શું તમે પણ માનો છો કે સોશ્યલ મીડિયામાં રત બાળકોને ડિપ્રેશન બહુ આવે?

Published: Nov 28, 2019, 12:53 IST | Bhakti D Desai | Mumbai

જોકે અમેરિકાની એક યુનિવર્સિટીનો અભ્યાસ કહે છે કે માત્ર એ જ ડિપ્રેશનનું કારણ નથી હોતું. ઘરના વાતાવરણ અને મગજમાંથી પેદા થતા ખાસ ન્યુરોટ્રાન્સમીટર્સમાં ગરબડ હોય તો જ સોશ્યલ મીડિયાની અતિસક્રિયતા હાનિકારક બને છે

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

એવી માન્યતા રહી છે કે ફેસબુક, ટ્વિટર જેવાં ચોવટના માધ્યમોમાં વધુ ઍક્ટિવ રહેતાં બાળકોને દેખાદેખી અને લાઇક્સની લાયમાં ડિપ્રેશન આવી શકે છે. જોકે અમેરિકાની એક યુનિવર્સિટીનો અભ્યાસ કહે છે કે માત્ર એ જ ડિપ્રેશનનું કારણ નથી હોતું. ઘરના વાતાવરણ અને મગજમાંથી પેદા થતા ખાસ ન્યુરોટ્રાન્સમીટર્સમાં ગરબડ હોય તો જ સોશ્યલ મીડિયાની અતિસક્રિયતા હાનિકારક બને છે

સોશ્યલ મીડિયા એક એવો નશો છે કે હવે ત્રણ વર્ષનાં બાળકથી લઈને આશરે ૯૦ વર્ષના વૃદ્ધો પણ એના આદિ થઈ ગયાં છે. ઘણીવાર ઘરના વડીલો એમ માને છે કે સોશ્યલ મીડિયાના ઉપયોગથી એમનાં બાળકો હતાશા અથવા ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે, પણ ન્યુ યૉર્કની બ્રિગહૅમ યંગ યુનિવર્સિટીના હાલમાં જ થયેલાં એક સંશોધનમાં એવું સાબિત થયું છે કે ટીનેજર્સમાં અૅન્ગ્ઝાયટી અથવા ડિપ્રેશન વધવાની સમસ્યાનું સીધું કારણ માત્ર સોશ્યલ મીડિયા પર વિતાવેલો સમય નથી.

આઠ વર્ષ સુધી ચાલ્યું આ સંશોધન

આ અધ્યયન ‘ક્મ્પ્યુટર્સ ઇન હ્યુમન બિહેવિયર’ નામની એક જર્નલમાં પ્રકાશિત થયું, જેમાં  કિશોર વયનાં બાળકોમાં વધતા જતા ડિપ્રેશન માટે ફક્ત સોશ્યલ મીડિયા જ જવાબદાર છે એવું નથી એમ સાબિત કર્યું. આ સંશોધન ૧૩થી ૨૦ વર્ષનાં ૫૦૦ છોકરા-છોકરીઓ પર કરવામાં આવ્યું. આમાં ટીનેજર્સમાં વધી રહેલી ડિપ્રેશનની સમસ્યા અને સોશ્યલ મીડિયા પર વિતાવેલો સમય આ બે વચ્ચેનો સંબંધ સમજવા આઠ વર્ષ લાગ્યા. માનસિક આરોગ્ય પર મલ્ટિપલ ફૅક્ટર્સ અસર કરતા હોય છે. જેમાં કોઈ એક ચોક્કસ જ પ્રકારનો તણાવ કે ઍન્ગ્ઝાયટી કારણ હોય એવું જરૂરી નથી. એવું હોત તો સંશોધન દરમ્યાન ઓછા સમય માટે સોશ્યલ મીડિયાનાં વપરાશથી યુવાનોમાં ડિપ્રેશન ઘટતું જણાત. એવું બન્યું નહીં એનો મતલબ કે આ જ એક માત્ર કારણ હોય એવું માનવું ખોટું છે. આ વાત યુ.એસ.ની બ્રિગહૅમ યુનિવર્સિટીના આ અધ્યયનનાં લેખિકા પ્રોફેસર સારાહ કોયનએ આ જર્નલના માધ્યમ થકી પ્રકાશિત કરી  છે.

ભારતમાં ખૂબ જ નાની ઉંમરનાં બાળકો ઇન્ટરનેટવાળા સ્માર્ટફોનનો સહજ રીતે વપરાશ કરે છે. આની આદત બાળકને ત્યારે લાગે છે જ્યારે માતા-પિતા પોતાના કામમાં ખલેલ ન પહોંચે અને બાળક શાંતિ રાખે એ માટે બાળકને ફોન આપી દે છે અને એ અણસમજું બાળક શું જોવું અને શું ન જોવું આની વચ્ચેનો ભેદભાવ સમજવા અસમર્થ હોય છે અને આને એક આદત બનાવી દે છે.

માનસશાસ્ત્રનો અભિપ્રાય

સાયન હૉસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઑફ સાઇકિયાટ્રીના અસિસ્ટન્ટ પ્રોફેસર અને સાઇકૉલૉજિસ્ટ ડૉ. સાગર કારિયા આ વિષે પોતાનો મત આપતા કહે છે, ‘હું આ વાતથી સહમત છું, કારણ કિશોરવય ધરાવતાં બાળકોમાં વધતાં જતાં ડિપ્રેશનનું અને અૅન્ગ્ઝાયટીનું એક માત્ર કારણ સોશ્યલ મીડિયા અથવા ઇન્ટરનેટનો ઉપયોગ જ નથી. ડિપ્રેશન એક જૈવિક એટલે કે બાયોલૉજિકલ સમસ્યા છે. ડિપ્રેશન, આ માનસિક રોગનું મુખ્ય કારણ એ સામાન્ય ભાષામાં કહીએ તો બ્રેઈનમાં અમુક કેમિકલ્સ ઓછા થઈ જાય ત્યારે થાય અને મેડિકલ ભાષામાં સમજાવીએ તો બ્રેઇનમાં ત્રણ પ્રકારનાં ન્યુરો ટ્રાન્સમ‌ીટર્સ હોય છે : મુખ્યત્વે સેરોટોનિન, ડોપામાઈન અને નોરએપીનેફ્રીન. આ ત્રણમાંથી એકનું પણ સ્તર ઓછું થઈ જાય તો વ્યક્તિ ડિપ્રેશન અથવા હતાશાનો શિકાર બને છે.’

પોસ્ટની પ્રતિક્રિયા કેવી મળી?

સોશ્યલ મીડિયા વિષે તેઓ આગળ કહે છે, ‘જે બાળકોનાં બ્રેઈનમાં આ ન્યુરો ટ્રાન્સમ‌ીટર્સ ઓછા હોય અને એને કારણે એ કદાચ સોશ્યલ મીડિયા પર આવેલા અમુક પોસ્ટને લઈ વધારે હતાશ થઈ જતાં હોય એવું બને. ઉદાહરણ આપી સમજાવું તો કદાચ સરળ પડશે અને ઘણાને પોતાની માનસિકતાનો ખ્યાલ પણ આવશે. જેમકે એક વ્યક્તિ સારી જગ્યાએ ફરવા જાય છે અને સોશ્યલ મીડિયા પર એના ફોટો મૂકે છે ત્યારે એ પોસ્ટને જોનાર દસ જણની માનસિકતાની આપણે વાત કરીએ તો પાંચ જણ એ પોસ્ટ જોઈને ભૂલી જાય, બીજા ત્રણ કદાચ ખુશ થાય અથવા એમ વિચારે કે લોકોને પ્રભાવિત કરવા એ આવા ફોટો મૂકે છે. હવે બાકીના બે જણ જે પહેલેથી જ ડિપ્રેશનનો શિકાર હોય એ એવું વિચારે કે આની જિંદગી તો કેટલી સરસ છે અને આપણી તો સાવ કેવી નિરસ છે! આવું વિચારી એ વધારે ડિપ્રેસ થઈ જાય. હવે આવા કિસ્સામાં જો આ બે જણના ડિપ્રેશન વધવાનું કારણ સોશ્યલ મીડિયા છે એવું આપણે માનીએ તો સ્વાભાવિક ગણાય, પણ ફક્ત સોશ્યલ મીડિયા પર વિતાવેલા સમયને કારણે એ વ્યક્તિ ડિપ્રેશનમાં આવી એ કહેવું યોગ્ય નથી.’ 

કિશોરોમાં હતાશાનાં કારણો

આજકાલના કિશોરવયનાં બાળકો ખૂબ જ જલદી નિરાશ અથવા હતાશ થઈ જતાં હોય છે એનું કારણ આપતા ડૉ. સાગર કહે છે, ‘મારી પાસે આઠ વર્ષથી તેર વર્ષનાં કિશોરો પેશન્ટ તરીકે આવે છે, જેઓ ઇન્ટરનેટ કે ફોનનાં આદિ બની ગયાં હોય છે અને માતા-પિતા એમને એ છોડાવવામાં અસમર્થતા અનુભવતાં હોય છે, આનું મુખ્ય કારણ જોઈએ તો આજકાલ ઘણા પરિવારોમાં માતા-પિતા અને બાળકો વચ્ચે ખાસ સંવાદ થતો નથી. ઘણીવાર માતા-પિતા કામે જતાં હોય તો તેઓ બાળકોને સમય આપી શકતાં નથી. આજ-કાલ સંયુક્ત પરિવાર ખૂબ જ ઓછા હોય છે. મિત્રોની બાબતમાં જે ઑનલાઈન ફ્રેન્ડનો બદલાવ સોશ્યલ મીડિયાને કારણે આવ્યો છે, એમાં બાળકોની અન્ય બાળકો સાથેની વાતચીત, વ્યક્તિગત સંપર્ક આ બધું ઓછું થઈ ગયું છે. લોકોનો એકબીજા સાથેનો વ્યક્તિગત સંપર્ક સોશ્યલ મીડિયાને કારણે ઓછો થઈ ગયો છે, આ પણ એક ડિપ્રેશનનું કારણ છે. આજકાલ છોકરાઓ બહાર રમવા જતાં નથી અને ઑનલાઈન ગેમ રમે છે. હવે તો  સાઇબર-બુલિંગ પણ થાય છે. એક જૂથના બધા એક બાળકને ટાર્ગેટ બનાવી એના વિષે નકારાત્મક લખે અને આ પ્રકારે ઑનલાઈન ગુંડાગીરી થાય છે.’

ઇન્ટરનેટ વ્યસન ન બનવું જોઈએ

ઇન્ટરનેટનો વપરાશ કોઈ પણ પ્રકારે વ્યસન ન બને એના માટે ડૉ. સાગર કહે છે, ‘આનો એક જ ઈલાજ છે કે બાળકો માટે એક સમયની મર્યાદા બનાવી માત્ર દિવસમાં અમુક જ સમય એને ફોન અથવા નેટ આપવું જોઈએ. રાત્રે સૂવાના એક કલાક પહેલાં બધાએ જ મોબાઈલ ફોન બંધ કરી એક જગ્યાએ મૂકી દેવા જોઈએ, કારણ બાળકો મોટાઓનું જોઈને શીખે છે અને આ બાબતમાં જો બાળકોનાં માતા-પિતા જાગૃત નહીં થાય તો એમનાથી નાની પેઢી ક્યાંથી ફોન અને નેટ વગર રહી શકશે?’

ટ્રિગર પૉઇન્ટ હોઈ શકે

આ વિષયના ખૂબ અનુભવી મનોચિકિત્સક ડૉ. જય શાસ્ત્રીનું કહેવું છે, ‘આ સંશોધનનો વિષય ખૂબ અટપટો છે અને આના પરિણામ પણ અસ્પષ્ટ હોઈ શકે, એનું કારણ છે ફોન કે ઇન્ટરનેટ હોય કે ન હોય તોય કોઈને પણ ડિપ્રેશન આવી શકે. સોશ્યલ મીડિયાની વાત કરીએ તો વૈજ્ઞાનિક રીતે આ વાત પુરવાર થયેલી. એક વાત એવી છે કે જ્યારે કોઈ ઇન્ટરનેટની પ્રવૃત્તિ, જેમ કે સોશ્યલ મીડિયા પર એક બાળક કોઈ પોસ્ટ મૂકે અને એને વધુ લાઈક્સ અથવા શૅર્સ મળે તો એ એની સાથે વધારે જોડાણ અનુભવે છે અને માનસિક રીતે ખૂબ હળવાશ પણ અનુભવે છે, પણ જો આવું ન થાય તો આ જ વસ્તુ માનસિક દુ:ખ પણ આપે, હવે આ વાત આગળ જતાં ડિપ્રેશનમાં પરિણમે કે નહીં એ દરેક કિશોરના એ તરફના અભિગમ પર નિર્ભર કરે છે, એથી આ અધ્યયન દ્વારા આવી વાત સાબિત ન કરી શકાય.’

સોશ્યલ મીડિયા સાથેનાં પાસાં

આમ તો સોશ્યલ મીડિયા એ મિત્રો સાથે ટચમાં રહેવાનું માધ્યમ છે, પરંતુ એની આડઅસરો ક્યારે થાય એ વિશે તેઓ કહે છે, ‘જ્યાં સુધી સોશ્યલ મીડિયાની વાત છે, એના ઘણાં પાસાં છે. સોશ્યલ મીડિયાનો ઉપયોગ કોણ કરે છે. કેવા વાતાવરણમાં કરે છે. બાળકોમાં સોશ્યલાઇઝેશનનું  હવે એક માત્ર માધ્યમ સોશ્યલ મીડિયા છે અને ત્યાં જ્યારે એને કોઈ તરફથી અપેક્ષિત પ્રતિક્રિયા ન મળે ત્યારે એ મનથી હતાશા અનુભવી શકે છે.’

ડૉ. જય શાસ્ત્રીના કહેવા મુજબ નોર્થ કોરિયામાં દરેક લોકો ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોય જ છે અને એથી જ ત્યાં એના સૌથી વધુ રિહેબિલિટેશન સેન્ટર્સ ખૂલ્યાં છે. ભારતમાં હજી એવો સમય નથી આવ્યો.

અતિ હંમેશાં ખોટી

કોઈ પણ વસ્તુનો હદથી વધારે ઉપયોગ કરવાથી એનું નુકસાન ભોગવવું પડે છે. ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ પણ એમાં અપવાદ નથી. એના સકારાત્મક ઉપયોગ છે, ફોનમાં આજે વિશ્વ સમાયેલું છે, દરેક કામ ક્ષણભરમાં થઈ જાય છે, પણ જો એના પર વધુપડતી નિર્ભરતા રાખીને એનું વ્યસન થઈ જાય તો એનાથી માનસિક રોગી બની જવું સ્વાભાવિક જ છે. બાળકોને ફોન અને ઇન્ટરનેટના ઉપયોગ સાથે જ એના સિવાય રહેવાની ફરજ એમનાં માતા-પિતાએ પાડવી જરૂરી છે. જો આવું થશે તો જ બાળકો ઇન્ટરનેટ કે ફોનના ગુલામ નહીં બને.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK