પશુઓને પરેશાન કર્યા વિના ભોજન કરવાની અહિંસક જીવનશૈલી અપનાવવી છે?

Published: Sep 30, 2019, 17:16 IST | ખાઇ પી ને મોજ - પૂજા સાંગાણી | મુંબઈ

દૂધ, દહીં, છાશ, ચીઝ, બટર જેવી પ્રાણીજ પેદાશોને બદલે આ જ ચીજો વનસ્પતિજન્ય ચીજોમાંથી બનાવીને પણ અદ્ભુત ભોજન તૈયાર થઈ શકે છે.

મલાઈ કોફતા
મલાઈ કોફતા

દૂધ, દહીં, છાશ, ચીઝ, બટર જેવી પ્રાણીજ પેદાશોને બદલે આ જ ચીજો વનસ્પતિજન્ય ચીજોમાંથી બનાવીને પણ અદ્ભુત ભોજન તૈયાર થઈ શકે છે. પશ્ચિમના દેશોમાંથી આવેલી આ વીગન લાઇફસ્ટાઇલ મૂળે ભારતીય વિચાર છે અને આજકાલ આપણે ત્યાં પણ ઇનથિંગ બની રહી છે ત્યારે જાણીએ આ વીગન જીવનપદ્ધતિ શું છે અને વનસ્પતિજન્ય મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સમાંથી કેવી ટેસ્ટી વાનગીઓ બની શકે છે.

કેમ છો મિત્રો, વીગન ફૂડ એટલે શું? બધા એક જ સરખો જવાબ આપશો કે વેજિટેરિયન ફૂડ એટલે કે શાકાહારી ખોરાકનું ટૂંકું નામ એટલે વીગન ફૂડ. હા, તમારો જવાબ તો સાચો છે, પરંતુ વીગનના બહોળા અર્થમાં પ્રાણીઓને પરેશાન કર્યા વગર મળતો ખોરાક ખાવાનું અનેરું મહત્વ છે. એટલે કે દૂધ અને એમાંથી બનતી આઇટમોને વીગન ફૂડમાં વર્જ્ય ગણવામાં આવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે; પરંતુ ગાય, ભેંસ, બકરી કે અન્ય કોઈ પ્રાણીઓ કે જેના દૂધનો ઉપયોગ માનવ સમુદાય દ્વારા કરવામાં આવે છે એના બદલે બદામનું દૂધ, લીલા નાળિયેરનું દૂધ, સોયાબીન મિલ્ક, સિંગદાણાનું દૂધ અને ઓટના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. આશ્ચર્ય થયુંને? આ દૂધનો ઉપયોગ કરીને અવારનવાર ભોજન બનાવવામાં આવે છે અને ખાસ્સું લોકપ્રિય છે. અમદાવાદ અને ખાસ કરીને ગુજરાત તથા અન્ય સ્થળોએ માત્ર વીગન ફૂડ આરોગતા અને એને ઉત્તેજન આપવા માટે જાગૃતિ ફેલાવતા અનેક લોકો છે. વીગન ફૂડ વિશે જાગૃતિ માટે તેઓ અવનવા કાર્યક્રમો કરતા રહે છે. બધા ભેગા મળીને એક જણના ઘરે વીગન પૉટલક પાર્ટીનું આયોજન કરે છે, જ્યારે રેસ્ટોરાંમાં પણ વીગન ફૂડનું મેનુ ક્યુરેટ કરે છે. ચાલો આપણે તેમના વીગન ફૂડ વિશેનાં મંતવ્ય જાણીએ અને એની રેસિપી પણ આપણે જાણીશું.

અમદાવાદમાં રહેતાં પ્રીતિ કપાસી વીગન શેફ અને કન્સલ્ટન્ટ છે અને તેઓ આ બાબતે જાગૃતિ ફેલાવવાનું ઘણું કામ કરે છે. તેમણે છેલ્લાં ત્રણ વર્ષથી વીગનિઝમ અપનાવ્યું છે. પ્રીતિબહેનના મત મુજબ વીગન એ માત્ર ફૂડ નથી, પરંતુ આ એક એવી લાઇફ-સ્ટાઇલ છે કે જેમાં કોઈ પણ પ્રાણી કે કુદરતને નિમ્નતમ પરેશાની થાય. વીગન ફૂડ એટલે પ્લાન્ટ બેઝ્ડ ફૂડ છે અને ડેરીની વસ્તુઓ તેમ જ મધ જેવી પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી ખાદ્ય ચીજો આરોગવામાં આવતી નથી. વીગન લાઇફ-સ્ટાઇલમાં ઊન, ફર, સિલ્ક, ચામડું, પીંછાંનો પણ પહેરવેશ કે જીવન ઉપયોગી વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવતો નથી.

પ્રતિષ્ઠિત સંસ્થા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના પ્રોફેસર રણજિત કોણકર ચુસ્ત વીગન છે અને તેઓ પણ એની જાગૃતિ માટે કામ કરતા રહે છે. પ્રો. કોણકર કહે છે કે હજારો લોકો વીગનિઝમમાં જોડાયા છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી જોડાઈ રહ્યા છે. વીગન ફૂડમાં ઝીરો કૉલેસ્ટરોલ, ફાઇબરનું ઊંચું પ્રમાણ અને ચરબી ઓછી હોય છે જે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે. વળી વીગન ફૂડ પચવામાં સરળ હોય છે અને પ્રાણીઓને નુકસાન કર્યા વગર મળતું હોવાથી એક સંતોષથી તમે આરોગી શકો છો.

છેલ્લાં દસ વર્ષથી વીગનિઝમ અપનાવનાર નેચરોપૅથ ડૉ. અલ્પા યાજ્ઞિકનું માનવું છે કે આ એક સંપૂર્ણપણે પ્લાન્ટ એટલે કે વૃક્ષો અને છોડ આધારિત ફૂડ છે. આ એક પૌરાણિક કન્સેપ્ટ છે, પરંતુ એની જાગૃતિ હમણાં આવી છે. છેલ્લાં પાંચ-સાત વર્ષમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું છે. મારી પ્રૅક્ટિસ દરમિયાન હું દરદીઓને વીગન ફૂડનો આરોગવાનો આગ્રહ રાખું છું, કારણ કે એના ઘણા આરોગ્ય બેનિફિટ છે.

દૂધ મેળવવા માટે ગાય, ભેંસ તથા અન્ય પશુઓ પર ભારે અત્યાચાર કરવામાં આવતો હોવાનું વીગન ઍક્ટિવિસ્ટ મુક્તિ મશરૂવાળાનું માનવું છે. તેઓ કહે છે કે દૂધ મેળવવા માટે જ ગાયનો ઉછેર કરવામાં આવે છે અને એને દૂધ આપતાં મશીન તરીકે જોવાય છે. જ્યારે વાછરડાનો જન્મ થાય છે ત્યારે એને માતાના દૂધની જરૂર હોય છે, પરંતુ એને ગાયથી દૂર રખાય છે. પાંચ વખત વાછરડાને જન્મ આપ્યા પછી જ્યારે ગાય વસૂકી જાય છે ત્યારે એને કતલખાને મોકલી દેવામાં આવે છે. એના કરતાં તો દૂધનો ઉપયોગ જ અટકાવી દઈએ તો પ્રાણીઓ પર થતો અત્યાચાર ઓછો થશે અને મારા નામની જેમ જ હું પ્રાણીઓની અત્યાચારથી મુક્તિ ઇચ્છતી હોવાથી વીગન ફૂડ અપનાવું છું. 

મલાઈ કોફતા

ગ્રેવી માટેની સામગ્રી
મધ્યમ સાઇઝની ડુંગળી – બે નંગ
લસણ – ૧૦ કળી
કાજુ - ૧/૪ કપ
તરબૂચ અથવા કોળાનાં બીજ - ૧/૪ કપ
ખસખસ - ૧ ચમચી
મીઠું સ્વાદ મુજબ
૨-૩  ચમચી ગરમ મસાલા (તીખું પસંદ હોય તો સ્વાદ મુજબ મસાલો ઉમેરવો)
ખજૂરની પેસ્ટ (મીઠાશ માટે)

કોફતા માટેની સામગ્રી

નાના બટાટા – ૨ નંગ
ટોફુ – ૧૦૦ ગ્રામ
આરાલોટ  અથવા બ્રેડ ક્રમ્સ - ૧ ચમચી
બ્રાઉન ચોખાનો લોટ - ૧ ચમચી
૧૦ નંગ બદામનો ભૂકો
લીલાં મરચાંની પેસ્ટ - ૧ ચમચી

રીત

ગ્રેવી : કાજુ, કોળાનાં બીજ તથા ખસખસને બે કલાક પહેલાં પલાળીને રાખવા મૂકવાં. પછી એની મુલાયમ પેસ્ટ મિક્સરમાં બનાવવી. એ જ મિક્સરના જારમાં કાંદા અને લસણને વાટી લેવાં. હવે ગ્રેવી માટે સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. એમાં આ કાંદા-લસણની પેસ્ટ ઉમેરી સોતે કરવું. ચપટી મીઠું નાખી ધીમા ગૅસ પર સાંતળવું. પાણીની છાલક મારવી જેથી પેસ્ટ કડાઈમાં ચોંટે નહીં. પેસ્ટ સરખી રીતે સોતે થાય એટલે ગરમ મસાલો ઉમેરવો. ૩-૪ મિનિટ ઢાંકી ચડવા દેવું. હવે એમાં કાજુની પેસ્ટ નાખવી. હવે મીઠું અને  ખજૂરની પેસ્ટ ઉમેરવાં. હવે એમાં માપસર સરખું પાણી ઉમેરી ગ્રેવીને જાડી થવા દેવી. ૫-૭ મિનિટ ચડવા દેવું. આ ગ્રેવી થોડી જ વારમાં જાડી થઈ જાય જેથી પાછળથી પાણી ઉમેરવું પડે.

કોફતાની રીત 

બટાટા બાફીને એનો માવો બનાવવો. હવે એમાં બ્રાઉન ચોખાનો લોટ, આરાલોટ, લીલાં મરચાંની પેસ્ટ અને મીઠું નાખી બરાબર મિક્સ કરો. આ પૂરણના નાના ગોળા વાળી તૈયાર કરવા. ટોફુમાંથી બધું પાણી નિતારી લો અને એને બરાબર મસળી લો. હવે એમાં બદામનો પાઉડર અને મીઠું ઉમેરો. બધું મિક્સ કરી દેવું. હવે બટાટાનો એક નાનો લૂવો લઈ હથેળીથી એના ગોળાને દબાવી વચ્ચે ટોફુનું પૂરણ ભરી બધી કૉર્નર બંધ કરી ગોળા તૈયાર કરવા. તેલમાં તળી લેવા અથવા ૧૭૦ ડિગ્રીમાં ૮-૧૦ મિનિટ અવનમાં બેક કરી લેવા. કોફતા ઠંડા થાય એટલે ગરમ ગ્રેવીમાં ઉમેરવા. તૈયાર છે મલાઈ કોફતા.

tiku-rokata

ટોફુ રિકોટા

સામગ્રી: 

ટોફુ - ૧ પૅકેટ (૨૫૦ ગ્રામ)
વાટેલું લસણ - ૧ ચમચી 
ન્યુટ્રિશનલ યીસ્ટ - ૧/૮ કપ
મીઠું – સ્વાદ મુજબ
મરી - ૧/૪ ચમચી 
કોથમીર સમારેલી - ૧/૨ ચમચી 
સુકા તુલસી - ૧/૨ ચમચી
ઓરેગાનો - ૧/૨ ચમચી
લીંબુ જૂસ - ૧/૮ કપ
સોયા મિલ્ક – ૧/૮ કપ

રીત

ટોફુ રિકોટા એક એવી સામગ્રી છે કે જે ચીઝ સ્પ્રેડની ગરજ સારે છે. તૈયાર થયા પછી બ્રેડ, ગાર્લિક બ્રેડ, કડક પૂરી કે અન્ય ક્રન્ચી ફરસાણ પર સ્પ્રેડ કરીને ખાવામાં આવે છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. એની રીત પણ સરળ છે. ઉપરોક્ત જણાવેલી બધી સામગ્રી ફૂડ પ્રોસેસરમાં નાખી એક મુલાયમ પેસ્ટ બનાવો. સ્વાદ મુજબ પેસ્ટમાં ફેરફાર કરી શકાય છે. પેસ્ટ તૈયાર થઈ જાય પછી એક ડબ્બામાં પૅક કરીને રેફ્રિજરેટરમાં મૂકી રાખવી. જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે કાઢવી. ન્યુટ્રિશનલ યીસ્ટ વીગન-ફ્રેન્ડ્લી સામગ્રી છે જે પેસ્ટને ચીઝ જેવો સ્વાદ આપે છે.

badam-anjeer-cake

બદામ-અંજીર કેક

સામગ્રી

આખા ઘઉં નો લોટ - બે કપ
ગોળ – ૧ કપ
સૂકા અંજીરના નાના ટુકડા - ૧૦૦ ગ્રામ
પલાળેલી બદામ - ૨૦૦ ગ્રામ
બેકિંગ સોડા - ૧ ચમચી
બેકિંગ પાઉડર - ૧/૨ ચમચી 
મીઠું - ૧/૨  ચમચી
ઍપલ સાઇડર વિનેગર - ૧ ચમચી 
વૅનિલા એસેન્સ - ૧ ચમચી
સોયા મિલ્ક - દોઢ  કપ 
બદામની કતરણ સજાવવા માટે.

બનાવવાની રીત

અવનને ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ (૩૫૦F) પર પ્રીહીટ કરવું. હવે એક ૩૦ સેન્ટિમેટરની ચોરસ બેકિંગ ટ્રે લઈ એના પર ગ્રીસપ્રૂફ પેપર મૂકવું. પછી બધી કોરી સામગ્રી એક મોટા વાસણમાં મિક્સ કરવી. ત્યાર બાદ પલાળેલી બદામની પેસ્ટ બનાવવી. એક વાસણમાં ગોળ અને સોયા મિલ્કની પેસ્ટ બનાવવી. એમાં વૅનિલા એસેન્સ અને ઍપલ સાઇડર વિનેગર ઉમેરવું. હવે કોરી સામગ્રી આ લિક્વિડ સામગ્રીમાં મિક્સ કરવી. બધું સરખી રીતે હલાવવું. પછી બદામ અને અંજીરના ટુકડા ઉમેરવા. છેલ્લે બદામની કતરણ ઉપર ભભરાવવી. અવનમાં ૩૦ મિનિટ બેક કરો. ચપ્પુ નાખી ચેક કરો. ચપ્પુ કોરું નીકળે એટલે સમજવું કેક તૈયાર છે. 

સાઇડર સિરપ

એક નાના સૉસ પૅનમાં નારંગીનો જૂસ ગરમ કરવા મૂકો. એમાં ૧/૨ કપ પાણી, ૧ ચમચી લીંબુનો રસ, ૧/૪ કપ ગોળ, ૧ ચમચી તજ પાઉડર ઉમેરો. એક ઊભરો આવી જવા દો. પાંચ મિનિટ ધીમા તાપે ઉકાળો. ગરમ કેક પર આ સિરપ રેડો. તૈયાર છે કેક. આ સિરપ ઉમેરવાથી કેક સૉફ્ટ અને ટેસ્ટી લાગશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK