Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > એચઆઇવી ઇન્ફેક્શન કાબૂમાં રાખવા શું કરવું?

એચઆઇવી ઇન્ફેક્શન કાબૂમાં રાખવા શું કરવું?

01 December, 2011 07:49 AM IST |

એચઆઇવી ઇન્ફેક્શન કાબૂમાં રાખવા શું કરવું?

એચઆઇવી ઇન્ફેક્શન કાબૂમાં રાખવા શું કરવું?




(સેજલ પટેલ)





એઇડ્સના રોગનું નામ જ માનવજાતને થથરાવી નાખવા માટે પૂરતું છે. થોડાં વષોર્ પહેલાં કૂદકે ને ભૂસકે વધી રહેલા આ રોગને નાથવાના છેલ્લાં આઠેક વરસથી અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. આ ક્ષેત્રમાં રિસર્ચવર્ક પણ ઘણું થયું છે. એને પગલે એચઆઇવીનો ફેલાવો કાબૂમાં આવી રહ્યો હોય એવું મુંબઈના આંકડાઓ પરથી લાગે છે. મુંબઈ ડિસ્ટ્રિક્ટ એઇડ્સ કન્ટ્રોલ દ્વારા એકઠા કરવામાં આવેલા અભ્યાસના આંકડાઓ મુજબ ૨૦૦૭માં મુંબઈમાં ૫૨૪૦ નવા દરદીઓ નોંધાયા હતા અને આ વર્ષે ઑક્ટોબર મહિના સુધીમાં માત્ર ૫૯૫ નવા દરદીઓ નોંધાયા છે. એઇડ્સને કારણે ૨૦૦૭માં ૨૩૩ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૨૦૧૦માં માત્ર ૧૫ જણ એઇડ્સને કારણે મૃત્યુ પામ્યા છે. એનો મતલબ કે મૃત્યુ દરમાં ૮૮.૬૪ ટકા ઘટાડો નોંધાયો છે. 

છેલ્લાં પાંચ વરસથી એઇડ્સના પ્રિવેન્શન માટે જે જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે અને સાથે એ માટેની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ થઈ છે. એને કારણે એચઆઇવીનો ફેલાવો ઘટી રહ્યો છે અને સાથે જ એચઆઇવી પૉઝિટિવ દરદીઓનો જીવનકાળ પણ લંબાઈ રહ્યો છે. જોકે આ સમયે હજી રોગ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવ્યો. વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે એઇડ્સ અને એચઆઇવી ઇન્ફેક્શન શું છે તથા એ કેવી રીતે લાગી શકે છે એ વિશે જાણો.



એચઆઇવી અને એઇડ્સ

એનું આખું નામ છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાઇરસ. માનવશરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કરીને કોષોમાં ઇન્ફેક્શન લગાડી શરીરની રોગો સામે લડવાની શક્તિ હણી નાખતા વાઇરસ એટલે એચઆઇવી.

એઇડ્સનું પહેલું પગથિયું છે બ્લડમાં એચઆઇવી વાઇરસનો પ્રવેશ. એઇડ્સનું આખું નામ ઍક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રૉમ છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાને કારણે કોઈ પણ ઇન્ફેક્શન સામે શરીરના કોષોની લડત આપવાની ક્ષમતામાં ઊણપ પેદા થાય છે, જે વિવિધ રોગરૂપે દેખાય છે.

એચઆઇવી ઇન્ફેક્શન રોકો

એચઆઇવી નામના વાઇરસનો ચેપ લાગે એ પછી ધીમે-ધીમે એઇડ્સનાં લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. એઇડ્સનો ફેલાવો કાબૂમાં લેવો હોય તો પહેલાં તો એના વાઇરસને જ શરીરમાં પ્રવેશતા અટકાવવા જરૂરી છે, કેમ કે વાઇરસ એક વાર શરીરમાં ઘૂસ્યા પછી રોગપ્રતિકારક શક્તિનો નાશ કરવા લાગે છે. જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી કહે છે, ‘એચઆઇવી પૉઝિટિવ હોવું અને એઇડ્સ હોવો એ અલગ ચીજ છે. એ સંપૂર્ણ રીતે સફળ થાય ત્યાં સુધીના ગાળામાં વ્યક્તિ નૉર્મલી જીવી શકે છે, પરંતુ એચઆઇવી પૉઝિટિવ ધરાવતા લોકોને આજે નહીં તો કાલે એઇડ્સ થતાં કોઈ રોકી શકે એમ નથી હોતું. એક વાત ખાસ યાદ રાખવી રહે કે એચઆઇવીનું ઇન્ફેક્શન ધરાવતી વ્યક્તિ બીજા લોકોને પણ આ ચેપ લગાડી શકે છે. એટલે જો એઇડ્સનો ફેલાવો થતો રોકવો હોય તો એચઆઇવીનો ફેલાવો થતો રોકવો જરૂરી છે.’

એચઆઇવીમાંથી એઇડ્સ ક્યારે થાય?

એચઆઇવીના મુખ્ય બે પ્રકાર છે : એચઆઇવી-૧ અને એચઆઇવી-૨. બન્ને પ્રકારના વાઇરસ ચેપી છે અને બન્ને એકસરખા માધ્યમથી ફેલાય છે, પરંતુ એચઆઇવી-૧ વાઇરસને એચઆઇવી-૨ની સરખામણીએ એઇડ્સમાં પરિવર્તિત થતાં વધુ વાર લાગે છે. ટાઇપ-૧ ઇન્ફેક્શન લાગ્યા પછી એઇડ્સ થતાં આશરે છથી દસ વર્ષ થાય છે, જ્યારે ટાઇપ-૨ ઘણા ટૂંકા ગાળામાં એઇડ્સમાં પરિણમે છે. જો ટાઇપ-૧ અને ટાઇપ-૨ એમ બન્ને પ્રકારના વાઇરસનું ઇન્ફેક્શન હોય તો શરીરમાં એઇડ્સનાં લક્ષણોમાં પરિણમતાં વધુ વાર લાગે છે. ભારતમાં એચઆઇવી-૧નું પ્રમાણ વધુ જોવા મળે છે.

એચઆઇવીનો ફેલાવો

એચઆઇવી વાઇરસ માનવશરીરમાંના ત્રણ પ્રકારના પ્રવાહીમાં હોય છે : એક, પુરુષના ર્વીયમાં અથવા સ્ત્રીઓના યોનિસ્રાવમાં; બીજું, બ્લડમાં અને ત્રીજું, માતાના દૂધમાં. એટલે કે ઇન્ફેક્ટેડ વ્યક્તિના ર્વીય/સ્રાવ, લોહી અને માના દૂધમાં એચઆઇવી વાઇરસ ફેલાવવાની ક્ષમતા છે.

૧. ઇન્ફેક્ટેડ વ્યક્તિ સાથે સેક્સસંબંધ બાંધવાથી : એક એચઆઇવી ઇન્ફેક્ટેડ વ્યક્તિ બીજી નૉર્મલ વ્યક્તિ સાથે સંભોગ કરે તો નૉર્મલ વ્યક્તિને પણ આ ઇન્ફેક્શન લાગે છે. એક જ વારનો સંભોગ પણ ઇન્ફેક્શન લગાડવા માટે પૂરતો છે. ચેપી વ્યક્તિ સાથે સેક્સ માણ્યા પછી દસ દિવસથી માંડીને ત્રણ મહિના સુધીમાં ગમે ત્યારે એચઆઇવીનું ઇન્ફેક્શન બ્લડ-ટેસ્ટમાં દેખાઈ શકે છે. ભારતમાં ૮૬ ટકા એચઆઇવી પૉઝિટિવ કેસ અનપ્રોટેક્ટેડ સેક્સને કારણે ફેલાયેલા છે.

૨. લોહી દ્વારા : આ વાઇરસ લોહીમાં હોય છે. ઇન્ફેક્ટેડ બ્લડ બીજી વ્યક્તિને ચડાવવામાં આવે તો નૉર્મલ વ્યક્તિને પણ ચેપ લાગે છે.

૩. બ્રેસ્ટફીડિંગ : એચઆઇવી ઇન્ફેક્શન વારસાગત નથી હોતું, પરંતુ જો પ્રેગ્નન્ટ સ્ત્રીને ઇન્ફેક્શન લાગેલું હોય અને તે બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવે તો બાળકને પણ ચેપ લાગે છે.

પ્રિવેન્શન માટે જરૂરી કાળજી

સિત્તેરથી એંસી ટકા લોકો અજાણી વ્યક્તિ સાથે ફિઝિકલ રિલેશનશિપ રાખવા જતાં ચેપનો ભોગ બને છે. સેક્સ દરમ્યાન કૉન્ડોમ પહેરવાથી આ ચેપ લાગવાના ચાન્સ ખૂબ ઓછા થઈ જાય છે.

કોઈ ઇન્જેક્શન લેવાનું હોય, બ્લડ-ટેસ્ટ કરાવવાની હોય કે બ્લડ ડોનેટ કરવાનું હોય ત્યારે હંમેશાં ન વપરાયેલી અને સ્ટરિલાઇઝ થયેલી સિરિન્જ જ વાપરવી. ઍક્યુપંક્ચર માટે વપરાતી સોય પણ દરેક વ્યક્તિ માટે અલાયદી અને સ્ટરિલાઇઝ થયેલી હોય એ જરૂરી છે.

જેમ અજાણી વ્યક્તિ સાથેના સેક્સથી આ ચેપ ફેલાય છે એમ ઘણી વાર લગ્ન પહેલાંના સંબંધોને કારણે લાગેલો ચેપ અજાણતાં લગ્ન પછી પતિ કે પત્નીમાં પણ ફેલાય છે. એટલે લગ્ન પહેલાં કુંડળી મેળવવાની સાથે એચઆઇવી ટેસ્ટ કરાવી લેવી જરૂરી છે.

લગ્ન પહેલાં ધારો કે ઇન્ફેક્શન ન પણ હોય, છતાં એ પછી કોઈક રીતે ઇન્ફેક્શન લાગ્યું હોય એવા ચાન્સિસ પણ રહે છે. માના દૂધથી આ ચેપ ફેલાતો હોવાથી તમે અજાણતાં તમારા બાળકને આ ચેપ ન લગાડી બેસો એ માટે કાળજી લેવી જરૂરી છે.

ક્યારેક બ્લડ સાથે સંસર્ગમાં આવનારી કે આવી શકે એવી ધારદાર ચીજો જેવી કે બ્લેડ અને રેઝર દરેક વ્યક્તિએ પોતાની અલાયદી રાખવી જરૂરી છે. આવી ચીજો એક્સચેન્જ ન થાય એ બહેતર છે.

કૃત્રિમ ગર્ભાધાન વખતે સ્ત્રીબીજના ફલીકરણ માટે વાપરવામાં આવેલું ર્વીય ઇન્ફેક્ટેડ હોય તો ગર્ભ ધારણ કરનારી સ્ત્રીને ઇન્ફેક્શન લાગી શકે છે. એટલે ર્વીયની ચકાસણી જરૂરી છે.

ઍક્સિડન્ટ કે કોઈ ઇમર્જન્સીમાં બ્લડ ચડાવવાની જરૂર પડે ત્યારે ચકાસવામાં આવેલું બ્લડ જ ચડાવવામાં આવે એ જોવું જરૂરી છે.

સેફ સેક્સ

એચઆઇવીનો ખોટો ડર રાખવાની જરૂર નથી, પરંતુ જ્યાં સાવધાની રાખવી જરૂરી છે એ બાબતોમાં બેકાળજી રાખવી પણ ઠીક નથી. આ રોગ વિશે જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી કહે છે, ‘એઇડ્સની એકમાત્ર વૅક્સિન જો હોય તો એ છે સાચું સેક્સ-એજ્યુકેશન. સેક્સ-એજ્યુકેશનનો મતલબ ઘણા લોકો એવો કરે છે કે આપણે લોકોને એ શીખવવાનું છે જે તેઓ નથી જાણતા, પરંતુ ખરો અર્થ છે કે આપણે સેક્સ-એજ્યુકેશન થકી લોકોને એ રીતે વર્તન કરતાં શીખવવાનું છે જે રીતે તેઓ નથી વર્તતા. આ રોગમાં પ્રિવેન્શન એ જ ક્યૉર છે. નિરોધ અને કૉન્ડોમનો વપરાશ કરવાથી એક કાંકરે બે પક્ષી મરે છે. એનાથી એચઆઇવી પણ અટકે છે અને કુટુંબનિયોજન પણ થાય છે.’ Whatsapp-channel Whatsapp-channel

01 December, 2011 07:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK