Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



નવતર જીવતર

28 October, 2019 01:19 PM IST | મુંબઈ
રશ્મિન શાહ

નવતર જીવતર

સંકલ્પની શક્તિ

સંકલ્પની શક્તિ


૧. સમય અમૂલ્ય છે, એની કિંમત કોડીની નહીં કરો
સમયની બાબતમાં કોઈ ધનિક નથી કે કોઈ તવંગર નથી. બિલ ગેટ્સ પાસે પણ ૨૪ કલાક છે, નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણી પાસે પણ ૨૪ કલાક છે અને મારી-તમારી પાસે પણ એક દિવસની આટલી જ મૂડી છે. મહત્ત્વનું એ છે કે તમે આ મૂડી કેવી રીતે ખર્ચો છો. બંધ કરી દો એનો વેડફાટ. આજે સમયનો વેડફાટ કરશો તો આવતી કાલે જ્યારે તમને એની જરૂર હશે ત્યારે એ તમારી બાજુમાં ઊભો નહીં રહે. સમય અમૂલ્ય છે અને લાખો-કરોડો વખત આ કહેવાઈ ગયું છે. વાંચીએ કે સાંભળીએ ત્યારે સાચું લાગે, પણ પછી ઠેરના ઠેર. બહેતર છે કે આ ઠેરના ઠેર રહેવાની નીતિનો ક્ષય થાય અને સમયનો સદુપયોગ શરૂ કરીએ. નવતર જીવતરની પહેલી શરત એ છે કે ક્યાં કેટલો અને કેવો સમય ઇન્વેસ્ટ કરો છો એ ધ્યાનથી જુઓ. છે તમારી પાસે ૨૪ જ કલાક. આ ૨૪ કલાકનો મૅક્સિમમ સદુપયોગ થાય અને પ્રોડક્ટિવ રિઝલ્ટ આવે એ જુઓ. ઑફિસમાં કામ કરવાના ૮ કલાક છે તો એ આઠેઆઠ કલાકનું માલિક કંપની છે. એક વખત સાચી રીતે એ ૮ કલાક કંપનીને આપશો તો તમને તમારા જ પ્રોડક્ટિવનો અણસાર આવશે, ખબર પડશે કે તમારી કાર્યક્ષમતા કેવી અદ્ભુત છે. ટાઇમ-મૅનેજમેન્ટની બાબતમાં મોરારિબાપુએ એક વખત કહ્યું હતું કે ‘જો સમયને નહીં સાચવો તો સમય તમને ક્યારેય નહીં સાચવે.’
આવતી કાલની ઇમર્જન્સીને ધ્યાનમાં રાખીને આજનો દિવસ ખર્ચવાનું શરૂ કરી દો. આવતી કાલે સ્વજન હૉસ્પિટલે પહોંચી જાય તો કાલનું બધું કામ રખડી પડશે એવું ધારીને કામને ઍડ્વાન્સમાં કરવાનું રાખશો તો દેખાશે કે તમારામાં ક્ષમતા છે, પણ માત્ર દાનતનો પ્રશ્ન હતો. બી અલર્ટ, સમયને સાચવીને ખર્ચો.
૨. હું ઑનલાઇન નહીં, ઑફલાઇન અવેલેબલ છું
હા, ઑનલાઇન નહીં, પણ ઑફલાઇન થવાનું છે. સમય આવી ગયો છે હવે. દિવસમાં ઍટ લીસ્ટ એક ચોક્કસ સમય રાખો જેમાં તમે માત્ર સોશ્યલ મીડિયા જ નહીં, પણ મોબાઇલ સાથે પણ નહીં રહો. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનું કૅરૅક્ટર કરતા શૈલેશ લોઢા આજે પણ સોશ્યલ મીડિયાથી દૂર રહે છે. શૈલેશ લોઢા કહે છે, ‘ઑનલાઇન એ જ રહે જે ઑફલાઇન ન રહેતા હોય. હું ઑફલાઇન રહેવામાં માનું છું. સંબંધો, રિલેશનશિપ ઑફલાઇન વ્યવહારથી જ ટકે. લોકોને લાગે છે કે સોશ્યલ મીડિયાથી ડિસ્ટન્સ ઘટે છે, પણ હું માનું છું કે આ સોશ્યલ મીડિયાએ અંતર વધાર્યું છે.’
વાત ખોટી જરાય નથી. સોશ્યલ મીડિયાએ દૂરનાને નજીક અને નજીકની વ્યક્તિને દૂર કરવાનું કામ કર્યું છે. વૉટ્સઍપ કે ફેસબુક પર હાજર રહેનારા માટે ક્યારેક એવી અવસ્થા આવી જતી હોય છે કે જરૂર પડે ત્યારે પાસેની વ્યક્તિ હાથ આપવા રાજી નથી હોતી. જીવવાનું પાસે હોય તેમની સાથે છે ત્યારે દૂરનાને ખુશ કરવાની માનસિકતાનો ક્ષય કરીને નજીકના પાસે છે એ સૌની સાથે રહીને જીવનને માણવાનું નક્કી કરજો. કબૂલ, મંજૂર કે આજના આ કૉમ્પિટિટિવ સમયમાં વૉટ્સઍપ જેવા મેસેન્જરથી દૂર નથી રહી શકાતું પણ એનો અર્થ એવો નથી કે ચાદર અને તકિયો લઈને ત્યાં બેસી રહેવું. ના, જરાય નહીં. ગાંજો પીનારાને ગાંજો ન મળે તો જે તલબ ઊભી થાય એવી જ તલબ આ મેસેન્જરે ઊભી કરી છે. બહેતર છે કે આ વ્યસનને છોડો અને વાસ્તવિક દુનિયા સાથે જોડાયેલા રહો. નિયમ બનાવો કે એક ચોક્કસ સમય પછી મોબાઇલને હાથમાં નથી રાખવો અને માત્ર ઑફલાઇન રિલેશનશિપ સાથે જોડાયેલા રહેવું છે. નક્કી કરશો તો થઈ શકશે. જરૂર છે માત્ર એક રેઝોલ્યુશનની. નક્કી કરી લો કે ઘરે પહોંચ્યા પછી મોબાઇલને ખૂણામાં મૂકી દેવો છે અને ઘરે રાહ જોતા, તમારા વિના ટળવળતા સ્વજન સાથે સમય ગાળવો છે.
૩. એક બૅગમાં આવે એ જીવન, એ દુનિયા
સહજ અને સરળ રીતે આ વાતને સમજી લેજો. ઓછામાં ઓછી જરૂરિયાતો સાથે રહેવાનું આવે તો શું પરિસ્થિતિ થાય એનો વિચાર પણ કરી લેજો અને પછી એનો અમલ કરજો. ફિલ્મ-ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ થોડા સમય પહેલાં કહ્યું હતું કે ‘એક બૅકપૅકમાં આવી જાય એટલી ચીજ લઈને ફરવા માટે નીકળી શકો તો માનવું કે તમારી જરૂરિયાતો વાજબી છે.’
વાજબી, ઓછી નહીં. મૅક્સિમમ જરૂરિયાતો આપણે જાતે ઊભી કરી છે. એ જરૂરિયાતોને હવે ઘટાડવાની છે અને દર વખતે એકેક ચીજવસ્તુનો ઘટાડો શરૂ કરી દેવાનો છે. કહેવાય છે કે ૯૦ દિવસ સુધી જો એક ચીજ વિના તમે ચલાવી શકો તો એના વિના આખી જિંદગી જીવી શકાય. સાધુ બનીને રહેવાની વાત નથી અહીં, પણ અહીં વાત બિનજરૂરી આવશ્યકતાઓ ઘટાડવાની છે. ‘આ જ જોઈએ’, ‘આ હોવું જ જોઈએ’ અને ‘આ નથી તો હવે નહીં ચાલે’ જેવી દલીલોને કાઢીને રહેવાનું શરૂ કરો. સુખાકારીએ હંમેશાં તકલીફ આપવાનું કામ કર્યું છે અને તકલીફોએ જીવનને બળવત્તર બનાવ્યું છે.
આવશ્યકતા ઘટાડવાનું કામ માત્ર તમારા પૂરતું જ સીમિત નથી રાખવાનું, એનું મૂલ્ય પરિવારને પણ સમજાવવાનું છે. બાળકો પણ જો આ વાત સમજશે તો એનો ફાયદો તેમને જ થવાનો છે. તેમને આ વાત નહીં સમજાવીને તમે અજાણતાં જ તેમનું અહિત કરી રહ્યા છો.
૪. વીકમાં એક દિવસ જંગલનો નિયમ
હા, એક દિવસ જંગલનો નિયમ પાળવાનો છે. આ વાત માત્ર અને માત્ર કિચન પૂરતી લાગુ પડે છે. એક દિવસ માટે કોઈ પ્રકારનો રાંધેલો ખોરાક ખાવાનો નહીં.
વાંદરાથી માંડીને સિંહ, વાઘ અને દીપડા સુધ્ધાં ખોરાક રાંધતાં નથી, એ રાંધવાની કડાકૂટમાં માણસ જ પડ્યો છે અને એટલે જ તેણે પોતાની તંદુરસ્તીનો કચ્ચરઘાણ વાળી દીધો છે. શરીરમાં ભરાઈને પડ્યા રહેતા ઝેરને દૂર કરવા માટેનો આ શ્રેષ્ઠ, સરળ અને સાવ સસ્તો કીમિયો છે અને આ કીમિયાને આ વર્ષે અમલમાં મૂકવાનો છે. જો આ વાતને સાચી માનીને બાકીના દિવસોમાં પણ ઓછામાં ઓછા રાંધેલા ખોરાકને ખાવાનું શરૂ કરશો તો એનો લાભ પણ તમને જ મળવાનો છે. તમારી જાણ ખાતર મોરારિબાપુ સાંજના સમયે માત્ર બાજરાનો રોટલો અને દૂધ ખાય છે. નરેન્દ્ર મોદી વર્ષના ૩૦૦ દિવસ ખીચડી અને દૂધ જ આરોગે છે અને એટલે જ આ ઉંમરે પણ તેમની તંદુરસ્તી અવ્વલ દરજ્જાની છે.
તંદુરસ્તીની દરકાર નહીં કરનારાઓને માત્ર એટલું જ કહેવાનું, એક વાર બીમાર પડીને જુઓ. મૂળ વિષય પર આવીએ. નો કુકિંગ. રાંધેલો ખોરાક નથી ખાવાનો અને માત્ર કાચાં શાકભાજી, ફ્રૂટ્સ, જૂસ અને દૂધ કે એવી વરાઇટી જ લેવાની છે. આ બધા પર નમકના મૂઠા કે પછી સાકરના ગાંગડા પણ નથી ભભરાવવાના. કુદરતી સ્વાદ સાથે જ વીકનો એક દિવસ પસાર કરવાનો છે. જીવન સાચા અર્થમાં નવતર બનવાનું શરૂ થઈ જશે. પદ્‍મશ્રી ઍક્ટર મનોજ જોષી કહે છે, ‘શિયાળામાં હું ઑલમોસ્ટ વીકમાં ત્રણથી ચાર દિવસ કાચાં શાકભાજી પર રહું છું. આ મારો વર્ષોનો નિયમ છે. આ નિયમ મેં અનેક પાસે લેવડાવ્યો છે અને એ લોકોની સ્ફૂર્તિમાં આવેલો ફરક બધા અનુભવે છે.’
૫. ચૂપ રહેશો તો મનને બોલતું કરશો
દિવસમાં એક વાર મિનિમમ એક કલાક ચૂપ રહો. ચૂપ રહેતાં શીખશો તો અંદરનો અવાજ પણ સંભળાશે અને મન પણ બોલતું કરી શકશો. એક કલાક ચૂપ રહેવાનું છે. કશું બોલવાનું નથી અને કોઈ ઍક્ટિવિટી પણ નથી કરવાની. એવું પણ નહીં કે ચૂપ રહેવાનું છે એટલે હું વેબ-સિરીઝ જોઈ લઉં કે ટીવી પર ટાઇમપાસ કરી લઉં. ના કશું જ નહીં. લખવાની પ્રક્રિયા પણ આ એક કલાકમાં સામેલ નથી થતી, કારણ કે કરવામાં આવતી ઍક્ટિવિટી દરમ્યાન અંદર વાર્તાલાપ ચાલુ હોય છે અને એ વાર્તાલાપને પણ ચૂપ કરવાનો છે. એક કલાક, તમારાથી વધારે રહી શકાતું હોય કે તમને વધારે ઇચ્છા હોય તો છૂટ પણ એક કલાક મિનિમમ. આને માટેનો સમય પણ તમે નક્કી કરી શકો છો. રાતે સૂતી વખતના સમય સિવાયનો સમય નક્કી કરવાનો છે. ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો એ નહીં ચાલે. તમને કહ્યું એમ, શાંત અને સ્વસ્થતા સાથે બેઠા હો એ સમયની આ વાત છે.
આ કરવાનો આદર્શ સમય જો કોઈ હોય તો એ રાતનો સમય છે. ઘરે પાછા આવી ગયા પછી કે બધાં કામ પતાવી લીધાં હોય એ પછી આ એક કલાક તમે ફાળવી શકશો. ચૂપ રહેવાની આ પ્રક્રિયા દેખીતી રીતે સહેલી લાગે છે, પણ એ છે અઘરી, જે તમને ત્રીજા અને ચોથા દિવસે ખબર પડશે, પણ એ પછી ચૂપ રહેવાની આ પ્રક્રિયામાં આવશે મજા એની પણ ગૅરન્ટી. ચૂપ રહેવાના અઢળક ફાયદા તમને જોવા મળશે એ નક્કી છે, પણ એક વખત સાચી રીતે ચૂપ રહેતા થઈ ગયા તો. આ વર્ષે ચૂપ રહેવાના આ એક કલાકને તમારા લિસ્ટમાં ઉમેરી દેજો. ઍક્ટર-પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયા કહે છે, ‘મૌન રહેવાની પ્રૅક્ટિસ મેં કરી છે, જેના અનેક લાભ મને થયા છે. સૌથી મોટો ફાયદો એ કે એનાથી તમારી વિચારશક્તિ અને વૈચારિક ક્ષમતા ખીલે છે.’
૬. ...કે પૈસા બોલતા હૈ
હા, પૈસો બહુ બોલે છે અને એ માત્ર બોલતો નથી, એ કૂદકા પણ બહુ મારે છે. પૈસાને બોલવા નહીં દો અને એને કૂદકા મારવાની આદત પણ છોડાવી દો. મહિનાનું એક ચોક્કસ બજેટ બનાવો અને એ બજેટથી એક રૂપિયો પણ વધારે ખર્ચ ન થાય એનું ધ્યાન રાખો. આજે કરેલો ખોટો ખર્ચ આવતી કાલે સાચો ખર્ચ કરવામાં તમારા હાથ અટકાવી શકે છે. ખર્ચ પર કાપ મૂકવાની આવશ્યકતા હોય ત્યાં કાપ મૂકો, શારીરિક શ્રમ વધારે લેવો પડે તો એને લાભદાયી ગણીને એવું ધારો કે એ બહાને એક્સરસાઇઝ થશે પણ એ રીતે, પણ પૈસાનો વેડફાટ અટકાવો. એક સર્વે મુજબ સરેરાશ ભારતીય પોતાની ઇન્કમમાંથી ૧૪ ટકા ખોટો ખર્ચ કરે છે. એક પ્રાયોરિટી લિસ્ટ બનાવો, એમાં તમારા ભવિષ્યના પ્લાન લખો અને એની તૈયારી અત્યારથી શરૂ કરી દો. યાદ રાખજો કે સાઠ વર્ષે જો એક્ઝિટ લઈ લેશો તો પાછળ બચેલો પૈસો સગાંવહાલાંઓને કામ લાગશે, પણ ધારો કે ૯૦ વર્ષ જીવી ગયા તો એ છેલ્લાં ૩૦ વર્ષ સૌથી વધારે ખરાબ હશે, ખર્ચ પણ એ જ સમયમાં સૌથી વધારે થવાનો છે. ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર-ડિરેક્ટર મેહુલ બુચ કહે છે, ‘ફૅમિલીના દૃષ્ટિકોણથી કહું તો ક્રિમિનલ એક્સપેન્સથી મોટું ક્રાઇમ નથી.’
આ ક્રાઇમને રોકવાનું રેઝોલ્યુશન લો. જો પૈસો હાથમાં ટકતો ન હોય તો એ જેના હાથમાં ટકતો હોય તેને આપી દો, પણ બચતની માનસિકતા કેળવી લો.
૭. સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા...
દરરોજ કોઈ એકને હેલ્પ કરવાની છે. જેવી થઈ શકે એવી અને જે તમારી ક્ષમતા હોય એવી, પણ એકને હેલ્પ કરવાની એ નક્કી. ગુજરાતી રંગભૂમિના ઍક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર સંજય ગોરડિયા કહે છે, ‘મદદ કરવી એ માનવીય ફરજ છે. જો તમારા ઓળખીતા કે નજીકનાને હેલ્પ કરી શકો તો વધારે ઉત્તમ, પણ ધારો કે તેમને હેલ્પની આવશ્યકતા ન હોય તો કોઈને પણ હેલ્પ કરો. આ એક એવી ફરજ છે જે પૂરી કરવા માટે કોઈ કહેવા નથી આવતું.’
ઘરમાં નાનું બાળક હોય તો તેને સાથે લઈને વીકમાં એક વખત મંદિરે જઈને ત્યાં બેઠેલા ભિક્ષુકોને તેના હાથે મદદ કરાવો. આપવાની ભાવના કેળવાશે. કામવાળી બાઈનું સંતાન તેની સાથે ઘરે આવતું હોય તો એ બાળકને તમારા પરિવારના બાળક હસ્તક ભાવતી ચીજવસ્તુ આપવાનું શીખવજો અને ધારો કે બાળક ઘરમાં નથી તો દરરોજ એક નિયમ બનાવજો કે બિસ્કિટનાં બે પૅકેટ લઈને એ ગરીબનાં બાળકોને આપજો, પણ કોઈને ખુશ કરવાની તક જતી નહીં કરતા. દિવસમાં એક વાર અને એ પણ યાદ રાખીને. હેલ્પ કરશો તો હેલ્પ મળશે. હેલ્પ કરશો તો હાથ મળશે. સરકાર કે ઈશ્વર બધે એકલા હાથે પહોંચી નથી શકવાનાં એટલે આ પ્રક્રિયામાં તમે પણ સહભાગી બનો અને કોઈને સાથ આપીને સહયોગી બનો.
૮. તીન કા તડકા, લગે બહોત અચ્છા
આ એક રેઝોલ્યુશનમાં ત્રણ સલાહ છે. નક્કી કરજો, જાતને ક્યારેય છેતરવી નહીં, બિનઉપયોગી રાજકારણ કરવું નહીં અને જરૂરિયાત કરતાં વધારે ખોટું બોલવું નહીં. જો આ ત્રણ નિયમનો અમલ કરશો તો દુનિયા બહુ સહજ અને સરળ લાગશે, પણ જો એકાદમાં અટવાઈ ગયા, એકાદમાં થોડી માત્રા વધારી દીધી તો કામ અને સર્જનાત્મકતા બાજુ પર મુકાઈ જશે અને પછી એ બધામાં જ અટવાયેલા રહેશો. રાજકારણ જરૂરી છે અને અનિવાર્ય સંજોગોમાં પરિવારમાં પણ રમવું પડે. જૂઠું પણ બોલવું પડે, જો ભગવાન કૃષ્ણએ પણ ખોટું બોલવું પડ્યું હોય તો આપણે શામળા છીએ નહીં, બોલવું જ પડે ખોટું. કંઈ ખોટું નથી એમાં, પણ જો માત્રાની સભાનતા ન રહે તો હાલત ખરાબ થઈ જાય અને એવું બને ત્યારે જાતને પણ છેતરવાનો વારો આવી જાય. જે પોતાની જાતને છેતરીને રાખે છે એ ક્યારેય શાહમૃગમાંથી માણસ નથી બની શકતો. જાતને છેતરનારો હંમેશાં પછડાટ ખાય છે અને એની પછડાટ એના સ્વજનોએ પણ ભોગવવી પડે છે.
એવું બને નહીં અને એવા સંજોગો ઊભા ન થાય એની તકેદારી રાખવામાં આવતી હોય, પણ હવે સજાગ અવસ્થામાં એનું પાલન કરવાનું છે. કહો કે નવતર જીવતર માટે આનું પાલન કરવાનું છે.
૯. એન્ડ ઍટ લાસ્ટ, વિલ ડૂ
કહીશ એ કરીશ, નિર્ધાર લઈશ એ પાળીશ. હા, કહેવું હોય તો પાળવું પડશે અને પાળવું હોય તો એનો અમલ કરવો પડશે. નક્કી કરો કે અહીં કહ્યા એ કે પછી એ સિવાયના કોઈ પણ રેઝોલ્યુશન લઈશ તો એને વળગી રહીશ, એને અંત સુધી પાળીશ. અહીં કહ્યા છે એ બધાનું પાલન શક્ય નથી; પણ જે પાળી શકાય, જેનું પાલન થઈ શકે એનું પાલન જળોની જેમ ચીટકીને કરવું છે અને એ પાલન જ દેખાડશે કે તમે નવતર જીવતર માટે કેવા સજ્જ છો.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2019 01:19 PM IST | મુંબઈ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK