જિગીષા જૈન
આપણે ટીવી અને ફિલ્મોમાં અવારનવાર જોઈએ છીએ કે કોઈ ઇમોશનલ સીનની અંદર ઇમોશનલ સ્ટ્રેસ ન જીરવી શકનાર વ્યક્તિ ડ્રામૅટિક રીતે છાતી પર ડાબી બાજુ હાથ રાખી પડી જાય છે અને ડૉક્ટર એને હાર્ટ-અટૅક જાહેર કરે છે. આજના લોકો જાણે છે કે હાર્ટ-અટૅક આવવાનું કારણ કૉલેસ્ટરોલનું વધતું પ્રમાણ અને હાર્ટની ધમનીઓમાં થતું બ્લૉકેજ છે માટે ટીવી કે ફિલ્મોના આવા ડ્રામૅટિક સીન સાવ લૉજિક વગરનાં લાગતાં હોય છે, પરંતુ ડ્રામૅટિક લાગતા આ સીન સાવ હમ્બગ પણ નથી હોતા. કૉલેસ્ટરોલ વધુ ન હોવા છતાં ધમનીઓમાં કોઈ બ્લૉકેજ ન હોવા છતાં ફક્ત ઇમોશનલ સ્ટ્રેસને કારણે પણ વ્યક્તિને હાર્ટ-અટૅક આવી શકે છે. આ કન્ડિશનનું નામ છે - કૉરોનરી આર્ટરી સ્પૅઝમ.
તાજેતરમાં ન્યુઝપેપરમાં ચમકેલી મુલુન્ડની એક હૉસ્પિટલના એક કેસની વાત ચોંકાવનારી હતી, જેમાં દરદીને વીસ દિવસની અંદર જ બીજી વાર અસહ્ય ચેસ્ટ-પેઇન ઊપડ્યું ત્યારે ત્યાંના ડૉક્ટર્સ આ પેઇન શાનું છે એ ડાયગ્નોસ કરી શકતા ન હતા. તેમણે ઍન્જિયોગ્રાફી અને ઇલેક્ટ્રૉ-કાર્ડિયોગ્રાફી (ઈસીજી) બન્ને પ્રકારની ટેસ્ટ કરી જોઈ, જેમાં હૃદયની ધમનીઓમાં કોઈ પણ પ્રકારનું બ્લૉકેજ જોવા મળ્યું નહીં અને ન તો કૉલેસ્ટરોલ લેવલ હાઈ હતું. જોકે પછી જાણવા મળ્યું કે દરદીને હાર્ટ-અટૅક આવેલો એટલે કે તેના હૃદયને લોહી પહોંચતું બંધ થયું હતું અને એને કારણે કાર્ડિઍક અરેસ્ટની પરિસ્થિતિ સર્જાઈ હતી એટલે કે હાર્ટ ધબકવાનું બંધ થઈ ગયું હતું. હૉસ્પિટલની અંદર જ ઍન્જિયોગ્રાફી દરમ્યાન જ્યારે કાર્ડિઍક અરેસ્ટની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે માંડ પકડમાં આવ્યું કે આ દરદીને કૉરોનરી આર્ટરી સ્પૅઝમ થયું છે. આ દરદીને એક દિવસ વેન્ટિલેટર પર રાખ્યા બાદ દવાઓ આપવામાં આવી, જેથી પરિસ્થિતિને કાબૂમાં રાખી શકાય.
કેવી રીતે થાય?
કૉરોનરી આર્ટરીઝ એટલે કે હૃદયને લોહી પહોંચાડતી મુખ્ય ધમનીઓ હૃદયની જમણી અને ડાબી બન્ને બાજુએ હોય છે. સ્પૅઝમ એટલે અતિસંકોચન. કૉરોનરી આર્ટરી સ્પૅઝમ વિશે સમજાવતાં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘કૉરોનરી આર્ટરી સ્પૅઝમ એટલે બન્નેમાંથી કોઈ એક ધમનીનું ટેમ્પરરી સંકોચન. અચાનક થોડા સમય માટે હૃદયને બહોળા પ્રમાણમાં લોહી પહોંચાડતી અને હૃદયમાંથી શરીરમાં લોહીનો સપ્લાય કરતી ડાબી અને જમણી કૉરોનરી ધમનીમાંની એક સંકોચાઈ જાય છે જેને કારણે હૃદયને ઓછું લોહી મળે છે અથવા લોહી મળતું બંધ થઈ જાય છે. આ કન્ડિશનને કૉરોનરી આર્ટરી સ્પૅઝમ અથવા પ્રિન્ઝમેટલ્સ ઍન્જાઇના અથવા વેરિયન્ટ ઍન્જાઇના પણ કહેવામાં આવે છે. ધમનીની દીવાલના સ્નાયુઓ દબાવાથી આ સ્પૅઝમની ઘટના બને છે. મોટા ભાગે એ ધમનીના એક એરિયા પૂરતી સીમિત હોય છે.’
લક્ષણો શું?
કૉરોનરી આર્ટરી સ્પૅઝમનાં લક્ષણો જણાવતાં ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘આ સમયે દરદીને છાતીની ડાબી બાજુ ભયંકર દર્દ ઊઠે છે, જે મોટા ભાગે છાતીનાં હાડકાંની નીચેના ભાગમાં હોય છે. આ પ્રકારના દર્દને ઍન્જાઇના કહે છે, જે ખૂબ જ પેઇનફુલ હોય છે. ખૂબ જ પ્રેશર અને ટાઇટનેસ સાથે ઉદ્ભવતું આ દર્દ ખભા, ગળા, હાથ અને જડબાં સુધી ફેલાતું હોય છે. આ દર્દ મોટા ભાગે વ્યક્તિ આરામ કરતી હોય ત્યારે જ થાય છે. સાધારણ રીતે મધ્યરાત્રિથી લઈને સવારે આઠ વાગ્યા સુધીમાં આ પ્રકારનું સ્પૅઝમ થવાની શક્યતા હોય છે. ચેસ્ટ પેઇનની સાથે-સાથે શ્વાસ લેવામાં પણ દર્દીને તકલીફ પડે છે. સ્પૅઝમની તીવþતા વધે તો વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે.’
શા માટે થાય?
કૉરોનરી આર્ટરી સ્પૅઝમ પાછળનાં કારણો જણાવતાં ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘જે વ્યક્તિનું કૉલેસ્ટરોલ લેવલ વધારે ન હોય અને તેની આર્ટરીઝમાં કોઈ બ્લૉકેજ પણ ન હોય તેવી વ્યક્તિને પણ આ સ્પૅઝમ થઈ શકે છે, કારણ કે આ સ્પૅઝમનું મુખ્ય કારણ ધમનીનું સંકોચન છે જેને કૉલેસ્ટરોલ અને બ્લૉકેજ જોડે લેવાદેવા નથી. આ ઉપરાંત બીજા હાર્ટ-રિસ્ક ફૅક્ટર જેવા કે ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર પણ આના માટે જવાબદાર નથી હોતાં. ઇમોશનલ સ્ટ્રેસ, વધુપડતી ઠંડી, કૉકેઇન જેવા ડ્રગ્સનું સેવન, સ્મોકિંગ વગેરે કૉરોનરી આર્ટરી સ્પૅઝમ થવાનાં મૂળભૂત કારણો છે. આ ઉપરાંત જે વ્યક્તિને દારૂની લત હોય અને તે એકદમ દારૂ પીવાનું છોડી દે તો પણ આ સ્પૅઝમનો ભોગ બની શકે છે.’
ટેસ્ટ કામ લાગતી નથી
કૉરોનરી આર્ટરી સ્પૅઝમની ખાસ વિશેષતા જણાવતાં ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘જો કૉરોનરી આર્ટરી સ્પૅઝમને કારણે ચેસ્ટ પેઇન થતું હોય તો કોઈ પ્રકારની ટેસ્ટ કામ લાગતી નથી. કૉરોનરી આર્ટરી સ્પૅઝમ ઘણી વાર થોડા સેકન્ડ માટે અનુભવાય તો ક્યારેક અડધી કલાક સુધી પણ સ્પૅઝમ રહે છે. જો આ દરમ્યાન દરદી હૉસ્પિટલમાં હોય તો કદાચ સ્પૅઝમ ડાયગ્નોસ કરી શકાય, પરંતુ જો તે હૉસ્પિટલમાં ન હોય તો સ્પૅઝમનું કન્ફર્મ ડાયગ્નોસિસ કરવું શક્ય હોતું નથી. વળી ચેસ્ટ પેઇનની ફરિયાદવાળા બે ટકા લોકોમાં કૉરોનરી આર્ટરી સ્પૅઝમ જોવા મળે છે. આમ, એની શક્યતા ઓછી હોવાને કારણે પણ ડાયગ્નોસ કરવું મુશ્કેલ છે.’
You Tube થયું ડાઉન, વીડિયો લોડિંગમાં થઈ રહી છે સમસ્યા
12th November, 2020 08:00 ISTમુંબઈ : ચાલતી બસમાં ડ્રાઇવરને હાર્ટ-અટૅક
21st October, 2020 07:37 ISTજન્મદિવસે શુભેચ્છાઓ અને પ્રેમનો વરસાદ કરનાર ફૅન્સને અમિતાભ બચ્ચને કહ્યું 'Thank You'
11th October, 2020 11:35 ISTહ્યદય રોગના હુમલા બાદ વિટામીન E હ્યદયને તંદુરસ્ત બનાવે છે
26th September, 2019 20:40 IST