બટાટા તો ભાઈ બહુ હેલ્ધી નીકળ્યા

Published: 17th December, 2014 06:02 IST

સ્થૂળતા અને ડાયાબિટીઝના દરદીઓ માટે પટેટો અનહેલ્ધી નહીં પણ ખૂબ ફાયદાકારક છે એવું કૅનેડાની મૅક્ગિલ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોનું કહેવું છે. આ સંશોધન અનુસાર બટાટામાં એવાં કેમિકલ્સ રહેલાં છે જે ટાઇપ-વન અને ટાઇપ-ટૂ પ્રકારનો ડાયાબિટીઝ ધરાવતા દરદીઓ માટે દવા બની શકે છે
સેજલ પટેલ


અત્યારસુધી આપણે એવું જ સાંભળતા આવ્યા છીએ કે જાડા ન થવું હોય તો બનેએટલાં બટાટા ઓછા ખાવા. ડાયાબિટીઝ હોય તો બટાટા ન ખવાય. કૉલેસ્ટરોલ વધવાની સમસ્યા હોય તો બટાટાની વિવિધ વાનગીઓ ન ખવાય. વજન ઉતારવું હોય તો તો બટાટાને બાય-બાય જ કહી દો.

બટાટાને અનહેલ્ધી માનીને વગોવવામાં ભલે આવ્યા, પણ હકીકત ખરેખર કંઈક જુદી જ છે. થોડાં વષોર્ પહેલાં અમેરિકાની યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના સંશોધકોએ બટાટાને પહેલી વાર પોષક ગણાવ્યા હતા. તાજેતરમાં કૅનેડાની મૅક્ગિલ યુનિવર્સિટીના રિસર્ચરોએ તો ભાવતું’તું ને વૈદે કીધું જેવું તારણ રજૂ કરતાં કહ્યું છે કે બટાટા વજન વધારાનારા નહીં, પણ વજન ઘટાડનારા છે. આ રિસર્ચરોના કહેવા મુજબ બટાટામાં ખૂબ જ ગુણકારી કેમિકલ્સ રહેલાં છે, જે કેટલાંક વેજિટેબલ્સ અને ફ્રૂટ્સમાંથી મળી આવતા પૉલિફિનૉલ કેમિકલ જેવાં જ હેલ્ધી હોય છે. રિસર્ચરોએ બટાટાનો અર્ક કાઢીને એમાંથી ખૂબ ફાયદાકારક કમ્પાઉન્ડ હોવાનું નોંધ્યું છે. આમ તો પટેટો સિમ્પલ કાબોર્હાઇડ્રેટનો ભંડાર હોવાથી ઝટપટ પચી જઈને શરીરમાં કૅલરીનો વધારો કરવા માટે જ જાણીતા છે એટલે ડબલ ચેક કરવા માટે સંશોધકોએ અલગ-અલગ સીઝનમાં ઉગાડેલા બટાટાના અર્ક પર લૅબોરેટરીમાં તપાસ કરી. દરેક સીઝનમાં ઊગેલા બટાટામાંથી મળી આવેલા પૉલિફિનૉલ્સ ટાઇપ-વન અને ટાઇપ-ટૂ પ્રકારના ડાયાબિટીઝને પ્રિવેન્ટ કરવામાં મદદ કરી શકે એવાં હતાં. આ કેમિકલ્સ ઇન્સ્યુલિન પેદા થવાની પ્રક્રિયામાં મદદરૂપ થઈ શકે એવાં હોવાથી લોહીમાં શુગરનો ભરાવો થતો પ્રિવેન્ટ કરવા માટે જાણીતાં હતાં. રિસર્ચરોએ આ થિયરીને ઓબેસિટીના શિકાર બનેલા ઉંદરો પર પણ પ્રયોગ કરી જોયો. એમાં પણ તેમને ઘણું સારું પરિણામ મળ્યું. ૧૦ અઠવાડિયાં સુધી સામાન્ય ખોરાકની સાથે બટાટાના અર્ક લેતા ઉંદરોમાં ઍવરેજ વજન ઘટવાનું પ્રમાણ વધુ હતું.

જોકે આ સાંભળીને બટાટા ખાવા પર તૂટી પડી શકાય એમ નથી. કેમ કે બટાટામાંથી આ અર્ક તો મળે જ છે, પણ સાથે જથ્થાબંધ કૅલરી પણ હોય છે. સંશોધકોએ બટાટાના અર્કનો ડેઇલી ડોઝ ૩૦ બટાટામાંથી મેળવ્યો હતો. વજન ઉતારવા માટે રોજના ૩૦ બટાટા ખાવામાં આવે તો જરૂર કરતાં ચાર ગણી કૅલરી પેટમાં ઠલવાય, જે પ્રૅક્ટિકલ નથી. બટાટાનો અર્ક દવારૂપે લેવામાં આવે એ જ બહેતર સૉલ્યુશન બની શકે છે.

બટાટા બનાવવાની રીત અનહેલ્ધી

આ તો થઈ રિસર્ચની વાત. હવે વાત કરીએ બટાટાના પ્રૅક્ટિકલ ઉપયોગો અને ગુણોની. મોટા ભાગે ડાયેટિશ્યનો બટાટા ન ખાવા કે ઓછા ખાવા એવી જ સલાહ આપતા હોય છે, પણ ડાયેટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘બટાટા ખૂબ જ સારી એનર્જી પૂરી પાડે છે એટલે એને સાવ જ કોરાણે મૂકી દેવા જોઈએ એવું હું કદી નહીં કહું. એને બનાવવાની રીતોમાં બદલાવ લાવવામાં આવે તો પટેટો પણ પૌષ્ટિક બની શકે છે. આપણે વડાં, સમોસાં, ચિપ્સ, ફ્રૅન્ચ ફ્રાઇઝ, પૅટીસ જેવી ચીજોમાં ભરપૂર બટાટા ખાઈએ છીએ એ હાનિકારક છે. વિવિધ ગ્રીન વેજિટેબલ્સની સાથે બટાટાનું મિશ્રણ કરવામાં આવે એમાં કાંઈ જ ખોટું નથી. પાલક, મેથી, ગાજર, કોબીજ, ટીંડોળા, રીંગણ જેવાં શાકમાં ઉમેરણ તરીકે બટાટા વપરાય છે એ જરાય ખરાબ નથી. ઊલટાનું ફાઇબરવાળાં શાકભાજીની સાથે સ્ટાર્ચથી ભરપૂર બટાટા ઉમેરવાથી બૉડીને સારીએવી એનર્જી લાંબો સમય મળતી રહે છે. આપણે રોજ દિવસમાં બે વાર તેલ-મસાલા સાથે મેળવીને ચટાકેદાર બટાટા ખાધા કરીએ છીએ અને જ્યારે સ્વાસ્થ્યને નુકસાન થાય ત્યારે બટાટાને દોષ દઈએ છીએ. જોકે બટાટા સાથે કેવું કૉમ્બિનેશન કરવામાં આવે છે એના પરથી એ ફાયદો કરશે કે નુકસાન એ નક્કી થાય. એકદમ ઓવરકુક કરીને બાફેલા બટાટામાંથી પોષક તત્વોનાશ પામે છે. વળી, મેંદા સાથે અથવા તો તળીને લેવામાં આવે તો એનાથી કૅલરી પણ વધી જાય અને પોષક તત્વોપણ ઘટી જાય. બટાટાને બાફીને અથવા શેકીને ખાવાથી એમાં રહેલાં પોષક તત્વોજળવાઈ રહે છે. છાલ સાથે જ રાંધવામાં આવે અને છાલ સાથે જ ખાવામાં આવે તો વધુ ફાયદો થાય.’

કેવા બટાટા વાપરવા?

કેવી રીતે રાંધવા એ પહેલાં કેવા બટાટા વાપરવા એ પણ જાણવું જરૂરી છે. બટાટા અતિશય કડક કે એકદમ પોચા ન હોવા જોઈએ. પોચા પડી ગયેલા, ઉપરની સ્કિન પર કાળાશ કે લીલાશ દેખાતી હોય તો એમાં ઇન્ફેક્શન્સની શરૂઆત થઈ ગઈ હોય છે. બીજું, ઘણી વાર બટાટાનો અમુક ભાગ લીલો જ રહી ગયો હોય છે. આ ગ્રીન બટાટામાં સોલેનાઇન, ચેકોનાઇન અને આર્સેનિક જેવાં ઝેરી દ્રવ્યો હોય છે જે ગૅસ, ઍસિડિટી, અપચો જેવી તકલીફ કરે છે. ઊગી ગયેલા બટાટા પણ એનું સત્વ ગુમાવી ચૂક્યા હોય છે.

બટાટાનો રસ આૈષધ

આયુર્વેદમાં પણ બટાટાનાં ગુણગાન ગવાયેલાં છે. બટાટાના રસના કેટલાક ઇન્ટરેસ્ટિંગ પ્રયોગો વિશે આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘કાચા બટાટા ક્રશ કરી દબાવીને, રસ કાઢીને એક ચમચીનો એક ડોઝ એમ ચાર વાર નિયમિત પીઓ અને બાળકોને પણ પીવડાવો. એ રસ કેટલીયે માંદગીમાંથી ઉગારી લે છે. રક્તપિત્તની માંદગીમાં કાચા બટાટાનું સેવન ખૂબ લાભદાયક છે. જે દરદીઓનાં પાચન અંગોમાં ખટાશનું પ્રમાણ વધુ હોય, ખાટા ઓડકાર આવતા હોય, ગૅસ હેરાન કરતો હોય કે અલ્સરેટિવ કોલાઇટિસની સમસ્યા હોય તેમને માટે ગરમાગરમ રાખ કે રેતીમાં શેકેલા બટાટા આૈષધ બની શકે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK