Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > માત્ર કોરોનાને જ દૂર નહીં રાખે પણ બીજાય અનેક લાભ આપશે નમસ્કાર મુદ્રા

માત્ર કોરોનાને જ દૂર નહીં રાખે પણ બીજાય અનેક લાભ આપશે નમસ્કાર મુદ્રા

19 March, 2020 08:00 PM IST | Mumbai Desk
Ruchita Shah | ruchita@mid-day.com

માત્ર કોરોનાને જ દૂર નહીં રાખે પણ બીજાય અનેક લાભ આપશે નમસ્કાર મુદ્રા

કેમ થાય? : નમસ્કારની સાચી રીત વિશે અભયકુમાર શાહ કહે છે, ‘નમસ્કાર મુદ્રા કરતા હો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. બન્ને હથેળી સંપૂર્ણપણે એકબીજાને સ્પર્શે એ રીતે રાખવાની હોય છે, જેમાં બન્ને હાથની દસેય આંગળીઓનાં ટેરવાંથી લઈને હથેળીનો તમામ હિસ્સો એકબીજા સાથે સ્પર્શતો હોવો જોઈએ. બીજું, જોડેલો હાથ આપણા અનાહત ચક્ર એટલે કે હૃદય ચક્રની બરાબર વચ્ચોવચ હોય અને બન્ને કોણીઓ જમીનને સમાંતર હોય. મસ્તક સહેજ ઝૂકેલું હોય ત્યારે નમસ્કાર મુદ્રા કરી ગણાય.’

કેમ થાય? : નમસ્કારની સાચી રીત વિશે અભયકુમાર શાહ કહે છે, ‘નમસ્કાર મુદ્રા કરતા હો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. બન્ને હથેળી સંપૂર્ણપણે એકબીજાને સ્પર્શે એ રીતે રાખવાની હોય છે, જેમાં બન્ને હાથની દસેય આંગળીઓનાં ટેરવાંથી લઈને હથેળીનો તમામ હિસ્સો એકબીજા સાથે સ્પર્શતો હોવો જોઈએ. બીજું, જોડેલો હાથ આપણા અનાહત ચક્ર એટલે કે હૃદય ચક્રની બરાબર વચ્ચોવચ હોય અને બન્ને કોણીઓ જમીનને સમાંતર હોય. મસ્તક સહેજ ઝૂકેલું હોય ત્યારે નમસ્કાર મુદ્રા કરી ગણાય.’


હાથ જોડવાની પ્રક્રિયા આપણા લોહીમાં છે. જન્મેલાં બાળકને પણ જે-જે કરો એવું કહો એટલે પટ દઈને હાથ જોડી નાખશે. શીખવવું પણ નથી પડતું આપણી જનતાને. જોકે આજકાલ વિશ્વમાં નમસ્તેનો જબરો રોફ જામ્યો છે. કોરોના વાઇરસથી બચવા વિશ્વના દિગ્ગજ નેતાઓથી લઈને અભિનેતાઓ હાથ જોડીને અભિવાદન કરવાની સલાહ આપી રહ્યા છે. હાથ જોડીને સામા પ્રત્યે આદર વ્યક્ત કરવાની આપણી પરંપરા વાઇરસથી બચાવવા ઉપરાંત પણ ઘણી રીતે લાભકારી છે. યોગમાં નમસ્કાર મુદ્રા અથવા અંજલિ મુદ્રા તરીકે ઓળખાતી આ મુદ્રા કરવાની સાચી રીત શું અને એના લાભ શું એ વિશે આજે થોડીક વાતો કરીએ.
મુદ્રાનું મહત્ત્વ
ભૂતકાળમાં પણ આપણે મુદ્રા વિજ્ઞાન વિશે વાત કરી ચૂક્યા છીએ જેને સામાન્ય રીતે શરીરની ઊર્જાને સાચી દિશામાં ગતિ કરાવવાના શાસ્ત્ર તરીકે ઓળખાવી શકીએ. છેલ્લાં ઘણાં વર્ષોથી મુદ્રા પર ઊંડો અભ્યાસ કરી રહેલા અને મુદ્રાના માધ્યમે રોગોનું નિવારણ કરતા મુદ્રા થેરપિસ્ટ અભયકુમાર શાહ કહે છે, ‘મુદ્રા તરીકે આપણે કોસ્મિક એનર્જીને ફિંગરટિપ્સથી ઍબ્સૉર્બ કરતા હોઈએ છીએ. આપણી આંગળીઓ અહીં એન્ટેનાની જેમ કામ કરે છે. મુદ્રા દ્વારા આપણે પ્રાણ ઊર્જાની ફ્લો સર્કિટને પૂરી કરીએ છીએ. મુદ્રા તમારા શરીર, મન અને આત્મા એમ ત્રણેય પર અસર કરે છે.’
આ મુદ્રા શું કામ ખાસ?
દરેક મુદ્રા કોઈને કોઈ ભાવ સાથે સંકળાયેલી હોય છે. અભયકુમાર કહે છે, ‘અહીં બન્ને રીતે ફાયદો થાય છે. કાં તો તમારામાં એ ભાવ જાગે અને તમે એ મુદ્રા અનાયાસ કરી બેસો અથવા જેવી તમે એ મુદ્રા કરો એટલે બૉડીનું કુદરતી મેકૅનિઝમમાં તમારામાં એ ભાવ જગાવે. નમસ્કાર મુદ્રા એના નામ પ્રમાણે જ કરવાથી સૌથી પહેલાં આપણામાં નમ્રતાનો ભાવ જગાવે. નમ્રતાનો ભાવ જાગે એટલે અહંકાર આપમેળે ઓગળવા માંડે અને અહંકાર ઓગળે એટલે જે જેવા છે એનો સ્વીકાર થવા માંડે. તમે કોઈને ત્યારે જ નમો જ્યારે તમે સામેવાળાનો સ્વીકાર કર્યો હોય. અહીં આજે જે પણ સમસ્યા છે એ ઍક્સેપ્ટન્સના અભાવને કારણે જ છે. તમે જે જેવું છે એ એવા જ ફૉર્મમાં સ્વીકારી નથી શકતા એટલે દુખી થાઓ છો અને દુખી કરો છો. નમસ્કાર મુદ્રા સૌથી પહેલાં તો તમારામાં સ્વીકારભાવને જગાડે છે. નમસ્કાર મુદ્રામાં હાથ હૃદયના ચક્રને સ્પર્શતા હોય ત્યારે એ ઑટોમૅટિકલી તમારામાં પ્રેમ, કૃતજ્ઞતા અને આનંદના ભાવને જગાડે છે.’
બાયોલૉજિકલ ઇફેક્ટ
આપણું શરીર બે ભાગમાં વિભાજિત છે એ તો આપણને ખબર છે. બ્રેઇનમાં રાઇટ હેમિસ્ફિયર અને લેફ્ટ હેમિસ્ફિયર એમ બે હિસ્સા છે. બે હાથ, બે પગ, બે કાન, બે આંખ, બે ફેફસાં, બે કિડની બન્ને વચ્ચે સંતુલન હોય ત્યારે શરીર વધુ બહેતર રીતે કામ કરે છે. અભયકુમાર કહે છે, ‘માત્ર હાથ અને પગ છોડીને શરીરના બીજા એકેય બેની જોડને આપણે જોડી નથી શકતા. પગના તળિયાને જોડીએ તો વિચિત્ર મુદ્રા બને પણ હાથને ખૂબ જ સરળતાથી અને સહજતાથી જોડી શકાય છે એ પાછળ પ્રાકૃતિક કારણ પણ છે. નમસ્કાર મુદ્રાથી આપણા બ્રેઇનના ડાબા અને જમણા હિસ્સા વચ્ચેના એનર્જી ફ્લોમાં સંતુલન આવે છે. ડાબો હિસ્સો ક્રીએટિવિટી સાથે સંકળાયેલો છે અને જમણો હિસ્સો લૉજિકલ થિન્કિંગ સાથે સંકળાયેલો છે. કેટલાક લોકોનો જમણો હિસ્સો ઍક્ટિવ હોય છે તો તેઓ વધુ અતિતાર્કિક હોય છે અને કેટલાકનો ડાબો હિસ્સો વધુ ડેવલપ હોય તો તેઓ અતિલાગણીશીલ હોય છે. જોકે કોઈ પણ બાબતનો અતિરેક જોખમી છે. નમસ્કાર મુદ્રા આ બન્નેમાં સંતુલન લાવે છે. લાંબા સમય માટે નમસ્કાર મુદ્રા કરો તો હેડેક મટી શકે. એનર્જી ફ્લોને સંતુલિત કરે ઘણા લોકો અજાણ્યા લોકો સાથે વાત કરતાં ડરતા હોય છે, વિશ્વાસ નથી મૂકી શકતા. નમસ્કાર મુદ્રાથી એ ભયનો ભાવ દૂર થાય છે. શરીરને બળવાન બનાવે, આંગળીઓની લચક વધારે. જીવન ઉત્કર્ષ માટે નમસ્કાર મુદ્રા ખૂબ જ ઉપયોગી છે.’
એવું પણ કહેવાય છે કે નમસ્કાર મુદ્રાને કારણે કોઈ પણ પ્રકારની સામેવાળી વ્યક્તિની નેગેટિવ એનર્જી આપણામાં પ્રવેશતી અટકે છે, કારણ કે એમ કરવાથી તમે સામેવાળી વ્યક્તિને સ્પર્ષ કરતા નથી અને તમારા પોતાના એનર્જી ફિલ્ડને વધુ સ્ટ્રોંગ બનાવી દો છો.

વાઇરસથી બચવા માટે આ ચાર મુદ્રાઓ ટ્રાય કરો : અભયકુમાર શાહ



માત્ર કોરોના જ નહીં પણ કોઈ પણ પ્રકારના વાઇરસ એ જ લોકોને વળગશે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય. મોટા ભાગે વાઇરસ સૌથી પહેલાં વ્યક્તિનાં ફેફસાંની હેલ્થને ઘટાડે છે. ટૂંકમાં રોગપ્રતિકારક શક્તિ વધારે અને ફેફસાંની ક્ષમતા વધારે એ પ્રકારની મુદ્રા લોકોને ઉપયોગી થશે. દિવસમાં બેથી ત્રણ વાર ૧૬ મિનિટ માટે પ્રત્યેક મુદ્રા કરી શકાય. એ માટે અમે શૉર્ટ-લિસ્ટ કરેલી ચાર મુદ્રાઓ વિશે જાણી લો.
પ્રાણ મુદ્રા : વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, વ્યક્તિમાં પ્રાણઊર્જાનું વહન કરવામાં આ મુદ્રા ખૂબ જ ઉપયોગી છે. આ ફેફસાંને મજબૂત કરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
કેવી રીતે થાય? : તમારી રિન્ગ-ફિંગર એટલે કે અનામિકા અને કનિષ્ઠાના અગ્ર ભાગને અંગૂઠાના અગ્ર ભાગ પર ભેગી કરો.
ફુફુસ મોચન મુદ્રા : ફેફસાંની ક્ષમતાને વધારવાથી લઈને એને મજબૂત અને તાકાતવર બનાવવામાં આ મુદ્રાથી અમને અદ્ભુત પરિણામ મળ્યાં છે. શ્વાસને લગતી કોઈ પણ સમસ્યા હોય, ફેફસાંને લગતા રોગો હોય ત્યારે આ મુદ્રા કરવાથી અચૂક લાભ થશે.
કેવી રીતે થાય? : હાથના અંગૂઠાના મૂળ પર સૌથી નાની આંગળી એટલે કનિષ્ઠાના ટેરવાને મૂકો. અંગૂઠાના મૂળના ઉપલા ભાગ પર રિન્ગ-ફિંગર એટલે કે અનામિકાના ટેરવાને રાખો અને વચલી આંગળી એટલે કે મધ્યમાના ટેરવાને અંગૂઠાના સૌથી ઉપલા ભાગ પર રાખો. સૌથી પહેલી આંગળી એટલે કે તર્જનીને ખેંચેલી રાખો. બન્ને હાથમાં આ મુદ્રા બનાવીને બન્ને બાહુઓને ફેલાવીને શ્વાસ લો.
અભય હૃદય મુદ્રા : છાતીના ઇન્ટરકોસ્ટલ એરિયામાં રહેલા અવયવો એટલે કે હૃદય અને ફેફસાંને મજબૂતી બક્ષવાનું કામ આ મુદ્રા કરે છે. હાર્ટ માટે પણ આ મુદ્રા અસરકારક મનાય છે.
કેવી રીતે થાય? :બન્ને હાથના પાછલા ભાગને એકબીજા પર રાખીને બન્ને હાથની કનિષ્ઠા, અનામિકા અને ટચલી આંગળીનાં ટેરવાં એકબીજાને અડે એમ રાખો. અંગૂઠાનો ઉપલો ભાગ અને તર્જનીનું ટેરવાનો હિસ્સો જ્ઞાન મુદ્રામાં હોય એમ એકબીજાને સ્પર્શેલો રહેશે.
શંખ મુદ્રા : આ મુદ્રા આપણી નાભિથી નીકળતી ૭૨ હજાર નાડીઓને શુદ્ધ કરે છે. આપણી નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે. આપણા થાઇરૉઇડ એરિયાને મજબૂત કરે છે. શંખ ફૂંકવાથી જેમ ફેફસાંની ક્ષમતા વધે અને વાતાવરણની પણ શુદ્ધિ થાય એવા જ લાભ આ મુદ્રાથી પણ થાય છે.
કેવી રીતે થાય? : કોઈ પણ એક હાથની હથેળીના અંગૂઠાની નીચે જે સહેજ ઊપસેલો ભાગ છે ત્યાં બીજા હાથનો અંગૂઠો રાખો અને એની ફરતે ત્રણ આંગળીઓ વીંટાળી દો. જે અંગૂઠો મુઠ્ઠીમાં છે એ જ હાથની તર્જનીનો ટેરવાનો હિસ્સો અને મુઠ્ઠી વળેલા હાથના અંગૂઠાનાં ટેરવાં એકબીજાને સ્પર્શે એમ રાખો અને બીજી ત્રણ આંગળીઓ હાથના પાછલા ભાગમાં સ્પર્શતી રાખો.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 08:00 PM IST | Mumbai Desk | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK