નાસ્તાનો વૈભવ તો ગુજરાતમાં હોં ભાઈ...

Published: Aug 19, 2019, 16:03 IST | ખાઇ પી ને મોજ - પૂજા સાંગાણી | ગુજરાત

ભાવનગર શહેર ગાંઠિયા માટે વિશ્વવિખ્યાત, પરંતુ સવારના નાસ્તામાં દાળ-પૂરી જ ખવાય. ચરોતર ભૂમિમાં રસાવાળા પૌંઆ, તો સુરેન્દ્રનગરનાં પરોઠાં-શાક, અમદાવાદમાં પૌંઆ અને ઇડલી, વડોદરામાં સેવ-ઉસળ વગર તો દિવસની શરૂઆત જ ન થાય

દાબેલી
દાબેલી

‘બાર ગાઉએ બોલી બદલાય’ એ કહેવત તો તમે સાંભળી જ હશે અને એનો અર્થ પણ ખબર જ હશે છતાં કહી દઉં કે કોઈ પણ પ્રદેશ હોય, એક સ્થળેથી બીજાં બાર ગામથી આગળ જાય એટલે ભાષાની બોલી બદલાઈ જાય છે. ધારો કે આપણી ભાષા ગુજરાતી છે, પરંતુ જ્યારે તમે સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત જાઓ ત્યાં એનો લહેકો અને લઢણ બદલાઈ જાય છે, પરંતુ જો ખાવા-પીવાની વાત કરીએ તો એમાં પણ કહી શકાય કે ‘બાર ગાઉએ ભોજન બદલાય.’ દરેક પ્રદેશમાં અને જિલ્લામાં તમે જાઓ તો ત્યાં અલગ-અલગ પ્રકારના નાસ્તા મળે છે. આ નાસ્તો એટલે એમાં મુખ્યત્વે સવારના શીરામણની વાતો અહીં થઈ રહી છે. કુદરતી રીતે જ એમાં ‘રોંઢો’ એટલે કે સાંજ ઢળ્યે ‘વાળુ’ એટલે કે રાત્રિભોજન પહેલાં કરવામાં આવતા નાસ્તાની વાતો પણ આવી જ જશે. સૌરાષ્ટ્ર અને એની આસપાસના પ્રદેશોમાં સવારના નાસ્તાને શીરામણ, સાંજના નાસ્તાને રોંઢો અને ડિનરને વાળુ તરીકે સંબોધવામાં આવે છે.

puri-bhaji

તો ચાલો ત્યારે તમને મોઢામાં પાણી આવી જાય એમ ગુજરાતના વિવિધ પ્રદેશોમાં કરવામાં આવતા નાસ્તાની સફર કરાવી દઉં. જો સર્વસામાન્ય રીતે ઘરે બનાવવામાં આવતા નાસ્તાની વાત કરીએ તો રોટલી, ભાખરી કે રોટલો સવારે ચા કે દૂધ સાથે આરોગવામાં આવે છે. ઘણાને સવારે તાજાં ફળ આરોગવાની આદત હોય છે. એની સાથે જાતજાતનાં ફરસાણ, ગાંઠિયા, ચવાણું, સેવ, મમરી, મમરા અને અથાણાં હોય એટલે અમીનો ઓડકાર આવી જાય. બાળકો અને યુવાનોને વળી આજકાલ બ્રેડ-બટર કે બ્રેડ--જામની સાથે કૉર્ન, ઓટ ફ્લેક્સ, મૅગી, પાસ્તા વગેરે ભાવે છે, પરંતુ જો ઘરની બહાર ખૂમચાઓ અથવા દુકાનોમાં મળતાં સ્ટ્રીટ-ફૂડની વાત કરીએ તો શરૂઆત ગુજરાતના સૌથી મોટા અને મુખ્ય શહેર અમદાવાદથી જ કરીએ. અમદાવાદમાં આમ જોવા જઈએ તો કોઈ એક સર્વમાન્ય સવારનો નાસ્તો નથી અને જે છે એમાં પણ સમયાંતરે ફેરફાર આવી રહ્યા છે. વર્ષો પહેલાં ૬ કે ૨ ઇંચની લંબાઈ ધરાવતા પાતળા અને ભૂંગળા આકારના ફાફડા ખૂબ ખવાતા હતા. એની સાથે તેલ, રાઈ, મરચાં, મીઠો લીમડો અને મઘમઘતી હિંગના વઘારમાં ચણાનો લોટ અને પાણી ભેળવીને બીજા મસાલા નાખીને બનાવેલી ગરમાગરમ કઢી સબડકા ભરીને પીવાય અને સાથે કાચા પપૈયાનો સંભારો અને તળેલાં લીલાં મરચાં હોય છે. અહીં ફાફડા સાથે કઢી એટલી લોકપ્રિય છે કે મોટા ભાગના ફરસાણવાળાઓ કઢી માટે એક જગ, જ્યારે પપૈયાની છીણ અને મરચાં માટે કમંડળ ગ્રાહકો માટે ખાસ અલગ રાખે છે, પીઓ તમતમારે અનલિમિટેડ. ફાફડા જોડે કઢી એટલા માટે પીવાય છે કે કોરા ન લાગે, મરચું જેને તીખો ટેસ્ટ ભાવતો હોય તેને માટે, જ્યારે પપૈયાની છીણ એટલા માટે કે ચણાનો લોટ અને સોડા નાખેલા ફાફડા ખાધા પછી પેટમાં ગરબડ ન થાય. કાચું અને પાકું પપૈયું પાચનમાં મદદ કરે છે. 

misal

સમયાંતરે કઢી સાથે વળી લીલી ચટણી પણ અાપવામાં આવે છે. ફાફડા કે ગાંઠિયોનો ભૂકો વધ્યો હોય તો શું કરવું. કોઈ ભેજાબાજ સુખડિયા (ફરસાણ બનાવે તે)એ ગાંઠિયાના વધેલા ભૂકામાં કોથમીર, લીલાં મરચાં અને મસાલા નાખીને લચકો લીલી ચટણીનું સંશોધન કરી નાખ્યું એ ખૂબ ચાલે છે. જોકે ઘણા ફરસાણવાળા આનાથી અલગ સામગ્રી નાખીને પણ ચટણી બનાવતા હોય છે. સુરતમાં વળી ખાટી-મીઠી અને સહેજ તીખી લાલ ચટણી મળે છે. ઓય રે...! આ તો ફાફડાની કથા થઈ ગઈ. એની ઘણી માહિતી છે, પરંતુ એના પર ફરી કોઈક વાર લખીશ. 

foodie-03

તો હવે અમદાવાદમાં ફાફડા-ગાંઠિયા પરિવારનો દબદબો રવિવાર, મહેમાન આવે ત્યારે અને રાત્રિબજારો પૂરતો જ રહ્યો છે. એનું સ્થાન લઈ લીધું છે પૌંઆ અને ઇડલી-મેંદુવડાંએ. હા, જો તમે લાંબા સમયથી અમદાવાદ નહીં આવ્યા હો તો તમને આશ્ચર્ય થશે કે ઠેર-ઠેર પૌંઆના ખૂમચા દેખાશે. વળી આ તો અમદાવાદ છે એટલે તેમનો પોતાનો ટેસ્ટ જોઈએ. સાદા પૌંઆ એટલે કે પૌંઆની ઉપર ડુંગળી, સેવ-મમરી, ચાટ મસાલો અને લીંબુ નાખેલા પૌંઆ. આ ઉપરાંત બીજા અડધો ડઝનથી વધુ વરાઇટીના પૌંઆ મળે છે. અમદાવાદમાં યુનિવર્સિટી પાસે એક દાયકા અગાઉ નાનો ખૂમચો લગાવનાર ‘ગજાનંદ પૌંઆવાળા’નો ડંકો વાગે છે. મૂળ રાજસ્થાનના ઉદયપુરથી અહીં આવેલા આ ભાઈએ શહેરના પૉશ આંબાવાડી વિસ્તારમાં મોકાની જગ્યાએ દુકાન બનાવી છે અને એના નામે અનેક લારીઓ શહેરમાં શરૂ કરી દેવાઈ છે. હવે ઇડલી-સંભાર અને વડાંની વાત કરીએ તો એ પણ શહેરમાં ખૂબ ખવાય છે. અમદાવાદની ઑફિસો અને શૈક્ષણિક સંસ્થાઓથી ધમધમતા વિસ્તારોમાં મૉપેડ પર ખાસ રીતે ગોઠવેલા ખૂમચામાં ઇડલી-મેંદુવડાં અને નારિયેળની ચટણી લઈને આવતા સાઉથ ઇન્ડિયન યુવાનોએ ધૂમ મચાવી છે. ૩૦ રૂપિયામાં તો પેટ ભરાઈ જાય. પૌંઆ અને સાઉથ ઇન્ડિયન નાસ્તાનો ટ્રેન્ડ એટલા માટે કે સવારના પહોરમાં તળેલું કે બ્રેડ ન ખાવી. પૌંઆ અને ઇડલી જલદીથી પચી જાય અને બપોરે સમયસર ભૂખ લાગે. 

foodie-04

હાલો અમદાવાદથી પાછા ફરીએ અને વડોદરા તરફ જઈએ. જો સવારે નાસ્તામાં સેવ-ઉસળ ન મળે તો વડોદરાવાસીઓનો દહાડો બગડે. હા, ખૂબ ખાય એ લોકો સેવ-ઉસળ. સવારના પાંચ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી લાઇન લાગે. અહીંનું સેવ-ઉસળ થોડું મહારાષ્ટ્રના મિસળ-પાંઉ કરતાં અલગ હોય છે. એકદમ પાતળું તીખું મસાલેદાર અને ગરમાગરમ પાણીનું મોટું તપેલું દરેક દુકાન અને ખૂમચાઓમાં હોય. તમે માગો એટલે મોટા વાટકામાં જાડી સેવ, લીલી અને સૂકી ડુંગળી પર આ રસો ઢોળી દે. તમારે વધુ તીખું ખાવું હોય તો તીખી ભડકા જેવી લાલચોળ તરીની એક ચમચી નાખી દે. સાથે અડધો ડઝન પાંઉનું પૅકેટ આપી દે. પાતળા રસામાં પાંઉ બોળી-બોળીને ખાતા જાઓ. રસો માગો એટલી વાર મળે. પાઉં અને સેવ એક્સ્ટ્રા લીધી હોય એને માટે જ વધારાના પૈચા ચૂકવવાના. મહાકાળી સેવ ઉસળ, લાલાભાઈ, ગુંજન વગેરે સેવ-ઉસળ વેચતી પ્રખ્યાત દુકાનો વડોદરામાં છે. 

fafda

વડોદરાથી સુરત, ભરૂચ, અંકલેશ્વર તરફ જઈએ એટલે અહીં ખમણનું સામ્રાજ્ય છે. વાટી દાળનાં ખમણ, સેવ ખમણી અને લોચો ખાવા માટે સુરતીઓ પડાપડી કરતા હોય છે. સુરતમાં સવારે નાસ્તાની ખૂબ વરાઇટી છે પરંતુ સૌથી ટૉપ પર તો ખમણને કોઈ હરાવી ન શકે. ખમણમાં પણ જાતજાતની વરાઇટી શોધી કાઢી છે. લોચો એટલે કે ખમણના ખીરામાંથી બનતું એક જાતનું ખીચું. એના ઉપર તેલ, ડુંગળી, લીંબુ અને સેવ નાખીને ગરમાગરમ ખાવાની મોજ જ મોજ. 

હાલો પાછા સૌરાષ્ટ્ર તરફ વળીએ તો ભાવનગર જિલ્લો જે ગોહિલ રાજાઓના શાસનને કારણે ગોહિલવાડ તરીકે ઓળખાય છે. ભાવનગરના ગાંઠિયા વખણાય, પરંતુ ત્યાં સવારે લોકો દાળ-પૂરી ખૂબ ખાય. ચણાની દાળ અને ગરમાગરમ તળેલી પોચી પૂરી. ચણાની દાળ પીરસતી વખતે ડિશમાં અડધું બટાટું આવી જ જાય અને તીખું ખાવું હોય એ પ્રમાણમાં તીખીતમતી તરીથી શણગારે. સાથે ગરમાગરમ પોચી ફુલકા પૂરી, ડુંગળી, મરચાં, લસણની ચટણી આવે. આ...હા...હા.. ખૂબ મજા આવે. ખાઈને તૃપ્ત થઈ જવાય. હાલાર પંથક ગણાતા જામનગરમાં બટાટાનું તીખું-મીઠું શાક અને નાની પોચી પૂરી સાથે સંભારો ખૂબ ખાવામાં આવે. આ ઉપરાંત બ્રેડ કટકા જેમાં ભાજી-પાંઉમાં મળતા પાંઉના કટકા કરીને એમાં તીખા બાફેલા બટાટા, મીઠી, લીલી અને લસણની ચટણી અને ઉપર સેવ તથા ડુંગળી નાખીને એની ચાટ બનાવીને આરોગે. 

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર એવા સુરેન્દ્રનગર પંથકમાં પૂરી-શાક ખૂબ પ્રખ્યાત છે. રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જેવા કાઠિયાવાડમાં સવારના નાસ્તામાં ગાંઠિયાનું શાસન છે. ગરમાગરમ ગાંઠિયા પર હિંગ છાંટીને પપૈયાની છીણ અને મરચાં હોય અને એની સાથે કડક મીઠી અને રગડા જેવી ચા પીવાનો ટ્રેન્ડ છે. જૂનાગઢમાં જાતજાતની ભેળ અને એની સાથે ચાટ આઇટમો ખૂબ ખવાય છે. રાજકોટ અને જૂનાગઢના કેટલાય ગાંઠિયાવાળાઓ ગુજરાતનાં વિવિધ શહેરોમાં ફેલાઈ ગયા છે અને લોકપ્રિય બની ગયા છે. ભાઈ, આપણું પોતાનું કચ્છ તો કેમ ભુલાય. કચ્છની દાબેલી અથવા તો ડબલ રોટીએ વિશ્વમાં નામ રોશન કર્યું છે એટલે ત્યાંનાં દરેક શહેરોનો નંબર-વન નાસ્તો તો દાબેલી જ છે. કચ્છી કડક, કચ્છી બાઉલ જેવી દાબેલી કુળની અવનવી વસ્તુઓ પ્રખ્યાત છે. આ ઉપરાંત સ્થાનિક લોકો ટેસ્ટ મુજબ ગુજરાતનાં અન્ય શહેરોમાં મળતી વાનગીઓનો પણ રસાસ્વાદ માણતા હોય છે. 

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં ખાસ કોઈ નાસ્તાનો ટ્રેન્ડ નથી, પરંતુ મુખ્યત્વે ભજિયાં અને ગાંઠિયા ખવાય છે. હા ત્યાંની એક ખાસિયત ખૂબ સરસ છે. મહેસાણાની આસપાસ તમે જાઓ તો ત્યાં ભાખરી-શાક પીરસતી રેસ્ટોરાં ખૂબ જોવા મળે. ગરમાગરમ ભાખરી અને માગો એ પ્રમાણેનાં શાક ખૂબ લોકપ્રિય છે (મહેસાણા સિવાય બધે હોટેલોમાં તવા રોટલી, તંદૂરી કે તળેલાં પરોઠાં જ મળે છે પરંતુ અહીં શેકેલી ભાખરી ખવાય). ગાંધીનગરથી આગળ જાઓ ત્યાં જૈન સમુદાયનું પ્રખ્યાત તીર્થસ્થાન મહુડી છે અને એની નજીક લોદરા ગામ આવે છે. ત્યાંના હસમુખનાં ખમણ ભારે લોકપ્રિય છે. હાઇવે પર ઠેર-ઠેર એની લારીઓ અને દુકાનો જોવા મળે છે, પરંતુ મોટા ભાગના ડુપ્લિકેટ છે. મધ્ય ગુજરાતમાં આવેલા ચરોતર પ્રદેશ એટલે કે ખેડા અને આણંદ જિલ્લાની વાત કરીએ તો ત્યાં ખમણ, સેવ-ઉસળ અને પૌંઆ-ઉસળ ખૂબ પ્રખ્યાત છે. પૌંઆ ઉપર તીખો રસો અને ડુંગળી, ટમેટાં અને કોબીજનો સંભારો નાખીને ખાવામાં આવે છે. ત્યાંનાં પીળી મગની દાળનાં દાલવડાં ખૂબ ખવાય છે. શિક્ષણનગરી વિદ્યાનગર પાસે આવેલા બોરીઆવી ગામના તળેલાં અળવીનાં પાતરાં ખૂબ પ્રખ્યાત છે. 

આ પણ વાંચો : નેપાલના ગુજિયામાંથી જન્મ્યા જામનગરના તીખા ઘૂઘરા

તો મારા ફૂડી મિત્રો, ગામેગામ તમને અલગ-અલગ નાસ્તો પ્રાપ્ત થશે. તમે જો સ્વાદના શોખીન હો તો જ્યારે આ વિસ્તારોમાં જાઓ ત્યારે જરૂર આરોગજો. નવા વિષય સાથે ફરી મળીશું. આવજો અને કરો ખાઈ-પીને મોજ...

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK