનલ બ્લૅકમેઇલિંગ કરે છે. ક્યારેક હું તેમની વાતોમાં વહી જાઉં છું અને લાગે છે કે મારે તેમની આબરૂ સાચવી લેવી જોઈએ. પણ પછી તરત થાય છે કે તેમની આબરૂ સાચવવામાં હું મારી જિંદગી બરબાદ કરી નાખીશ. હું શું કરું?

- વસઈ રોડ

જવાબ : તમારી લાગણી એકદમ વાજબી છે. પેરન્ટ્સનું માનવું કે મનનું એ અવઢવ કાંઈ નાનીસૂની વાત નથી. લગ્ન એ જીવનભરનો સંબંધ છે, એ દિલથી નિભાવવામાં ન આવે તો સંબંધ કાયમનું ભારણ બની જાય. જોકે એક વાત સમજવી જરૂરી છે કે કોઈ પણ સંબંધમાં એકમેકના દેખાવ, સોશ્યલ સ્ટેટસ કે પ્રોફેશનને માપવાની નહીં, પરંતુ વ્યક્તિના આંતરિક વિશ્વને સમજવાની જરૂર હોય છે. પેલી છોકરી ટૂંકી છે માટે તેની સાથે લગ્ન નથી કરવાં એ બહુ છીછરી વાત છે. એ તમારી અંગત પસંદગી છે એટલે એમાં કાંઈ ખોટું નથી, પરંતુ તમારે લગ્ન બાબતે થોડી ગહેરી વિચારધારા કેળવવાની જરૂર છે. પેરન્ટ્સને ખોટું ન લાગે એ માટે તેમણે નક્કી કરેલી છોકરી સાથે લગ્ન કરી લેવાથી આજની સમસ્યા ટળશે, હંમેશની નહીં. જોકે તમે સગાઈ મંજૂર નહીં રાખો એનાથી પેલી છોકરીને પણ ખરાબ લાગશે. મને લાગે છે કે તમારે પેરન્ટ્સને સંભાળવાની સાથોસાથ પેલી છોકરીને પણ સમજાવવી પડશે. તમે જીવનસાથી બની શકો એમ નથી, પણ તેની સાથે કોઈક કારણસર જે ખાસ સંબંધો બંધાયા છે એની રૂએ પણ તે આ સગાઈ તૂટવાની વાતને સ્વસ્થતાથી પચાવીને જીવનમાં આગળ વધી શકે એવું તમારે કરવું પડશે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK