મુંબઈ રાજ્યમાં માત્ર સાડાત્રણ વર્ષ અને કચ્છ!

Published: 26th May, 2020 21:51 IST | Kishor Vyas | Gujarat

માનવ ગમે એટલો પુરુષાર્થ કરે, સિદ્ધિનાં અનેક સોપાનો ચઢે, પણ કુદરત એનાથી વધારે પ્રબળ સાબિત થાય!

રાજ્ય શાસનના દરેક તબક્કે કચ્છ મોટી આફતોમાંથી પસાર થયું. સુખ અને દુઃખ એમ બે બાજુ ધરાવતો એક સિક્કો હંમેશાં ફરતો રહ્યો. મોટા ભાગે કુદરતી આફતો જ સહન કરવાની આવી! રાજાશાહી વખતે ભીષણ દુષ્કાળ, ‘ક’ વર્ગના રાજ્ય દરમ્યાન વિનાશક ભૂકંપ અને મુંબઈ રાજ્યના શાસન દરમ્યાન અતિવૃષ્ટિએ કચ્છના લોકોના આનંદને લાંબા ગાળા સુધી અસરગ્રસ્ત રાખ્યા હતા.

માનવ ગમે એટલો પુરુષાર્થ કરે, સિદ્ધિનાં અનેક સોપાનો ચઢે, પણ કુદરત એનાથી વધારે પ્રબળ સાબિત થાય! મુંબઈ રાજ્ય દરમ્યાન ખેતી, જમીન વગેરેમાં અનેક ક્રાંતિકારી ઝલક દર્શાવતા પ્રસંગો વચ્ચે ૧૯૫૯ની ૧૪ જુલાઈએ કચ્છના લોકોને કુદરત ફરી રડાવી ગઈ હતી! ચોમાસા દરમ્યાન માત્ર ૧૨થી ૧૩ ઇંચ વરસાદથી ટેવાયેલી કચ્છની ધરતી અને તેનાં છોરુ દર ત્રણ વર્ષે દુષ્કાળથી તો ટેવાયેલાં હતાં જ, પરંતુ એ દિવસે એક દિવસમાં ૧૮ ઇંચ વરસાદ ખાબકતાં અતિવૃષ્ટિની સ્થિતિ ઊભી થઈ હતી. એ મોસમમાં કુલ ૫૯ ઇંચ જેટલો વરસાદ કચ્છમાં થયો હતો.

ભુજનું ખ્યાતનામ હમીરસર સરોવર છલકાતાં પાણી પૂરની માફક શહેરમાં ધસી આવ્યાં હતાં જેના કારણે ૮ મૃત્યુ થયાં હતાં અને સમગ્ર કચ્છમાં અંદાજે ૧૪,૦૦૦ જેટલાં મકાનો ક્ષતિગ્રસ્ત થયાં કે ધરાશાઈ થયાં હતાં. એ સમયે વીતેલાં ૭૫ વર્ષમાં એવી અતિવૃષ્ટિ કચ્છમાં જોવા નહોતી મળી!

મુંબઈ રાજ્યનો કાર્યકાળ માત્ર સાડાત્રણ વર્ષ જ રહ્યો હતો, પરંતુ એ દરમ્યાન કચ્છ ધીમે-ધીમે વિકાસનાં ભાખોડિયાં ભરતું થઈ ગયું હતું. એક યાદગાર ઉત્સવ એ સમય દરમ્યાન ઊજવાયો હતો જેને ત્યારના લોકો આજે પણ યાદ કરે છે. ૧૯૫૮માં મુંબઈ રાજ્યએ રાજ્યકક્ષાનો સંગીત મહોત્સવ કચ્છમાં ભુજ ખાતે યોજ્યો હતો એ પ્રસંગે દેશના નામાંકિત શાસ્ત્રીય સંગીતકારો પધાર્યા હતા અને કચ્છની સંગીતપ્રેમી જનતાને એનો અલૌકિક લહાવો મળ્યો હતો.

આપણે આજે મુંબઈ રાજ્યના સમાપન તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે સવાલ એ પેદા થાય છે કે ૧૯૫૬માં રચાયેલા એ દ્વિભાષી રાજ્યનો આટલો જલદી અંત કેમ આવ્યો હશે? સુંદર માળખું ઘડાતું જતું હતું, લોકો એ મુજબ વિકાસના ઢાંચામાં પોતાની જાતને ગોઠવી રહ્યા હતા, પ્રગતિશીલ કાર્યો હાથ ધરી રહ્યાં હતાં, મુંબઈ રાજ્યની વિધાનસભા બરાબર ચાલી રહી હતી, મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણનું શાસન પણ સુપેરે ચાલતું હતું, ચારેબાજુ તેમનાં કાર્યોની પ્રશંસા થઈ રહી હતી એવા સુંદર સંજોગોમાં એવો નિર્ણય કેમ લેવાયો હશે? કોણે લીધો હશે? શા માટે લીધો હશે?

૧૯૬૦માં એક દિવસ કચ્છના લોકોએ એક અખબારમાં વાંચ્યું કે મુંબઈ રાજ્યનું વિભાજન કરવામાં આવશે અને સૌને આંચકો લાગ્યો હતો. લોકોને એમ જ હતું કે હવે તો કચ્છને મુંબઈ રાજ્યથી છૂટું પાડવામાં નહીં જ આવે! પરંતુ રાજકારણમાં લોકોનાં સમીકરણો માત્ર ચૂંટણી વખતે જ જોવાતાં હોય છે, પછી લોકોને તેમની ઇચ્છાઓ માંડવા કે માણવાનો કોઈ અવકાશ નથી રહેતો! તને ખબર નહીં કેમ એમ લાગ્યું કે દ્વિભાષી રાજ્યમાં જોઈએ એવી ભાવનાત્મક એકતા આવતી નથી એથી મહારાષ્ટ્રથી ગુજરાતને જુદું પાડવું!

રાજકારણમાં ક્યાં, ક્યાંથી, ક્યારે અને કેમ ફણગા ફૂટે એ ક્યાં કળી શકાતું હોય છે? બરાબર ચાલતા દ્વિભાષી રાજ્યના વિભાજન માટે ગળે ઊતરે એવું કારણ આ જ દિવસ સુધી જોવા નથી મળ્યું, પણ ‘સમરથ કો નહીં દોષ ગોસાઈ’ જેવી ઉક્તિ અહીં લાગુ પડી ગઈ! ગુજરાતના લોકો જ માત્ર નહીં, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા એમાં કચ્છના વિધાનસભ્યો પણ ખરા! સૌ મૂંગા મોઢે મુંબઈ રી-ઑર્ગેનાઇઝિંગ ખરડાને પસાર થતો જોઈ રહ્યા અને ૧૯૬૦ની ૧ મેએ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ પડ્યું અને કચ્છને ગુજરાત રાજ્યમાં જોડી દેવામાં આવ્યું!

આ પગલું અત્યંત આકસ્મિક હતું એથી સહેજે એવો સવાલ પેદા થાય કે આટલા ટૂંકા સમયમાં જ જો મુંબઈ રાજ્યનું વિભાજન કરવું હતું તો ૧૯૫૬માં જ જ્યારે લોકોની માગણી આવી ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત એ બન્ને રાજ્યો અલગ કેમ રચવામાં ન આવ્યાં? કોણ જવાબ આપે? આ તો રાજકારણમાં રમાતી ફુટબૉલ મૅચ હતી અને આ રીતે ૧૯૬૦ની ૩૦ એપ્રિલે એ દ્વિભાષી મહા-રાજ્યનો અંત આવ્યો અને મુંબઈ માત્ર ‘મહારાષ્ટ્ર’ રાજ્યની રાજધાની બની રહ્યું!

કચ્છની ભૂગોળ ધરતીકંપે બદલાવી અને એનાં રાજકીય અને સામાજિક જીવનનાં વહેણની દિશા દેશના રાજકારણીઓ બદલાવતા રહ્યા! ગુજરાત રાજ્યમાં જતાં પહેલાં એ પ્રવાહો પર એક નજર નાખવાનું રોકી નથી શકાતું! એ સૌથી મહત્ત્વ ધરાવતી વાત હતી કે ચીફ કમિશનરની આખરી સત્તાની વિદાય પછી કચ્છના લોકોને નવા અને દ્વિભાષી રાજ્યમાં માનસિક રીતે ગોઠવાતા સમય લાગ્યો હતો. ૧૯૪૮માં સ્વરાજ્ય આવતાં તેમના હોદ્દાનું નામ કલેક્ટર પડ્યું. એ ‘ક’ વર્ગના રાજ્યમાં કલેક્ટર તરીકે પણ ચાલુ રહ્યા અને ૧૯૫૭ના દ્વિભાષી રાજ્ય થયા પછી કચ્છમાંથી તેઓ મુંબઈ બદલ્યા! આમ સાડાબાર વર્ષમાં કચ્છમાં એક જ કલેક્ટર જ્યારે દ્વિભાષી રાજ્યનાં સાડાત્રણ વર્ષમાં ત્રણ કલેક્ટર બદલાયા! ટી. એમ. શેઠ મુંબઈ જતાં આર. સી. રાવળ, ત્યાર પછી પાનાચંદ મહેતા અને ત્રીજા કલેક્ટર આવ્યા એચ. કે. એલ. કપૂર.

કલેક્ટર તરીકે રાવળે અંજારના ભૂકંપ પછી નવા અંજારની રચના માટે સારું કામ કર્યું, જ્યારે પાનાચંદ મહેતાએ પંચવર્ષીય યોજનાને વેગવાન બનાવી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK