લાઇફ-સ્ટાઇલ
તેલનું નામ પડતાં જ જો સૌથી પહેલાં માથું અને વાળ યાદ આવતા હોય તો જાણી લો કે તેલની વિશેષતા આના કરતાં ખૂબ વધુ છે. અરોમા થેરપીમાં પણ તેલનો વપરાશ ખૂબ થાય છે. જે રીતે રસોઈ માટે જુદાં-જુદાં તેલીબિયાંમાંથી નીકળતા તેલનો વપરાશ છે એ જ પ્રમાણે ત્વચાની માવજત માટે પણ કેટલાક પ્રકારનાં એસેન્શિયલ અને હર્બલ ઑઇલનો ઉપયોગ કરી શકાય છે. તેલથી ઠંડીમાં સુકાઈ જતી ત્વચાને મૉઇસ્ચર મળે છે તેમ જ ત્વચા ચમકીલી અને સુંદર પણ બને છે. તો જાણીએ આવાં જ કેટલાંક ઉપયોગી તેલ વિશે.
આમન્ડ ઑઇલ
બદામનું તેલ દેખાવમાં ફીકા પીળા રંગનું અને હલકી મીઠી સુગંધવાળું હોય છે. આ તેલને સ્કિન પર ડાયરેક્ટ અથવા કોઈ બીજા ફેસપૅકમાં મિક્સ કરીને લગાવી શકાય છે. આ તેલને સ્કિન પર લગાવતાં એ તરત જ ઍબ્સૉર્બ થઈ જાય છે. એ વધુપડતું ચીકણું ન હોવાને લીધે સ્પામાં આમન્ડ ઑઇલનો વપરાશ ખૂબ થાય છે. આ તેલનો વપરાશ સ્કિનને ઊજળી, સૉફ્ટ અને સ્મૂધ બનાવવામાં મદદ કરે છે અને સ્કિનને ચમકીલી બનાવે છે. ત્વચા માટે સ્વીટ આમન્ડ એટલે બદામના તેલનો ઉપયોગ ખૂબ પ્રમાણમાં કરવામાં આવે છે. આમન્ડ ઑઇલ સૌંદર્ય એક ખાસ ઈન્ગ્રિડિયન્ટ ગણાય છે. બદામમાં રહેલી ત્વચાને મુલાયમ બનાવવાની તાકાતને લીધે એ સ્કિનકૅર માટેની એક કીમતી સામગ્રી બને છે. શિયાળામાં બદામ ખાવાનું પણ ઘણું મહત્વ છે ત્યારે બદામનું તેલ ત્વચા માટે ચોક્કસ ગુણકારી સાબિત થાય છે.
ઑલિવ ઑઇલ
શિયાળામાં હોઠ સુકાઈ જવાની તકલીફ વધારે થતી હોય છે. એમાં ઑલિવ ઑઇલથી હોઠ પર હળવા હાથે મસાજ કરવાથી હોઠ ડ્રાય નહીં થાય. તડકાને કારણે થયેલી સ્કિન પરની કાળાશને પણ ઑલિવ ઑઇલ ઘસીને દૂર કરી શકાય છે. ડાયટ અને હેલ્થ-કૉન્શિયસ લોકોનું ફેવરિટ એવું આ એકમાત્ર ઑઇલ સ્કિન અને શરીર બન્ને માટે ફાયદાકારક છે. ઑલિવ ઑઇલમાંથી વિટામિન એ, કે અને ઈ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સ્કિનને સ્મૂધ બનાવવા માટે ઑલિવ ઑઇલથી મસાજ કરતાં ફાયદો થાય છે.
ઍવકાડો ઑઇલ
ઍવકાડો ઑઇલ જો કોઈ પ્રૉબ્લેમ્સમાં સૌથી વધારે અસરકારક હોય તો એ છે સ્કિનના એજિંગ પ્રૉબ્લેમ્સ. સ્કિનને લચકતી અટકાવવા માટે ઍવકાડો ઑઇલ બેસ્ટ છે. આમ તો ઍવકાડો ઑઇલનો સમાવેશ હર્બલ ઑઇલ્સમાં નથી થતો, પણ સ્કિન માટે એના ઉપયોગ ઘણા છે. વિટામિન એ, ડી અને ઈથી ભરપૂર આ વેજિટેબલ ઑઇલ સ્કિનમાં ઊંડે ઊતરીને અસર કરે છે એટલે જ એ યુથ મિનરલ તરીકે પણ ઓળખાય છે.
જોજોબા ઑઇલ
જોજોબા સ્કિન પર ઉદભવતા બૅક્ટેરિયાને નાબૂદ પણ કરે છે તેમ જ ત્વચાનાં રોમછિદ્રોને બ્લૉક કર્યા વગર સ્કિનને જરૂરી એવું મૉઇસ્ચર પૂરું પાડે છે. જોજોબાનું તેલ મેક-અપ રિમૂવલ તરીકે પણ સારું છે. કાજલ, બ્લશ તેમ જ કોઈ પણ પ્રકારનો મેક-અપ ચહેરા પરથી દૂર કરવા માટે રૂના પૂમડાને જોજોબા ઑઇલમાં બોળીને ચહેરા પર ઘસવાથી મેક-અપ દૂર થાય છે અને સાથે-સાથે ચહેરાને ઑઇલનું પોષણ મળે છે. આ ગોલ્ડન કલરનું નૅચરલ અને સુગંધરહિત તેલ માર્કેટમાં ઈઝીલી મળી રહે છે. આ ઑઇલની ભાગ્યે જ કોઈ આડઅસર થાય છે. જોજોબા ઑઇલમાંથી ભરપૂર માત્રામાં વિટામિન ઈ મળી રહે છે જે ચામડી પર કરચલી પડતી અટકાવે છે.
રોઝમરી ઑઇલ
રોઝમરી ઑઇલ સ્કિનને સુંવાળી અને ચમકીલી બનાવે છે. રોઝમરી ઑઇલ સ્કિન પર એસ્ટિન્જન્ટ તરીકે કામ કરે છે. આ ઑઇલમાં ઍન્ટિ-ફંગલ અને ઍન્ટિ-બૅક્ટેરિયલ પ્રૉપર્ટીઝ આવેલી છે. આ એક પ્રકારનાં બારમાસી જેવાં ફૂલોનું તેલ છે જે સ્કિન પર લગાવતાં બ્લડ-સક્યુર્લેશન ઇમ્પ્રૂવ કરીને સ્કિનમાં નવીનતા લાવે છે. આ તેલથી સ્કિન પરના પિમ્પલ તેમ જ કોઈ પણ પ્રકારના ચામડીના રોગોથી મુક્તિ મળે છે.