બે ડિલિવરી પછી પણ પુષ્કળ બ્લીડિંગ થાય છે, ફાઇબ્રૉઇડ્સ નથી તો શું કરવું?

Published: 8th December, 2011 07:49 IST

મારી ઉંમર ૩૪ વર્ષ છે. મને છ અને ત્રણ વરસના બે દીકરાઓ છે. મને પહેલેથી જ માસિક દરમ્યાન ખૂબ બ્લીડિંગ થતું હતું. ડૉક્ટરનું કહેવું હતું કે ડિલિવરી પછી બધું નૉર્મલ થઈ જશે, પણ બે ડિલિવરી પછીયે હજી બ્લીડિંગ એટલું જ વધારે થાય છે.ડૉ. જયેશ શેઠ, ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ
ડૉ. કેતકી શેઠ, ઍનેસ્થેટિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ

સવાલ : મારી ઉંમર ૩૪ વર્ષ છે. મને છ અને ત્રણ વરસના બે દીકરાઓ છે. મને પહેલેથી જ માસિક દરમ્યાન ખૂબ બ્લીડિંગ થતું હતું. ડૉક્ટરનું કહેવું હતું કે ડિલિવરી પછી બધું નૉર્મલ થઈ જશે, પણ બે ડિલિવરી પછીયે હજી બ્લીડિંગ એટલું જ વધારે થાય છે. સોનોગ્રાફી અને હૉમોર્ન્સની બધી જ ટેસ્ટ નૉર્મલ આવે છે. ફાઇબ્રૉઇડ્સ જેવું પણ કંઈ નથી છતાં હજી બ્લીડિંગ એટલું જ થાય છે. ચાર દિવસમાં એટલુંબધું લોહી નીકળી જાય છે કે સાવ જ નંખાઈ જવાય છે. હવે મારે બાળક નથી જોઈતું. શું કોઈ ઉપાય ખરો?

જવાબ : લગ્ન પહેલાં અને ડિલિવરી પછી પણ ખૂબબધું બ્લીડિંગ થતું હોય તો એને ડીયુબી એટલે કે ડિસફંક્શનલ યુટ્રાઇન બ્લીડિંગ કહેવાય. તમને કોઈ ફાઇબ્રૉઇડ્સ નથી એ સારી વાત છે; પરંતુ તકલીફનું મૂળ જાણવા માટે CBC, BT, CT, PT, FSH, TSH, Prolactine જેવી ટેસ્ટ કરાવવી. વધુપડતું બ્લીડિંગ થવાની તકલીફમાં ઘણી વાર સોનોગ્રાફી કરવાથી એમાં પણ કોઈ જ ગરબડ ન પરખાય એવું બને છે.

જો તમે અત્યારે બીજું બાળક પ્લાન ન કરતાં હો તો આ તકલીફની ઘણી જ અસરકારક સારવાર શોધાઈ છે. એ છે મિરેના લૂપ. એમાં કૉપરની જગ્યાએ પ્રોજેસ્ટરોન હૉર્મોનનો સ્રાવ થતો હોય છે. જો તમે કોઈ ઓરલ મેડિસિન લો તો એની અસર આખા શરીર અને તમામ પ્રજનનતંત્ર પર પડે છે, પરંતુ આ લૂપમાંથી માત્ર ૧૦-૧૫ માઇક્રોગ્રામ પ્રોજેસ્ટરોન સ્થાનિક જગ્યાએ રિલીઝ થાય છે. એ લૂપમાંથી રોજેરોજ ખૂબ જ સૂક્ષ્મ માત્રામાં પ્રોજેસ્ટરોન ઝરતું હોવાથી માત્ર યુટ્રસ પર જ એની અસર થાય છે. આ લૂપથી ત્રણ-ચાર મહિનામાં જ તમારું માસિક ઓછું થઈ જશે. બે-ત્રણ દિવસ જ બ્લીડિંગ થશે અને એ પણ ખૂબ ઓછું. આ સારવારથી ગર્ભાશયની ત્વચા જાડી થતી અટકે છે અને ઈંડાં બનવાની પ્રક્રિયામાં પણ કોઈ અડચણ નહીં આવે.

આ લૂપ ડૉક્ટરના ક્લિનિકમાં માત્ર પંદર મિનિટની પ્રોસેસમાં બેસાડી શકાય છે. પાંચ વર્ષ સુધી એક લૂપ ચાલે છે. એ પછીના ચારેક મહિનામાં જ બ્લીડિંગ ખૂબ જ ઓછું થઈ જાય છે. આ લૂપ દુનિયાભરમાં લાખો મહિલાઓએ નિશ્ચિંત થઈને અપનાવી છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK