Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડિપ્રેશન તમને ખતમ કરી નાખે એ પહેલાં એને ખતમ કરી દો

ડિપ્રેશન તમને ખતમ કરી નાખે એ પહેલાં એને ખતમ કરી દો

19 June, 2020 09:11 PM IST | Mumbai
Varsha Chitalia

ડિપ્રેશન તમને ખતમ કરી નાખે એ પહેલાં એને ખતમ કરી દો

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત


સુશાંત સિંહ રાજપૂતની અચાનક એક્ઝિટથી ફરી આપઘાત જેવી સંવેદનશીલ ઘટના ચર્ચાનો વિષય બની છે. એમાંય સફળતાના શિખર પર પહોંચ્યા પછી વ્યક્તિ આપઘાત કરે ત્યારે તેના મગજમાં કેવી ઊથલપાથલ ચાલતી હશે એ સમજવા સુસાઇડલ થૉટ્સ ઍૅન્ડ પ્રિવેન્શનના કેસને હૅન્ડલ કરી ચૂકેલા નિષ્ણાતો સાથે વાતચીત કરીએ અને આવી અવસ્થામાં શું કરવું જોઈએ એ સમજીએ


બૉલીવુડના સિતારા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી જ નહીં આમ જનતા પણ સ્તબ્ધ છે. ‘છિછોરે’ ફિલ્મમાં સુસાઇડલ થૉટ્સ સાથે કઈ રીતે ડીલ કરવું એનો ઉત્કૃષ્ટ અભિનય, ‘એમ. એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ જેવી ફિલ્મમાં સફળતા મેળવવા માટે મહેનત અને સંઘર્ષ એકમાત્ર ઉપાય છે એની ચોટદાર રજૂઆત, આઇઆઇટીના સ્ટુડન્ટ્સને સ્ટેજ પરથી મોટિવેશનલ સ્પીચ આપવી, ઇન્સ્ટાગ્રામ પર અંદાજે દસ મિલ્યન અને ટ્વિટર પર ૧.૮ મિલ્યન ફૉલોઅર્સ ધરાવતી વ્યક્તિ રિયલ લાઇફમાં હાર માનીને જીવન ટૂંકાવી દે ત્યારે આંચકો લાગે. એવું તેના મનમાં શું ચાલતું હશે?
દરેકના મનમાં એક જ સવાલ છે કે સુશાંત, તેં આવો નિર્ણય કેમ લીધો? વાય? માનસિક બીમારી અને અસ્વસ્થતા વિશે ઉપદેશ આપવા સહેલા છે, પરંતુ રિયલ લાઇફમાં ડિપ્રેશનમાં સરી ગયેલી વ્યક્તિને ઉગારવી અઘરું છે. વર્ચ્યુઅલ વર્લ્ડની આ વાસ્તવિકતા છે. ડિપ્રેશનને બહારની દુનિયા કે સક્સેસ-સ્ટોરી સાથે કંઈ લાગતું-વળગતું નથી એવું નિષ્ણાતો ગાઈ-વગાડીને કહે છે. ડિપ્રેશનમાં જવા પાછળનાં ઘણાં કારણો ભેગાં થયા બાદ આશાનું કિરણ દેખાતું નથી ત્યારે વ્યક્તિ માનસિક સંતુલન ગુમાવી દે છે. સફળ વ્યક્તિને પણ સતત આપઘાતના વિચારો આવતા હોય એવા અનેક કેસ સામે આવ્યા છે.
ફ્લોટિંગ એનર્જી
સુશાંત સહિત ઘણીબધી ફિલ્મી હસ્તીઓ અને કરીઅરની ઊંચાઈએ બિરાજમાન સફળ વ્યક્તિઓને નજીકથી ઓળખતા તેમ જ તેમના જીવન પર રિસર્ચ કરતા સાઇકિયાટ્રિસ્ટ અને સ્ટ્રેસ મૅનેજમેન્ટ ટ્રેઇનર ડૉ. શ્રુતિ મનકતલા કહે છે, ‘બધાની લાઇફમાં એક ગોલ હોય છે, એક મકસદ હોય છે. સુશાંતના આપઘાત સંદર્ભે અત્યારે કહી ન શકાય, પણ સફળ વ્યક્તિઓની લાઇફ પૅટર્નને સમજવા આપણે તેનું ઉદાહરણ લઈએ. સુશાંતનાં ઘણાંબધાં ડ્રીમ હતાં. એન્જિનિયરિંગમાં અવ્વલ, ઍસ્ટ્રોનૉમી અને સ્પેસ સ્ટડીમાં આગળ, ટેલિવિઝનના નાના પડદાથી મોટી સ્ક્રીન સુધીની સફર, જુદા-જુદા ડ્રીમને ચેઝ કરતો હતો. એક ડ્રીમ પૂરું થાય એટલે બીજું હાંસલ કરવા મચી પડવું. સપનાઓ સાકાર કરવા મહેનત અને સંઘર્ષ કરતો હતો, પરંતુ એક લેવલ પર પહોંચ્યા પછી શું? સફળ વ્યક્તિઓના જીવનમાં ચેઝ કરવાનું કંઈ રહેતું નથી ત્યારે તે પોતાને અંદરથી ખાલીખમ ફીલ કરે છે. બહારની દુનિયામાં હૅપિનેસ શોધતી વ્યક્તિ તમને ઊર્જાથી ભરપૂર દેખાય છે, પરંતુ તેમનામાં જે ફ્લોટિંગ એનર્જી છે એને અર્થિંગ નથી મળતું. પરિણામે સ્પાર્ક થાય છે. મગજને સ્થિર રાખવામાં તેઓ નિષ્ફળ જાય છે. અચીવમેન્ટ અને તનાવ વચ્ચેનો ગૅપ ભરાતો નથી ત્યારે ડિપ્રેશનની શરૂઆત થાય છે. સુશાંતમાં રહેલી ફ્લોટિંગ એનર્જીને અર્થિંગની જરૂર હતી. સીઈઓ, યંગ ઑન્ટ્રપ્રનર, ફેમસ પર્સનાલિટીના મારી પાસે કેસ આવે છે. ક્લિનિકમાં આવે ત્યારે તેમનું જુદું જ રૂપ જોવા મળે છે.’
માનસિક રોગના દરદીઓના કેસ હૅન્ડલ કરતાં વેદિક સાઇકોલૉજિસ્ટ અને લાઇફકોચ અનુષ્કા સુવર્ણા આ સંદર્ભે વાત કરતાં કહે છે, ‘દરેક વ્યક્તિના ડ્રીમ જુદા હોય છે. ઘણી વાર તમારી ઇમેજથી વિપરીત સપનાઓનું પ્રેશર હૅન્ડલ થતું નથી. પબ્લિક ઇમેજ અને રિયલ લાઇફ ઇમેજ વચ્ચે અથડાતી વ્યક્તિ સક્સેસ હોવા છતાં હારી જાય છે. મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ માટે બહારની દુનિયા અને ઘરમાં બે જુદી પર્સનાલિટી સાથે જીવવું અઘરું છે. સફળતાનાં શિખરો સર કરતી વખતે સામાન્ય રીતે તમે એકલા પડતા જાઓ છો. ટોચ પર તમારી સાથે અંગત કહી શકાય એવું કોઈ હોય નહીં ત્યારે તમામ એનર્જી ફેલ જાય છે. એકલા રહેવાથી બિહેવિયર પર કન્ટ્રોલ રહેતો નથી. લાંબા સમય સુધી આમ ચાલે ત્યારે બધી જ સમજણશક્તિ અને બુદ્ધિ પંગુ બની જાય અને વ્યક્તિ આપઘાત જેવું પગલું ભરી બેસે છે.’
વિચારો બેકાબૂ બને
મનની વાતને મનમાં જ સંઘરી રાખવાથી આત્મહત્યાના વિચારોને વેગ મળે છે. પેરન્ટ્સ, મિત્ર કે નજીકની વ્યક્તિની સામે ઊભરો નથી ઠાલવતા ત્યારે તમે પોતાની સાથે જ અન્યાય કરો છો. ૨૫થી ૪૦ની વચ્ચેની વયમાં તમારી સામે કરીઅર, પૈસા, ઘર, લગ્ન, રુતબો, પ્રસિદ્ધિ જેવી અનેક ચૅલેન્જિસ હોય છે. મહત્ત્વાકાંક્ષાઓ, અપેક્ષાઓ અને નિરાશાના આ સમયગાળામાં દરેક વ્યક્તિ વત્તાઓછા અંશે સ્ટ્રેસને હૅન્ડલ કરી લે છે તો કેટલાક એવા હોય છે જે કોપઅપ નથી કરી શકતા.
લાઇફમાં બધું સેટલ થઈ જાય પછી વૉટ નેક્સ્ટ? હવે હું હોઉં કે ન રહું શું ફરક પડવાનો છે? આવા વિચારો જ્યારે ઘેરી વળે ત્યારે એને વાળવું મુશ્કેલ બને છે એમ જણાવતાં અનુષ્કા સુવર્ણા કહે છે, ‘યંગ જનરેશન તેમની તમામ શક્તિ સફળતા મેળવવા પાછળ લગાવી દે છે. ફૅમિલી મેમ્બરની લાઇફ સેટલ થઈ જાય પછી તેમને કરવા જેવું કશું દેખાતું નથી. અમે નહીં રહીએ તો કંઈ ફરક પડશે નહીં, મારું શરીર છે જે કરવું હોય એ કરું, તમને સેટઅપ કરી આપ્યું છેને, બસ હવે મારે નથી રહેવું. આ વિચારો પર કોઈનો કન્ટ્રોલ નથી રહેતો. એટલે જ યુવાનોમાં આપઘાતનું પ્રમાણ વધુ જોવા મળે છે.’
સુસાઇડલ થૉટ્સ પ્રિવેન્શન
હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે આપઘાતના ૯૯ ટકા કેસમાં હિન્ટ મળતી નથી તેથી બચાવવા મુશ્કેલ છે એવી માહિતી આપતાં ડૉ. શ્રુતિ કહે છે, ‘હું મરી જઈશ પછી તમે રડશો. સ્વજનોને બ્લૅકમેઇલ કરવાની આ રીત કૉમન છે. સામાન્ય રીતે આવા કેસને તમે સુસાઇડલ થૉટ્સ ન કહી શકો. વાસ્તવમાં આપઘાત કરનારાઓ ફૅમિલીને એનો અણસાર સુધ્ધાં આપતા નથી. તેથી પરિવાર કંઈ કરી શકતો નથી. આ અચાનક અને ગળે ન ઊતરે એવી ઘટના છે. ડિપ્રેશનના દરદીને આપઘાતના વિચારો આવી શકે છે. તેમના કાઉન્સેલિંગ સેશનમાં કમ્યુનિકેશન થેરપી મુખ્ય છે. વાતચીત દરમિયાન ધીમે-ધીમે તેમના વિચારોને જુદી દિશામાં વાળવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉપર કહ્યું એમ ફ્લોટિંગ એનર્જીને અર્થિંગ ન મળે તો વિસ્ફોટ થાય. એક તબક્કે જીવનને સ્થિર કરવું અત્યંત આવશ્યક છે. સ્ટેબિલિટી અને ફૅમિલી જવાબદારીઓ તમને આપઘાતના વિચારોમાંથી મુક્ત રાખવાનું કામ કરે છે. વાસ્તવમાં આપઘાતનો વિચાર આવવો ક્ષણિક હોય છે. દસ સેકન્ડમાં તમે જો વિચારને વાળો નહીં તો અંત ખરાબ આવે. જ્યારે પણ આપઘાતનો વિચાર આવે તાત્કાલિક હેલ્પલાઇન નંબર પર ફોન કરો. એક ફોન તમારા માઇન્ડને ડાઇવર્ટ કરવાનું કામ કરશે અને અમૂલ્ય જીવન બચી જશે.’
આપઘાતના વિચારો કરતી વ્યક્તિને ફૅમિલી બચાવી શકતી નથી, કારણ કે તેઓ આ વાત કોઈને કરતા નથી. અનુષ્કા સુવર્ણા કહે છે, ‘આવા કેસમાં મિરરર થેરપી બેસ્ટ છે. તમને જ્યારે એમ થાય કે મરી જવું છે ત્યારે અરીસા સામે ઊભા રહી પૂછો કે આટલી ઊંચાઈએ શું હું મરવા માટે પહોંચ્યો? મરવાથી સમસ્યાઓ ખતમ થઈ જશે? હું આટલો નમાલો છું કે સંઘર્ષ ન કરી શકું? હું લૂઝર છું કે ફાઇટર? જવાબ મળશે ત્યાં સુધીમાં મનમાંથી આપઘાતના વિચારો નીકળી જશે. જીવવાની પ્રબળ ઇચ્છા બની રહે એ માટે જીવનમાં સ્થિરતા અને કોઈની સાથે અટૅચમેન્ટ હોવું જરૂરી છે. કેટલાક કેસમાં પેટ્સ (પાલતુ પ્રાણી) પ્રત્યેનું અટૅચમેન્ટ પણ જિવાડી દે છે. રિસર્ચ કહે છે કે આપઘાત કરનારી વ્યક્તિ ત્રીસ મિનિટમાં નિર્ણય લઈ જીવન ટૂંકાવી દે છે. અડધો કલાક ખૂબ મહત્ત્વનો હોય છે. આવા વિચારોના પ્રિવેન્શનમાં હેલ્પલાઇન નંબર સૌથી કારગત ઉપાય છે. ફોન કરો, સામે કોઈ વાત કરવા આવે, વાતચીત થાય એટલી વારમાં વિચાર બદલાઈ જાય એવા અઢળક દાખલા છે. ડિપ્રેશન અને સ્ટ્રેસમાં રહેતી વ્યક્તિએ હેલ્પલાઇન નંબર સેવ કરીને રાખવો જોઈએ.’
આ સાથે નિષ્ણાતોનું કહેવું છે કે કોઈ હેરાન કરે ત્યારે હેરાનગતિને કેટલી હદ સુધી સહન કરવી એ તમારે જાતે જ નક્કી કરવાનું છે. જેમ શરીરને સુડોળ રાખવા જિમ-ટ્રેઇનરની જરૂર પડે છે એવી જ રીતે આપઘાતના વિચારોને કાબૂમાં રાખવા મનને ટ્રેઇનિંગ આપવી પડે છે. હવે સમય પાકી ગયો છે સ્કૂલ-કૉલેજ, કાર્યક્ષેત્ર તમામ જગ્યાએ મેન્ટલ હેલ્થના ક્લાસિસ લેવાનો. પોતાની જાતમાં પૉઝિ ટિવ પરિર્વતન લાવવું સરળ નથી, પરંતુ શક્ય છે. યંગ જનરેશને એક વાત સમજી લેવાની જરૂર છે કે તમારા પેરન્ટ્સ પાસે તમામ સમસ્યાઓનો ઉકેલ છે, છે ને છે જ. પેરન્ટ્સ તમારી લાઇફનાં એવાં પાત્રો છે જે ક્યારેય તમને મિસગાઇડ નહીં કરે. તમારા હિતેચ્છુઓમાં તેમનું સ્થાન ર્સ્વોચ્ચ છે. પરીક્ષાનું પરિણામ, ધંધામાં ખોટ, સાંસારિક જીવનમાં ચડ-ઊતર કે અંગત સ્વજનના મૃત્યુથી હતાશ થયા વગર કાર્યશીલ રહેવું અઘરું છે, પરંતુ ઈથ્વરે આપેલું જીવન અમૂલ્ય છે એવો બુલંદ હોંસલો જ તમને આત્મહત્યાના વિચારોમાંથી મુક્ત કરવામાં સહાય કરશે.



ફ્લોટિંગ એનર્જીને અર્થિંગ ન મળે તો વિસ્ફોટ થાય. જીવનમાં સ્થિરતા જરૂરી છે. આપઘાતના ૯૯ ટકા કેસમાં હિન્ટ મળતી નથી તેથી બચાવવું મુશ્કેલ બને છે. આ અચાનક અને ગળે ન ઊતરે એવી ઘટના છે. તેથી જ ડિપ્રેશનના દરદીના કાઉન્સેલિંગ સેશનમાં કમ્યુનિકેશન થેરપી પર ભાર મૂકવામાં આવે છે. આપઘાતનો વિચાર આવે કે તાત્કાલિક હેલ્પલાઇન નંબર પર ફોન કરો. એક ફોન તમારા માઇન્ડને ડાઇવર્ટ કરવાનું કામ કરશે અને અમૂલ્ય જીવન બચી જશે.
- ડૉ. શ્રુતિ મનકતલા, સાઇકિયાટ્રિસ્ટ


આપઘાત કરનારી વ્યક્તિ ત્રીસ મિનિટમાં નિર્ણય લઈ જીવન ટૂંકાવી દે છે. આવા સમયે મિવરર થેરપી બેસ્ટ છે. તમને જ્યારે એમ થાય કે મરી જવું છે ત્યારે અરીસા સામે ઊભા રહી પૂછો કે આટલી ઊંચાઈએ શું હું મરવા માટે પહોંચ્યો? મરવાથી સમસ્યાઓ ખતમ થઈ જશે? હું આટલો નમાલો છું કે સંઘર્ષ ન કરી શકું? હું લૂઝર છું કે ફાઇટર? જવાબ મળશે ત્યાં સુધીમાં મનમાંથી આપઘાતના વિચારો નીકળી જશે
- અનુષ્કા સુવર્ણા, સાઇકોલૉજિસ્ટ


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2020 09:11 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK