પાણીપૂરી મિસળ, તંદૂરી મિસળ, ચૉકલેટ મિસળ, મિસળ મેક્સિકન...મિસળ ઇમ્પૉસિબલ

Published: Feb 13, 2020, 17:34 IST | Sejal Patel | Mumbai Desk

દાદરના પ્લાઝા સિનેમાની બાજુમાં આવેલા ‘ધ હાઉસ ઑફ મિસળ’માં હજી એક વીક પહેલાં જ અવનવી વરાઇટીનાં મિસળ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યાં છે. કુલ ૪૦ વરાઇટી ધરાવતા આ મિસળધામમાં તમે આખો મહિનો જાઓ તોય એકનું એક મિસળ ફરી ખાવાનો વારો ન આવે

મિસળ મહારાષ્ટ્રિયન વાનગી છે. જેમ ગુજરાતીઓમાં પ્રાંતે-પ્રાંતે બટાટાના શાકની ફ્લેવર બદલાય એમ મહારાષ્ટ્રમાં પણ પ્રાંતે-પ્રાંતે આગવી છાંટ ધરાવતાં મિસળ બદલાય. કોંકણ, પુણે, નાશિક, માલવણી, કોલ્હાપુર એમ દરેક ગ્રામીણ જગ્યાએ સ્થાનિક મસાલાઓની ખાસિયતવાળાં મિસળ મળે. મુંબઈગરાઓને જે મિસળ ભાવે છે એની પણ અલગ ફ્લેવર છે. મિસળના શોખીન હો તો આ બધા જ પ્રકારનું મિસળ તમને એક જ છત્ર તળે ખાવા મળી જાય એવું હવે સંભવ છે. દાદરના પ્લાઝા સિનેમાની બાજુમાં આવેલી ‘ધ હાઉસ ઑફ મિસળ’ તમારી મિસળ વિશેની તમામ જિજ્ઞાસાઓ સંતોષશે. હજી અગિયાર મહિના પહેલાં જ આ ઈટરી ખૂલી છે અને એ વખતે અહીં ટ્રેડિશનલ મિસળનો જ રસથાળ પીરસવામાં આવતો હતો. જોકે હવે એમાં પરંપરાગત ચટાકાને બરકરાર રાખીને ટ્રેન્ડી ડિશિસ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ઈટરી સ્પેશ્યલ એટલા માટે પણ છે કેમ કે એ એક રિટાયર્ડ મહારાષ્ટ્રિયન આન્ટીએ શરૂ કરી છે. બીએમસીમાં ઍડ્મિનિસ્ટ્રેટર ઑફિસર તરીકે નિવૃત્ત થયા પછી નવરાશના સમયમાં શું કરવું એની પળોજળમાંથી શ્રદ્ધા પવારે ૬૫ વર્ષની ઉંમરે આ વેન્ચર શરૂ કર્યું છે. હા, એમાં તેમને દીકરા ગૌરવનો સપોર્ટ જરૂર છે, પરંતુ દીકરો તો મલ્ટિનૅશનલ કંપનીમાં પ્રોજેક્ટ મૅનેજરનું કામ કરે છે.
અહીંની વિશેષતા ગણાતાં પાણીપૂરી મિસળ અને તંદૂરી મિસળનો ઑર્ડર આપીને શ્રદ્ધા પવાર સાથે થોડીક ચિટચૅટ કરવાનો મોકો મળ્યો. હાલમાં ૬૬ વર્ષનાં શ્રદ્ધા પવારને કઈ રીતે આવો ઑન્લી મિસળનું આઉટલેટ ખોલવાનો વિચાર આવ્યો? એ વિશે શ્રદ્ધાતાઈ કહે છે, ‘મારા દીકરા ગૌરવને મિસળ બહુ જ ભાવે. તે જ્યાં જાય ત્યાં અવનવાં મિસળ ટ્રાય કરે, પણ મને કહે કે આઈ, તારા જેવો સ્વાદ મને ક્યાંય નથી મળતો. તેની આવી વાતો સાંભળીને મને પણ જોમ ચડે. મહારાષ્ટ્રમાં જ્યારે પણ ફરવાનું થાય ત્યારે સ્થાનિક ગ્રામીણ વિસ્તારોમાં મિસળ ખાવાનું બને અને હું ત્યાંના મસાલાઓ વાપરીને ઘરે એ મિસળ બનાવું. જૉબમાંથી રિટાયર થયા પછી બહુ બોર થતી. ગૌરવના દોસ્તો પણ મારે ત્યાં મિસળ ખાવા આવતા. એમાંથી જ વિચાર આવ્યો કે સાવ બેસી રહું છું એના કરતાં કંઈક કરું. ગૌરવે કહ્યું કે મિસળ આઉટલેટ જ નાખીએ. પહેલા છ મહિના તો અમે ઘરે જ બધી ડિશિસની રેસિપી ફાઇનલ કરી અને પછી દાદરમાં એક નાનો ગાળો લઈને આ કામ શરૂ કર્યું.’
ટિપિકલ મહારાષ્ટ્રિયન બનાવટ હોવાને કારણે અહીંનાં તમામ ટ્રેડિશનલ મિસળનો યુનિક ટેસ્ટ તમે અલગ તારવી શકો. લગભગ મોટા ભાગના મિસળમાં મટકી એટલે કે મઠ જ વપરાય. એ પણ ફણગાવેલાં જ હોય છે. માત્ર મુંબઈ મિસળમાં સફેદ વટાણા વપરાય. વરહાડી મિસળ નાગપુર બાજુનું હોય છે. તીખા ગાંઠિયા અને મિક્સ ફરસાણ હોય. કોલ્હાપુરી મિસળ તીખુંતમતમતું અને નાક-કાનમાંથી ધુમાડા કાઢી દે એવું હોય. એમાં ફરસાણ પણ તીખું જ હોય અને કાંદા અને કોપરાનો મસાલો હોય. પુણેરી મિસળ માઇલ્ડ હોય અને એમાં પાપડી, સેવ, તીખી બુંદી જેવું ફરસાણ હોય. નાશિકના ખાસ મિસળમાં કાંદા અને નારિયેળને ભઠ્ઠીમાં શેકીને એનો કાળો મસાલો તૈયાર કરવામાં આવે અને તીખી સેવ સાથે અને ગાંઠિયા સાથે સર્વ કરવામાં આવે. માલવણી મિસળમાં નારિયેળનો સ્વાદ વધુ સ્પષ્ટ હોય. દરેક મિસળ ચાખતાં-ચાખતાં એની વિશેષતા વિશેની શ્રદ્ધાતાઈ સાથેની વાતોથી મિસળ વિશે ખાસ્સું જ્ઞાન મળ્યું.
ત્યાર બાદ અમે ટ્રાય કર્યાં હટકે ટાઇપનાં મિસળ. તંદૂરી મિસળ અહીંની ખાસ સ્પેશ્યલિટી છે. લોકો અહીં એ ખાવા માટે દૂર-દૂરથી આવે છે. તંદૂરી મિસળ માટલામાં સર્વ કરવામાં આવે ને અંદર સળગતો કોલસો પણ હોય. મટકામાં પહેલાં ફણગાવેલી મટકી હોય, એના પર ફરસાણનું લેયર મૂકે અને પછી એક વાટકીમાં સળગતા કોલસા પર વઘાર કરીને એને મટકીમાં મૂકીને ઢાંકણું બંધ કરી દેવામાં આવે. અંદર કોલસાની સ્મોક મટકી અને ફરસાણમાં ભળે. તમને સર્વ કરવામાં આવે એ પછી વેઇટર ચીપિયો લઈને કોલસાની વાટકી કાઢી લે. બીજા વાટકામાં અલગ સર્વ થયેલી તરી મટકામાં નાખીને તંદૂરી મિસળ ખાવાનું. જો વઘાર થોડીક વાર બંધઢાંકણે રહ્યો હોય તો ફરસાણ અને મઠમાં સ્મોક સરસ ઍબ્સૉર્બ થયાની સ્મેલ ખાવામાં આવે. જાણે ગામડામાં ચૂલા પર બનેલું મિસળ ખાતા હોઈએ એવું લાગે.
એ પછી અમે ટ્રાય કર્યું પાણીપૂરી મિસળ. આ મિસળમાં પાંઉની જગ્યા પાણીપૂરીએ લીધી છે. એક ડિશમાં આઠ પાણીપૂરીની અંદર બાફેલા બટાટાનું પૂરણ, તીખી ફુદીનાની ચટણી અને સેવ નાખીને આપવામાં આવે અને સાથે ફણગાવીને વઘારેલાં મઠ અને તરી હોય. તમારે મઠને પાણીપૂરીમાં ભરી અને ફુદીનાના પાણીની જગ્યાએ તરી નાખીને ખાવાની. હા, ડિશમાં જરીક અમથી એક બીજી ચટણી પણ છે. ખજૂર-આમલી અને ફુદીનાનું મિશ્રણ એમાં છે. એ ચપટીક ચટણી પાણીપૂરીમાં નાખશો તો મિસળની સાથે પાણીપૂરીનું મસ્ત સંયોજન જીભ પર થશે. આ ખજૂર-આમલીની ચટણી ચટપટી છે, જે આખી ડિશનો સ્વાદ બદલી નાખે છે.
લેટેસ્ટ ઉમેરણ છે મિસળ મેક્સિકન. આ મિસળને સર્વ કરતી વખતે પાંઉ તો આપવામાં આવે જ છે, પણ સાથે મેક્સિકન નાચોઝ પણ છે. ફણગાવેલા મઠના મિસળની ઉપર જે ફરસાણ ભભરાવવામાં આવ્યું છે એમાં મેક્સિકન રેડ ચટણી ભેળવેલી છે અને ઉપરથી નાચોઝની સજાવટ છે. નાચોઝની મદદથી તમે મિસળનો લુત્ફ ઉઠાવી શકો છો. એમાં તીખાશ ઓછી હોવાથી કોઈને વધુ સ્પાઇસી જોઈતું હોય તો અલગથી લસણ-આદુંની મેક્સિકન ચટણી પીરસાય છે જે સ્વાદમાં મેક્સિકન કરતાં શેઝવાન જેવી વધુ લાગે છે. જોકે એ ચટણી ઉમેરવાથી મિસળનો સ્વાદ એકદમ બદલાઈ જાય છે. યસ, એ મેક્સિકન ટેસ્ટ છે એવું ન કહી શકાય, પણ જીભને ભાવે એવો જરૂર છે.
મિસળ જેવી ચીજો હવે બાળકોને બહુ નથી ભાવતી. એ માટે શ્રદ્ધાતાઈએ ચૉકલેટ સાથે પ્રયોગ કરીને ચૉકલેટ મિસળ તૈયાર કર્યું છે. મઠના રગડાની અંદર ફરસાણમાં ચૉકલેટ સૉસ અને મિસળની તરી નાખીને સ્વીટ કમ સ્પાઇસી કિડ્સ સ્પેશ્યલ મિસળ બનાવવામાં આવ્યું છે. એના પર સજાવટ માટે જેમ્સની રંગબેરંગી ટીકડીઓ છે. મિસળમાં ચૉકલેટનો સ્વાદ અમને તો થોડોક વિચિત્ર લાગ્યો, પરંતુ બીજા ટેબલ પર નવ-દસ વર્ષનાં બે બાળકો મજ્જેથી આ ચૉકલેટ મિસળ ખાતાં જોવા મળ્યાં.
આ ઉપરાંત પનીર ટિક્કા મિસળ અને કૉર્ન ચીઝ મિસળ જેવાં ફ્યુઝન પણ અહીં છે. અમે કૉર્ન ચીઝ મિસળ ટ્રાય કર્યું. એમાં મઠની ઉપર બાફેલાં અને બટરમાં સહેજ વઘારેલાં કૉર્ન હતા. ઉપર ખૂબબધા ચીઝથી એની સજાવટ થયેલી. એ મિસળ પ્રમાણમાં મોળું લાગ્યું, પરંતુ કૉર્ન અને ચીઝનો સ્વાદ સારો હતો.
એક જ બેઠકે એટલાંબધાં મિસળ ટ્રાય કરી લીધેલાં કે પેટ તો ભરાઈ જ ગયેલું, પણ જીભ પણ જાતજાતના સ્વાદથી સંતુષ્ટ થઈ ચૂકેલી. અમે ચાખી એના કરતાંય વધુ વરાઇટીઝ અહીં છે, પણ એ ક્યારેક તમે જાતે જ ટ્રાય કરી આવી શકો.

કેવાં મિસળ છે?
ટ્રેડિશનલ મિસળઃ વરાહડી, નાશિક, કોલ્હાપુરી, માલવણી, મૅન્ગ્લોરિયન, પુણેરી, મુંબઈ
સ્ટફ્ડ મિસળઃ પોહા મિસળ, વડા મિસળ, સમોસા મિસળ, ભજ્જી મિસળ, કોથમ્બીર વડી મિસળ
ટ્રેન્ડીઃ કૉર્ન ચીઝ, મન્ચુરિયન, શેઝવાન, પનીર ટિક્કા મિસળ, ચૉકલેટ મિસળ

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK