Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > જાણો પર્યુષણમાં કંઈક હટકે અને ફૅન્સી વાનગીઓ બનાવીએ

જાણો પર્યુષણમાં કંઈક હટકે અને ફૅન્સી વાનગીઓ બનાવીએ

29 August, 2019 04:00 PM IST | મુંબઈ
પર્યુષણ સ્પેશ્યલ - અલ્પા નિર્મલ

જાણો પર્યુષણમાં કંઈક હટકે અને ફૅન્સી વાનગીઓ બનાવીએ

મુકુંદવડી

મુકુંદવડી


પર્યુષણમાં તપ ન કરતા જૈનો પણ ખાવાપીવાના ચોક્કસ નિયમો પાળે જ છે. કોઈ પણ પ્રકારની લીલી શાકભાજી, ફળ, એની સુકવણીઓ, આખાં કઠોળ, બહારના રવો, મેંદો, પૌંઆ, મમરા, ટમૅટો કેચપ, રેડીમેડ સૉસ, વિનેગર, નૂડલ્સ, લોટ, પનીર, ચીઝ, શરબત, ફ્રૂટ જૅમ, એસેન્સ આદિનો ઉપયોગ કરતા નથી. ત્યારે આપણે જોઈએ આ દરેક વસ્તુ વગર કઈ વાનગી બનાવી શકાય જે સ્વાદિષ્ટ હોવા સાથે નિર્દોષ પણ છે.

મુકુંદવડી



સામગ્રી


વડી માટે

૧ કપ અડદની દાળ, સ્વાદાનુસાર મીઠું, મલમલનું મોટું કપડું.


ગ્રેવી માટે

દોઢ કપ ખાટું દહીં, વઘાર માટે તેલ, રાઈ, જીરું અને હિંગ, હળદર, ધાણાજીરું, લાલ મરચું, મીઠું સ્વાદાનુસાર, સાકર (ઑપ્શનલ)

બનાવવાની રીત

અડદની દાળને અઢીથી ત્રણ કલાક પલાળવી. પલાળેલી દાળને પાણી વિના મિક્સરમાં કરકરી પીસવી. તૈયાર થયેલા મિશ્રણમાં જરૂર પૂરતું મીઠું નાખીને હાથેથી લૂઓ બનાવવો અને મલમલના કપડામાં મૂકીને ટાઇટ પોટલી બનાવી દેવી.

એક મોટા તપેલામાં પોટલી કરતાં ત્રણગણું પાણી લઈ ઉકાળવું. પાણી બૉઇલ થવા લાગે એટલે ગૅસ સ્લો કરી પીસેલી દાળની પોટલી એ તપેલામાં રાખી દેવી. ૨૦થી ૨૫ મિનિટ પાણીમાં પોટલી બરાબર ઊકળશે એટલે અંદર રહેલી દાળ બરાબર પાકશે અને આપોઆપ તપેલીમાં પોટલી તરવા લાગશે. એ વખતે ગૅસ બંધ કરીને પોટલીને પાણીમાંથી બહાર કાઢી લેવી અને ખૂબ ધ્યાનથી વધારાનું પાણી નિતારીને પોટલી ખોલવી. આ બની મુકુંદવડી. એક મોટા લૂઆમાંથી ચાકુ વડે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવા.

એક પહોળી કઢાઈમાં વઘાર માટે તેલ નાખવું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, હિંગ નાખવાં. રાઈ તતડે એટલે એમાં દહીં નાખવું અને સાકર સિવાયનો બધો જ મસાલો નાખવો. દહીં ગરમ થાય અને તેલ-મસાલા દહીં પર તરવા લાગે એટલે એમાં મુકુંદવડીના નાના પીસ નાખી દેવા. થોડુંક પાણી નાખવું અને ફરી એક વાર બધું જ એકરસ થવા દેવું. આ ડિશ થોડીક રસાવાળી હોય તો વધુ સારી લાગે છે એટલે પાણીનું પ્રમાણ વધુ રાખવું. આ વાનગી એકલી પણ ખાઈ શકાય અને ઘી-પરોઠા સાથે પણ.

ટિપ્સ

ગટ્ટાના શાક જેવી જ રીત ધરાવતી આ ડિશનો બેસ્ટ પાર્ટ એ છે કે એમાં બિલકુલ મોણ નાખવાની જરૂરત નથી, જ્યારે ગટ્ટામાં ભારોભાર તેલનું મોણ પડે છે. ગટ્ટા ચણાના લોટના હોવાથી એ પ્રૉપરલી બફાયા ન હોય તો અંદરથી કાચા રહી જાય છે અને એનું શાક સૂકું થઈ જાય છે. જ્યારે અડદની દાળ કરકરી પીસેલી હોવાથી સરસ રીતે બફાય છે અને પાણીમાં બાફી હોવાથી સૂકી પણ નથી લાગતી.

આ ડિશમાં ફક્ત વઘાર પૂરતું જ તેલ વાપરવાનું હોવાથી હાર્ટ-પેશન્ટ અને ડાયટ-કૉન્શ્યસ લોકો માટે આ વાનગી બહુ કામની છે.

મગની દાળ અને ચણાની દાળમાંથી પણ આ જ રીતે મુકુંદવડી બનાવી શકાય. જોકે ધ્યાન એ રાખવું કે દરેક દાળને કરકરી અને સૂકી પીસવાની છે. એનું ખીરું કડક હોય એ જરૂરી છે.

roti-noodles

ચીઝી રોટી નૂડલ્સ

સામગ્રી

રોટી  માટે

બે કપ ચોખાનો લોટ, પા કપ મેંદાની ચાળણીથી ચાળેલો અતિ બારીક ઘઉંનો લોટ, મીઠું સ્વાદાનુસાર, લોટ બાંધવા માટે નૉર્મલ ટેમ્પરેચરવાળું પાણી

નૂડલ્સ મસાલા માટે

બે ચમચી સૂંઠ, બે ચમચી આમચૂર પાઉડર, બે ચમચી લાલ કાશ્મીરી મરચું, અડધી ચમચી મરી પાઉડર, હળદર, મીઠું, સંચળ, અડધી ચમચી બૂરું સાકર, આ દરેક પાઉડરને ભેળવી લેવો અને બૉટલમાં ભરી દેવો. પછી જરૂર પૂરતો વાપરવો.

ચીઝ બનાવવા માટે 

બે કપ દૂધ, દૂધ ફાડવા માટે ત્રણ ચમચી દહીં, એક ચમચી ઘરે કાઢેલો મેંદો, દોઢ ચમચી ગાયનું ઘી, ચપટી હળદર, સ્વાદાનુસાર મીઠું

ચીઝ બનાવવાની રીત

દૂધ ગરમ કરવું. એમાં ઊભરો આવે એટલે એક-એક ચમચી દહીં (જરૂર પડે તો બીજું લેવું) નાખતા જવું. જ્યાં સુધી પનીર અને પાણી છૂટાં ન પડે ત્યાં સુધી ગૅસ ચાલુ રાખવો અને હલાવતા જવું. પર્યુષણમાં લીંબુ, વિનેગર ન  વપરાતાં હોવાથી દહીંથી દૂધ ફાડી પનીર બનાવાય છે.

બારીક ગળણી વડે અથવા મલમલના ટુકડા વડે પાણી અને પનીર છૂટાં પાડવાં. હાથેથી દબાવીને પનીરમાંથી બધું જ પાણી કાઢી નાખવું અને થોડું સુંવાળું થાય ત્યાં સુધી હાથેથી મસળવું.  ત્યાર બાદ એમાં મેંદો, હળદર, ઘી મિક્સ કરી આ મિશ્રણને મિક્સરમાં એકસરખું બ્લેન્ડ કરવું.  મિક્સરના જારમાંથી બહાર કાઢીને એ મિશ્રણને ડબ્બામાં સેટ કરવા ફ્રિજમાં મૂકવું. ફક્ત ૧૦ મિનિટમાં જ એ સેટ થઈ જશે.

નૂડલ્સ બનાવવાની રીત

ચોખા અને ઘઉંના લોટને મિક્સ કરી એમાં મીઠું નાખી મોણ વિના જ નૉર્મલ પાણી વડે રોટલી જેવી કણક બાંધવી. કણક બાંધ્યા પછી દસ મિનિટ ઢાંકીને રાખવી. ત્યાર બાદ બહુ પાતળી નહીં એવી મોટી રોટલી બનાવવી. તવી પર જે રીતે રોટલી શેકીએ એ જ રીતે આ રોટલી શેકવી. બહુ ભાત ન પાડવી, પરંતુ રોટલી સંપૂર્ણપણે શેકાઈ ગયેલી હોવી જોઈએ. આ રીતે બધી જ રોટલી બનાવી લેવી અને એને ઠંડી થવા દેવી.

ઠંડી થયેલી રોટલીને એકની ઉપર એક મૂકી પાંચ-સાત રોટલીનો થપ્પો કરવો. એ થપ્પાને  પાટલા પર મૂકી ગોળ-ગોળ રોલ કરવો અને એ રોલના એક સાઇડથી ચાકુ વડે થ‌િન પીસ કરવા. આમ રોટલીના નૂડલ્સ જેવા લાંબા, પાતળા ટુકડા થશે. પછી આ ટુકડાઓને થોડા-થોડા લઈ નૉનસ્ટિક પૅનમાં ક્રિસ્પ કરવા. આ વખતે નૂડલ્સને હળવા હાથે ટૉસ કરવા જેથી એ ભાંગે નહીં. માઇક્રોવેવ અને કન્વેક્શન અવનમાં પણ ક્રિસ્પ કરી શકાય. ધ્યાન રાખો, અહીં નૂડલ્સને કરકરા કરવાના છે, સકરપારા જેવા કડક નહીં. આ રીતે બધા નૂડલ્સ તૈયાર કરી લેવા.

પછી જે પ્રમાણે જરૂર હોય એટલા સર્વિંગ બનાવવા. બધા એકસાથે બનાવવી નહીં. એક સર્વિંગ માટે એક પહોળા વાસણમાં થોડું તેલ લેવું. એ ગરમ થાય એટલે એમાં ૩૦૦  મિલીલીટર  પાણી ઉકાળવું. પછી થોડું મીઠું અને એક ચમચી નૂડલ્સનો મસાલો નાખવો. આ મસાલો ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ પ્રમાણે વધારે/ઓછો  નાખવો. મસાલો પાણીમાં ભળી જાય અને સોડમ આવવા લાગે એટલે નૂડલ્સ નાખી તરત ગૅસ બંધ કરવો. હળવા હાથે હલાવતાં નૂડલ્સ એ પાણી શોષી જાય એટલે એને સર્વિંગ બોલમાં કાઢી એના પર સેટ કરવા મૂકેલું ચીઝ ખમણીને નાખવું. થઈ ગયા ચીઝી રોટી નૂડલ્સ તૈયાર.

ટિપ્સ

ઘઉંની રોટલીમાંથી પણ આ રીતે નૂડલ્સ બનાવી શકાય. ચોખાના પ્રમાણમાં ઘઉંનો લોટ બહુ ઝડપથી પાણી શોષે છે આથી નૂડલ્સ બનાવતી વખતે પાણીનું પ્રમાણ હજી ઓછું રાખવું. 

* આ વાનગીમાં રોટલીઓ બે-ત્રણ કલાક પહેલાં પણ બનાવીને રાખી શકાય છે. એ જ રીતે પનીર અને ચીઝ અન્ય ડિશિસ માટે પણ વાપરી શકાય. પણ હા, એ બનાવ્યું એ જ દિવસે વાપરી લેવું.

yogurt

આમન્ડ યોગર્ટ

સામગ્રી 

બે કપ તાજું મોળું દહીં, બે કપ ઘરે બનાવેલું કન્ડેન્સ્ડ મિલ્ક, પા કપ દૂધ, અડધો કપ સાકર (મીઠાશ તમારા સ્વાદ મુજબ ઍડજસ્ટ કરી શકો), ૮થી ૧૦ આખી બદામ (ફોડ્યા વિનાની)

કન્ડેન્સ્ડ મિલ્ક માટેની સામગ્રીઃ ૧ લીટર દૂધ, ૨૦૦થી ૨૫૦ ગ્રામ ખાંડ

જાડા તળિયાવાળા તપેલામાં દૂધ ગરમ કરવું. ઊભરો આવે એટલે એમાં ખાંડ અને સોડા ભેળવી દેવાં અને દૂધ સતત હલાવતાં રહેવું જેથી દૂધ તપેલામાં ચોંટે નહીં. દૂધ રબડી જેવું ગાઢું થવા લાગે એટલે લગભગ ૩૦૦ મિલીલીટર જેટલું દૂધ રહેશે. એને ગૅસ પરથી ઉતારીને ઠંડું કરવા મૂકવું અને ઠર્યા પછી ફ્રિ‍જમાં મૂકવું.

બનાવવાની રીત

સૌપ્રથમ આગલી રાત્રે જમાવેલા દહીંને મલમલના કપડામાં લગભગ બે કલાક સુધી બાંધી પાણી નિતાર્યા બાદ રહેલા દહીંના મસ્કાને એક વાસણમાં કાઢી લેવો. જેટલું દહીં હોય એટલા જ પ્રમાણમાં કન્ડેન્સ્ડ મિલ્ક ભેળવવું. જરૂર પડે તો એમાં સાકર ભેળવીને મિશ્રણને પ્રૉપર મિક્સ કરવું. આ મિશ્રણમાં પા કપ જેટલું દૂધ નાખીને ફેંટવું અને કોઈ ગઠ્ઠા ન રહી જાય એનું ધ્યાન રાખવું.

ત્યાર બાદ ઢોકળિયા અથવા તો કડાઈમાં સમાય એટલો ડબ્બો લઈને એને ઘી વડે ગ્રીસ કરવો. તૈયાર થયેલા યોગર્ટને આ ડબ્બામાં રેડીને બરાબર ફેલાવી દો. એ ડબ્બાને બંધ કરીને ઢોકળિયા અથવા કડાઈમાં સ્ટૅન્ડ નાખીને રાખી દો. વાસણમાં પાણી ભરી દો અને મીડિયમ તાપ પર ૩૦ મિનિટ સુધી એને ગૅસ પર રહેવા દો. ગૅસ ફાસ્ટ ન કરવો. જો વાસણમાં પાણી ખલાસ થઈ જાય તો ફરીથી થોડુંક ઉમેરો. અડધા કલાક બાદ ગૅસ બંધ કરી યોગર્ટના ડબ્બાને બહાર કાઢીને તરત એનું ઢાંકણું ખોલી નાખો. રૂમ ટેમ્પરેચર આવી જાય એટલે જેમ કેક ઊથલાવીએ એમ સર્વિંગ પ્લેટને ડબ્બાની ઉપર ઊંધી મૂકી ડબ્બો ઊલટાવી દો. આખેઆખા દહીંની કેક બહાર આવી જશે. ધ્યાન રહે કે સ્ટીમ થયા બાદ જ્યારે ડબ્બો કાઢો ત્યારે તરત જ એનું ઢાંકણું ખોલી નાખવું અને એકદમ ઠંડું થઈ જાય એ પછી જ સર્વિંગ ડિશમાં કાઢવું. ગરમ હશે તો યોગર્ટ ભાંગી જશે. જોકે યોગર્ટ કેક ભાંગી જશે તોય એનો ટેસ્ટ તો યમ્મી જ રહેવાનો છે. તૈયાર યોગર્ટ પર આખી બદામનું કતરણ કરીને સજાવટ કરવી.

ટિપ્સ

જૈન નિયમ મુજબ એક રાત જાય એવું જ દહીં ભક્ષ્ય છે. વહેલી સવારે કે દિવસે જમાવેલું દહીં એ જ દિવસે વપરાતું નથી. આગલી સાંજે કે રાત્રે જમાવેલું દહીં જ વપરાય છે. દહીં જામી ગયા પછી એક દિવસ, એ રાત્રિ અને બીજો દિવસ જ ખપે છે. ત્યાર બાદ દહીંમાં અનેક જીવોત્પત્તિ થઈ જાય છે. દહીં જો જામેલું જ રહે અને પહેલા દિવસે ભાંગ્યું ન હોય છતાં રાત્રે એને પાણી વગર વલોવી લેવાનું હોય છે.

કન્ડેન્સ્ડ મિલ્ક પણ બનાવ્યા પછી એ જ દિવસે વાપરી નાખવાનું રહે છે અને યોગર્ટ પણ.

ચોમાસામાં સૂકો મેવો વપરાતો નથી, ફક્ત ફોડવાની બદામ વપરાય. એ પણ આજે જ તોડી અને આજે જ વાપરી લીધી. જો એ વધી ગઈ હોય તો ઘીમાં તળી નખાય. આ તળેલી બદામ ૧૫ દિવસ સુધી વાપરી શકાય. એ જ દિવસે ફોડેલી બાદમ જો કોઈ સૂકી મીઠાઈ, સુખડી કે મોહનથાળમાં નખાય તો એનો કાળ ૧૫ દિવસનો રહે છે.

આ પણ વાંચો : આવી રીતે બનાવો જૈન ટમૅટો રાવીઓલી

બદામ બહુ ભાવતી હોય અને યોગર્ટમાં એનો વિશેષ ટેસ્ટ જોઈતો હોય તો કન્ડેન્સ્ડ મિલ્ક બનાવતી વખતે જ બદામનો ભૂકો દૂધમાં નાખી દેવો. દૂધ સાથે ઊકળીને બદામની ફ્લેવર મસ્ત રીતે કન્ડેન્સ્ડ મિલ્કમાં ઊતરી જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2019 04:00 PM IST | મુંબઈ | પર્યુષણ સ્પેશ્યલ - અલ્પા નિર્મલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK