ફૅમિલી કરતાં વધારે ફ્રેન્ડ્સ સાથે ફરવું ગમે : પ્રાચી દેસાઈ

Published: 13th December, 2011 08:22 IST

સિરિયલથી શરૂઆત કરી બૉલીવુડ સુધીની સફર કરનારી પ્રાચી દેસાઈ ‘મિડ-ડે’ સાથે શૅર કરે છે તેના ટ્રાવેલ-એક્સ્પીરિયન્સ અને ફરવાના શોખપ્રાચી દેસાઈને તેના પ્રોફેશનની સૌથી વધુ જો કોઈ વાત ગમતી હોય તો એ છે તેને કામ સાથે દુનિયાનાં બધાં સ્થળો જોવા મળે છે એ. તે જણાવે છે, ‘હું હમણાં જ જયપુરથી રિટર્ન થઈ છું. એ એક ખૂબ સુંદર શહેર છે. રંગો, ઇતિહાસ અને લાઇફથી ભરેલું-ભરેલું.’ આ યંગ ઍક્ટ્રેસે પોતાનું મોટા ભાગનું બાળપણ પંચગનીમાં વિતાવ્યું છે. તે શૅર કરે છે તેના ફરવાના શોખની વાતો.

ડુંગર જેટલી વાતો

હું પંચગનીમાં મોટી થઈ છું. એ એક નાની જગ્યા છે અને માટે જ બહારની દુનિયા સાથે એટલો પરિચય નથી થતો, પણ એ એક ખૂબ જ રમણીય સ્થાન છે. મને હિલ-સ્ટેશનની આજુબાજુ ફેલાયેલા ડુંગર અને ખીણ ખૂબ ગમે છે. ભલે હું બાલી અને ગોવા જેવા દરિયાકિનારાઓવાળા રિસોર્ટ્સમાં પણ ફરી છું, પશ મને ડુંગરાળ પ્રદેશ વધુ ગમે છે. બદ્નસીબે મારો પ્રોફેશન મને ત્યાં જ્યારે જવું હોય ત્યારે જવા નથી દેતો. જોકે મારા દરેક હૉલિડે ખૂબ જ વિચારપૂર્વક પ્લાન કરેલા હોય છે અને હોવા જોઈએ. જો કોઈ અનએક્સપેક્ટેડ હૉલિડે મળી જાય તો મને લૉન્ગ ડ્રાઇવ પર જવાનું ખૂબ ગમે છે, જેમાં ગોવા મારું ફેવરિટ છે.

લોકલ અટ્રેક્શન

હું અબ્રૉડની ટ્રિપ્સ કરતી હોઉં તો પણ મને એમાં ઇન્ડિયન કલ્ચરનો ફ્લેવર લાવવો ગમે છે. જ્યારે હું ન્યુ યૉર્ક જાઉં ત્યારે ત્યાં એક વિલેજ સામેની જગ્યા છે એની જરૂર વિઝિટ લઉં છું. વિલેજમાં તેઓ જુદા-જુદા પ્રદેશોના કલ્ચરને શો-કેસ કરે છે. આ પ્લેસ ખાવા માટે પણ ખૂબ સરસ છે. બીજું એક શહેર જ્યાં મને ખૂબ મજા આવી હતી એ છે તુર્કીનું ઇસ્તનબુલ. એ મૉડર્ન સિટી છે પણ ત્યાંનું હેરિટેજ તેમણે ખૂબ સારી રીતે સાચવી રાખ્યું છે. ઇસ્તનબુલમાં કેટલાંક ખૂબ મોટાં સામ્રાજ્ય હજી સચવાયેલાં છે, જેમ કે બાયઝાન્ટાઇન, ઑટોમૅન, યુરોપિયન અને ટર્કિશ. મને ઇટલીનું મિલાન પણ ખૂબ ગમે છે. ત્યાંનાં ફૅશન-બુટિક અને ફૂટપાથો ખૂબ ગમે છે. આ શહેર મારા ટ્રાવેલ વિશ-લિસ્ટમાં ટૉપ પર છે.

ફ્રેન્ડ્સ સાથે હૉલિડે

જોકે લોકો માની નહીં શકે, પણ હું એક હાર્ડ-કોર નૉન-વેજિટેરિયન છું. હું જ્યાં પણ જાઉં ત્યાં મને નવી-નવી ડિશ ટ્રાય કરવી ખૂબ ગમે છે. મને ફૅમિલી મેમ્બર્સ કરતાં ફ્રેન્ડ્સ સાથે ટ્રાવેલ કરવાનું વધુ ગમે છે. કારણ એ છે કે ફ્રેન્ડ્સ સાથે તમે ગમે એટલા જંગલી, રફ બનીને એન્જૉય કરી શકો છો, જ્યારે ફૅમિલી કે રિલેટિવ્સ સાથે હોય ત્યારે કમ્ફર્ટ એ સૌથી મોટી પ્રાયૉરિટી હોય છે. એક ફની વાત એ પણ છે કે હું અને મારા ફ્રેન્ડ્સ જ્યારે ફરવા જઈએ ત્યારે શૉપિંગ કે સાઇટ-સીઇંગ વખતે રસ્તો ભૂલી જઈએ છીએ અને આવું ન્યુ યૉર્કમાં સૌથી વધુ વખત બનતું હોય છે.

હજી ફરવું છે

મને ઇજિપ્ત જોવાની ખૂબ ઇચ્છા છે. જોકે મેં સાંભળ્યું છે કે ત્યાંનું હવામાન ખૂબ ખરાબ હોય છે તોયે મને તો ત્યાં જઈને પિરામિડ જોવાની મહેનત કરવી જ છે. એક વર્ષ માટે હું જર્મન ભાષા ભણી છું એટલે મારે જર્મનીની ટ્રિપ પણ કરવી છે, જેથી હું ત્યાં જઈને મારી લિંગ્વિસ્ટિક સ્કિલનો પ્રયોગ કરી શકું. ભારતમાં કાશ્મીર મારા ટૉપ લિસ્ટ પર છે અને ટ્રાવેલ લિસ્ટમાં લેટેસ્ટ એડિશન છે સ્પેન. મેં ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મમાં જે જોયું એના પછી તો હું સ્પેન જોવા ઘણી આતુર છું.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK