નવરાત્રિ મહોત્સવ બન્યો છે વ્યવસાય

Published: 28th September, 2011 14:34 IST

આજથી શરૂ થતી નવરાત્રિ એટલે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયની ખુશાલીનો ઉત્સવ. નવ દિવસ સુધી ઊજવાતી નવરાત્રિ માત્ર ગુજરાતીઓની ન રહેતાં સર્વ ધર્મનું પર્વ બની ગઈ. શક્તિપૂજાના આ ઉત્સવની પરંપરા ભારતમાં પ્રાચીન કાળથી જળવાઈ રહી છે. મા અંબા, દુર્ગા, બહુચરા, ભવાની તથા બધી જ દેવીઓ શક્તિસ્વરૂપા છે. પરિણામે સ્ત્રી શક્તિનું સ્વરૂપ ગણાય છે તો આ શક્તિ આવી ક્યાંથી?

 

 

 

 

બુધવારની બલિહારી - કિરણ કાણકિયા


પુરાણોની કથા અનુસાર મહિષાસુરે કઠોર તપ કરીને શિવજીને પ્રસન્ન્ા કરીને વરદાન માગી લીધું કે તેને કોઈ પણ વ્યક્તિ કે દેવ મારી ન શકે અને તે ઉદ્દંડ બન્યો. ખૂબ ત્રાસ આપવા લાગ્યો. દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. આ જોતાં રોષ્ો ભરાયેલા શિવજીએ ત્રીજું નેત્ર ખોલતાં તેમાંથી નીકળતી શક્તિઓમાંથી સ્ત્રીની રચના કરી. વળી, બધા  દેવોએ પોતાની ખાસ શક્તિનો સંચાર આ સ્ત્રીમાં કર્યો અને આમ જન્મ થયો દેવી દુર્ગાનો. સિંહ પર સવાર થઈ, શક્તિએ હાથમાં ખડગ લઈ મા દુર્ગા, અંબા, ભવાનીમાનું સ્વરૂપ મહિષાસુર પર ત્રાટકી તેનો નાશ કર્યો અને વિજય મેળવ્યો. આ વિજયની લોકોએ નવ દિવસ સુધી ઉજવણી કરી તે જ આપણી નવરાત્રિ.

ગરબા ગાવાનો આરંભ

તાળીઓના તાલ મેળવતી, દાંડિયાની રમઝટ બોલાવતી, સૌનાં અંગ-ઉપાંગ નચાવતી, ડોલાવતી, ભાતીગળ વસ્ત્રો-ઘરેણાંની છડી પોકારતી એવી રૂમઝૂમતી નવલી નવરાત્રિમાં લોકો ગરબા-ગરબી-રાસ રમે છે. તો આ ગરબા રમવાની પ્રથા કેવી રીતે ઉદ્ભવ પામી?  શા માટે આ ઉત્સવમાં ગરબા-રાસ રમાય છે? એની શરૂઆત કોણે કરી? આની પાછળ કથા છે.

પુરાણ કથાનુસાર બાણાસુરની પુત્રી ઉષા એટલે કે ઓખાનાં (ઓખાહરણ યાદ કરો) લગ્ન્ા શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયાં એ નિમિત્તે ઓખાએ દેવી અંબિકાનાં દર્શન કરવાની માનતા રાખી હતી. એથી સુવર્ણનો ગરબો લઈ ઓખા, અનિરુદ્ધ તથા યાદવો આરાસુર અંબિકાનાં દર્શન કરવા ગયાં. આરાસુરના ગબ્બર પહાડ ચડતાં ઓખાએ શિર પર સુવર્ણનો ગરબો ધારણ કર્યો હતો. એ સમયે અંબિકાનાં દર્શન માટે રુક્મિણી, કમલા જેવી અનેક દેવાંગના પણ આવી હતી.  ત્યારે ઓખાએ દેવી અંબિકાનો ગરબો સૌપ્રથમ વાર ગાયો અને દેવાંગનાઓએ એ ઝીલ્યો. આમ, દેવી પાર્વતી પાસેથી ગીત તથા નૃત્ય શીખેલી ઓખાએ આરાસુરમાં ગરબો ગાવાનો આરંભ કર્યો અને પછી દ્વારિકામાં ગોપસ્ત્રીઓમાં એ પ્રચલિત બની ગયો. આમ, ત્યારથી ગરબા ગાવાની પરંપરા શરૂ થઈ.

નવરાત્રિ આધુનિકતાને પંથે

એક સમય હતો કે ગામડાના આંગણામાં, શેરીઓમાં, પોળમાં ચૌટામાં કે માના મંદિરમાં સ્ત્રીઓ રાતના વાળુ કરી, કામકાજ પતાવી ભેગી થઈ ગરબા ગાતી, મીઠા, મધુર સ્વરે ગરબો હલકથી લયથી ગવાતો અને બીજી બહેનો ઝીલતી. શેરીમાં અંધારું હોય છતાં ચાંદલિયા-તારલિયાનો ઉજાસે ઉમળકાભેર ગરબા ગવાતા, રમાતા, ઝિલાતા. ગામના પુરુષો પણ ભેગા થઈ ગરબી ગાતા, ઝીલતા. પર્વની મહત્તા, ગરિમા જળવાતી- સૌ ભાવથી ભાગ લેતા. માતાની આરતી થાય, ગરબા ગવાય, પ્રસાદ વહેંચાય અને પછી બધા છૂટા પડે. બદલાતા સમય સાથે પરિવર્તનનો પવન ફૂંકાયો. ગામડાં શહેર તરફ આકષાર્યાં અને લોકો નગરમાં આવીને વસ્યા. એની સાથે નવરાત્રિની ઉજવણીમાં ફેરફાર થયો. ગરબાના શબ્દો એના એ જ રહ્યા, પરંતુ તેના તાલ, લય અને સૂરમાં પરિવર્તન આવ્યું. શહેરોમાં સોસાયટી ઊભી થતાં સૌએ પોતપોતાના માળાના મેદાનમાં કે અગાસીમાં અલગ મંડળી ઊભી કરી, નવરાત્રિ ઊજવવા લાગી. મંડપ, લાઇટ કે માઇકના ખર્ચ વગર રાસ-ગરબા રમાતા.

સમય જતાં આધુનિકતાનો પવન ફૂંકાતાં અને પશ્ચિમની સંસ્કૃતિની અસર પડતાં નવરાત્રિનો રંગ બદલાયો. ગરબા, ગરબી, હીંચને બદલે હમ્મા-હમ્મા પર રાસ-ગરબા થવા લાગ્યા અને પછી ડિસ્કો-દાંડિયા શરૂ થઈ ગયા અને તેમાં પૉપસિંગરનું તત્વ ઉમેરાતાં નવરાત્રિનું મૂળ તત્વ વીસરાતું ગયું. હવે મંડપ, રોશનીની ઝાકઝમાળ અને ઑર્કેસ્ટ્રાનાં આકર્ષણો ઊભાં થયાં. ‘પાસ’ સિસ્ટમ શરૂ થઈ, તેમાં ધંધાદારી તત્વ ભળવાથી આ પર્વને ચાર ચાંદ લાગી ગયા. ગરબાને હાર્મોનિયમ, તબલાં, વાંસળી સારંગીનો સાથ મળ્યો. માઇક્રોફોન અને લાઉડ-સ્પીકર્સ મળ્યા. લાઇટ ઈફેક્ટસ મળી. નવરાત્રિ કમાણીનું માધ્યમ બન્યું. મોટા મંડપો, લાઇટોનું ઝાકઝમાળ, આંજી નાખે તેવું ડેકોરેશન, કાન ફાડી નાખે એવું આધુનિક સંગીત. વાદ્યો સાથેનું ઑર્કેસ્ટ્રા, ધંધાદારી ગાયક-ગાયિકા અને તેમની અવનવી આગવી શૈલીમાં થતી એન્ટ્રી, જાણીતા ફિલ્મી હીરો, હિરોઇન ટીવી-આર્ટિસ્ટ્સનું આગમન, સીઝન ટિકિટ, આકર્ષક ઇનામો વગેરેને કારણે નવરાત્રિ અત્યાધુનિક બની જતાં લોકોનો ધસારો એ તરફ વળ્યો.

માટીના કુંભ-ગરબાની મહત્તા

નવરાત્રિમાં નવ છિદ્રોવાળા માટીના કુંભ-ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. નવ છિદ્રવાળો કુંભ એ સંસારી જીવના શરીરનું પ્રતીક છે, એમાં રહેલા પ્રક્ટેલા દીપક-દીવો એ ચૈતન્યનું પ્રતીક છે. માતાની શક્તિનું પ્રતીક છે. આપણે સંસારી જીવને પોતાના દરેક કાર્યમાં, દરેક પ્રવૃત્તિમાં અને તેના ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચારેય પુરુષાર્થમાં શક્તિ અત્યંત જરૂરી છે. શક્તિ વિના જીવ જડવત્ થઈ જાય. જીવમાં શક્તિનો સતત નિરંતર સ્રોત વૃદ્ધિ કરે અને વૃદ્ધિ થાય એ માટે સ્ત્રી-પુરુષ માતાની આરાધના કરે છે. અને મા પાસે માગણી કરે છે કે તેને અખંડ દિવ્યશક્તિ પ્રદાન કરે અને એથી જ આ શક્તિના પ્રતીકરૂપ ગરબાને મધ્યમાં રાખી સ્ત્રી-પુરુષો ગરબે ઘૂમે છે. ગરબે ઘૂમવું એ આ દિવ્યશક્તિના પ્રતીકરૂપ માતાના ગરબાની ભક્તિ, ઉપાસના અને આરાધના છે.

આપણો ગરબો ક્યાં ખોવાયો?

‘રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી...’
ઝૂલ ઝૂલે છે ગબ્બરની મા, અંબા ઝૂલે છે


આવા સુંદર ગરબા હવે સાંભળવા મળે છે? કોઈ પણ સંગીતના વાદ્ય વિના, તાળીઓના તાલ સાથે તાલ મેળવી, પગની ઠેસ લેતી, ઝાંઝરની ઝૂમઝૂમ ઘૂઘરી વગાડતી, સમૂહમાં સાથે ગાતી, વતુર્ળાકાર બહેનો હવે જોવા મળે છે ખરી? આપણા અર્થસભર મીઠામધુરા. મા જગદંબાનો પળે-પળે અહેસાસ કરાવતા ગરબા ક્યાં ગયા? શહેરી જીવનના કોલાહલમાં અદૃશ્ય થઈ ગયા?... ખરેખર, ચિંતા થાય છે કે આપણો ગરબો ક્યાં ખોવાઈ ગયો? ક્યાં અદૃશ્ય થઈ ગયો?.. કે પછી ભુલાઈ ગયો?.. ખરું-ખરું તો નવરાત્રિનું સાચું મહત્વ જ ભુલાઈ ગયું છે.

આજે તો નવરાત્રિ એટલે દંભ, ડોળ, દેખાવ, ઠઠારો અને પૈસાનું નર્યું પ્રદર્શન, નવ દિવસના નિતનવા ડિઝાઇનર ડ્રેસીસ, અવનવાં ઘરેણાં, ડેકોરેશન, ઑર્કેસ્ટ્રા, લાઇટિંગની ઝાકઝમાળ પાછળ લાખો રૂપિયા વેડફાઈ જાય છે. સાંજ પડે ને શહેરો નવું રૂપ ધારણ કરે છે. આધુનિકતાને કારણે મૂળ ગરબા હાંસિયામાં ધકેલાઈ ગયા છે. નવરાત્રિ હવે તમાશાનું પ્રતીક બની ગઈ  છે. માતાજીની પૂજાને બદલે સિનેસ્ટારોની પૂજા થાય છે. આમાં ક્યાંય શક્તિની આરાધના દેખાય છે ખરી? નવરાત્રિનું સમૂળગું સ્વરૂપ જ બદલાઈ ગયું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK